Book Title: Shraddhavidhi Prakaran
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 285
________________ પરિશિષ્ટ - ૧) ગ્રંથકર્તાનો પરિચય આ ગ્રંથના કર્તા પૂજ્યશ્રી રત્નશેખરસૂરિ મહારાજ છે. રત્નશેખરસૂરિ નામના બે આચાર્યો આપણે ત્યાં પ્રસિદ્ધ છે. એક શ્રી શ્રીપાળચરિત્ર અને ગુણસ્થાનક ક્રમારોહના કર્તા પૂજ્યશ્રી રત્નશેખરસૂરિ મ. અને બીજા શ્રાદ્ધવિધિ શ્રાદ્ધપ્રતિક્રમણ વગેરે ગ્રંથોના કર્તા પૂજ્યશ્રી રત્નશેખરસૂરિ મ. શ્રી શ્રીપાળચરિત્ર અને ગુણસ્થાનક ક્રમારોહના કર્તા પૂજ્યશ્રી રત્નશેખરસૂરિ મહારાજ પૂજ્યશ્રી વજસેનસૂરિ મહારાજના પટ્ટધર છે. જ્યારે આ ગ્રંથકર્તા પૂજ્ય રત્નશેખરસૂરિ પૂજ્યશ્રી મુનિસુંદરસૂરિ મહારાજના પટ્ટધર છે. તે શ્રી સુધર્માસ્વામીની બાવનમી પાટે થયા છે. તેમના રચેલા ગ્રંથોમાં હાલ ૧ અર્થદીપિકા, ૨ વિધિકૌમુદી (શ્રાદ્ધવિધિ) અને ૩ આચારપ્રદીપ આ ત્રણ ગ્રંથો ઉપલબ્ધ છે. અર્થદીપિકા - (વંદિત્તાસૂત્ર ટીકા) વિ. સં. ૧૪૯૬માં બનાવી છે. શ્રાદ્ધવિધિ વિ. સં. ૧૫૦૬ની સાલમાં રચી છે. આચારપ્રદીપ ગ્રંથ વિ. સં ૧૫૧૬ની સાલમાં નિર્માણ પામી છે. અર્થદીપિકા ગણિપદ પછી રચી છે. અને શ્રાદ્ધવિધિ તથા આચારપ્રદીપ આચાર્યપદ પામ્યા પછી બનાવેલ છે. આમ છતાં વિ.સં. ૧૪૯૬માં રચેલી અર્થદીપિકામાં શ્રાદ્ધવિધિનો અને વિ.સં. ૧૫૧૬માં રચેલા આચાર પ્રદીપનો ઉલ્લેખ શ્રાદ્ધવિધિમાં કેમ આપ્યો તેવી શંકા થાય. પરંતુ આનો ખુલાસો એ હોઇ શકે કે શ્રાદ્ધપ્રતિક્રમણ વૃત્તિ પૂરી કરી હોય તે અગાઉ તેમણે રચવા ધારેલા બે ગ્રંથોનો વિષયાનુક્રમ તૈયાર કર્યો હોય અને તેથી તેમણે તેની નોંધ શ્રાદ્ધપ્રતિક્રમણ કે શ્રાદ્ધવિધિમાં આપી હોય તે બનવાજોગ છે. રચના સંવત ગ્રંથની સમાપ્તિને આધારે આપ્યો હોય. તેથી પ્રથમ અર્થદીપિકા પછી શ્રાદ્ધવિધિ અને છેલ્લે આચાર પ્રદીપ પૂર્ણ કર્યો હશે. - પૂજ્ય રત્નશેખરસૂરિએ ઠેરઠેર પ્રતિષ્ઠા કરાવી હતી. કારણકે તેમના હસ્તે પ્રતિષ્ઠિત થયેલાં અનેક જિનબિંબો ઉપર તેમના નામનો ઉલ્લેખ છે. તેઓશ્રી પ્રતિભા સંપન્ન અનેક શિષ્યોના ગુરૂ અને ગચ્છનાયક હતા. તેમણે ગ્રંથમાં આપેલાં સાક્ષિપાઠો ઉપરથી તેમની વિદ્વત્તાનો