Book Title: Shraddhavidhi Prakaran
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 244
________________ આ રીતે ત્રણ ચતુષ્ક મળીને બાર વસ્તુ સંયમનાં ઉપકરણ છે. એમ જ શ્રાવક-શ્રાવિકારૂપ સંઘનો પણ શક્તિ મુજબ ભક્તિથી પહેરામણીવગેરે આપી સત્કાર કરવો. દેવગુરુ વગેરેના ગુણ ગાનારા યાચકાદિકોને પણ ઉચિત લાગે તેમ તૃપ્ત કરે. સંઘપૂજા ત્રણ પ્રકારે છે. એક ઉત્કૃષ્ટ, બીજી મધ્યમ અને ત્રીજી જઘન્ય. જિનમતધારી સર્વસંઘને મોટી પહેરામણી આપે તો ઉત્કૃષ્ટ સંઘપુજા થાય. સર્વ સંઘને માત્ર સૂતરવગેરે આપે તો જઘન્ય સંઘપૂજા થાય. બીજી બધી મધ્યમ સંઘપૂજા જાણવી. વધારે ધન ખરચવાની શક્તિ વિનાના એ પણ ગુરુમહારાજને સૂતર, મુહપત્તિ વગેરે તથા બે ત્રણ શ્રાવક-શ્રાવિકાઓને સોપારી વગેરે આપીને પણ દરવર્ષે સંઘપૂજા ભક્તિથી સાચવવી. ગરીબ માણસ એટલું કરે, તો પણ તેને ઘણો લાભ થાય. કહ્યું છે કે લક્ષ્મી ઘણી છતાં નિયમ આદરવો, શક્તિ છતાં ખમવું, યૌવન અવસ્થામાં વ્રત લેવું, અને ગરીબ અવસ્થામાં થોડું દાન આપવું આ ચાર મહાફળવાળા છે. વસ્તુપાળ મંત્રી વગેરે તો દરેક ચોમાસામાં સર્વ ગચ્છ સહિત શ્રી સકળ સંઘની પૂજા વગેરેમાં ઘણું ધન વાપરતા હતા એમ સંભળાય છે. દિલ્હીમાં જગસી શેઠના પુત્ર મહણસિંહ શ્રીતપાગચ્છાધિય પૂજ્ય શ્રી દેવચંદ્રસૂરિજીનો ભક્ત હતો. તેણે એકજ સંઘપૂજનમાં જિનમતધારી સકળ શ્રીસંઘને પહેરમણી વગેરે આપીને ચોરાશી હજાર ટંકનો વ્યય કર્યો. બીજે જ દિવસે મહણસિંહની વિનંતીપર પૂજ્ય આચાર્ય ભગવંતે મોકલેલા પંડિત શ્રી દેવમંગળ ગણિ પધાર્યા. તેમના પ્રવેશ વખતે મહણસિંહે સંક્ષિપ્ત સંઘપૂજામાં પણ છપ્પન હજાર ટંક વાપર્યા એમ સંભળાય છે. સાધર્મિક વાત્સલ્ય સાધર્મિક વાત્સલ્ય પણ બધા અથવા કેટલાક સાધર્મિક ભાઇઓનું શક્તિ પ્રમાણે કરવું. સાધર્મિક ભાઇનો યોગ મળવો પ્રાય: દુર્લભ છે, કેમકે બધા સાથે પરસ્પર બધા પ્રકારના સંબંધો પૂર્વે થઇ ચૂક્યા છે. પણ સાધર્મિકઆદિ સંબંધ બહુ ઓછા સાથે અને તે પણ ક્યારેક જ થાય છે. સાધર્મિકોનો સંગમ પણ જો મોટા પુણ્ય માટે થાય છે, તો તેમની ભગવાને કહી છે એવી ભક્તિની તો વાત જ શી કરવી? કહ્યું છે કે – એક તરફ બધા ધર્મો અને બીજી તરફ સાધર્મિક-વાત્સલ્ય રાખી બુદ્ધિરૂપી ત્રાજવાએ તોળીએ, તો બન્ને સરખા ઉતરે છે. સાધર્મિકનો આદર નીચે પ્રમાણે કરવો પોતાના પુત્રવગેરેના જન્મોત્સવ, વિવાહ કે તેવા બીજા પ્રસંગે સાધર્મિકોને આમંત્રણ આપવું અને ઉત્તમ ભોજન, પાન, વસ્ત્ર, આભરણ વગેરે આપવું. આપત્તિમાં આવેલા સાધર્મિકોને પોતાનું ધન વાપરી એમાંથી ઉગારવા. અંતરાયકર્મના દોષથી એમનો વૈભવ જતો રહે, તો ફરીથી એમને પૂર્વવતુ વૈભવશાળી બનાવવા. જે પોતાના સાધર્મિક ભાઇઓને પૈસેટકે સુખી ન કરે, તે પુરુષની મોટાઇ શા કામની? કહ્યું છે કે – જેમણે દીન, ગરીબ જીવોનો ઉદ્ધાર ન કર્યો, સાધર્મિકોનું વાત્સલ્ય ન કર્યું અને હૃદયમાં વીતરાગનું ધ્યાન ન કર્યું, તેમણે પોતાનો જન્મ વૃથા ગુમાવ્યો છે. કોઇ સાધર્મિક જો ધર્મથી ભ્રષ્ટ થતો હોય, તો તેવી તેવી કુશળતાથી ફરીથી ધર્મમાં દૃઢ કરવો. સાધર્મિક જો ધર્મકાર્ય ભૂલી જાય, તો સ્મારણા-યાદ કરાવવું. અનાચારમાં પ્રવૃત્ત થાય, તો વારણા-અટકાવવો. ચૂક થાય, તો નોદનાઠપકો આપવો. ફરીથી ચૂકે તો પ્રતિનોદના-કડક ઠપકો આપવો. તેમજ સાધર્મિકોને વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા વગેરેમાં યથાયોગ્ય જોડવા. ૨૩૬ શ્રાદ્ધવિધિ પ્રકરણ

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291