આપણને ખ્યાલ સહેજે આવી શકે છે. તેમના પછી તપાગચ્છના નાયક પૂજ્ય આચાર્ય લક્ષ્મીસાગરસૂરિ થયા. એમના પરિવારમાં ૧૧ આચાર્ય, ૧૫ ઉપાધ્યાય, ૨૯૬ ગીતાર્થો અને હજારો મુનિઓ હતા. પરિશિષ્ટ - ૨) માર્થાનુસારિના ૩૫ ગુણ ૧. ન્યાયસંપન્ન વૈભવ : નીતિથી વેપારઆદિ કરી વૈભવ પ્રાપ્ત કરવો. અનીતિનું ધન ન્યાયથી પ્રાપ્ત કરેલા ધનને પણ ઘસડી જાય છે, માટે ન્યાયથી ધન મેળવવું. ૨. જ્ઞાની, સદાચારી, ગંભીર અને ઉદાર પુરૂષોના આચારોની પ્રશંસા કરવી, તેમના સુંદર આચારોનું અનુકરણ કરવા પ્રયત્ન કરવો. ૩. અન્ય ગોત્રવાળા પરંતુ સમાન કુલ અને એક સરખા આચારવાળા સાથે પોતાના પુત્ર-પુત્રીનો વિવાહ કરવો. કે જેથી ભવિષ્યમાં ધર્મસંબંધી કલહ પણ ન થાય, અને પોતાની સંતતિ જૈનધર્મમાં મક્કમ રહે. ૪. પાપોથી ડરતા રહેવું. ૫. જે દેશમાં વસતા હોઇએ તે દેશ પ્રમાણે વસ્ત્ર આભૂષણ અને ખાવા પીવાની રીત રાખવી, પણ તે ધર્મથી વિરુદ્ધ તો ન જ હોવી જોઇએ. ૬. કોઇ પણ માણસની નિંદા કરવી નહિ, તેમાં રાજા પ્રધાન આદિની તો ખાસ કરીને નિંદા કરવી જ નહિ. ૭. જે ઘરમાં પેસવા નીકળવાના અનેક દ્વાર હોય તેવા ઘરમાં વસવું નહિ. કારણકે ચોર વગેરે તેવા ઘરમાં પેસવાની તથા સ્ત્રી આદિકને ગેરવર્તણુક ચલાવવાની સુગમતા પડે. તેમ જ ચારે બાજુથી ઢાંકેલા હોય તેવા સ્થાનમાં રહેવાથી અગ્નિ આદિના ઉપદ્રવમાંથી નીકળવું કઠીન પડે. પાડોશમાં સારા માણસ રહેતા હોય તેવા ઘરમાં રહેવું. ૮. સદાચારી માણસોની જ સોબત કરવી, દુરાચારી અને મિથ્યાષ્ટિઓનો સંગ તજવો. ૯. જન્મદાતા માતા-પિતાની પૂજા એટલે ઉચિત સેવા કરનારા થવું. ૧૦. દુકાળ, મારી, મરકી, શત્રુ રાજા આદિના લશ્કરની ચડાઇ વગેરેનો ઉપદ્રવ જ્યાં ન હોય, ત્યાં રહેવું; જેથી ધર્મ, અર્થ અને કામનો વિનાશ ન થાય. ૧૧. નિંદિત કાર્યોમાં પ્રાણાંતે પણ પ્રવૃત્તિ કરવી નહિ. ૧૨. આવકનો વિચાર કરીને ખર્ચ કરનારા થવું. આવક કરતાં વધુ ખર્ચ કરનારો દેવાદાર અને દુ:ખી બની જાય છે. ઉદાર બનવું, પણ ઉડાઉ ન બનવું. ૧૩. પોતાના પૈસા પ્રમાણે વેશ રાખવો, ગરીબનો આડંબર અને શ્રીમંતની કંજુસાઇ નિંદાપાત્ર બને છે. ૧૪. બુદ્ધિના આ આઠ ગુણો ધારણ કરવા ૧. શાસ્ત્ર સાંભળવાની ઇચ્છા, ૨. શાસ્ત્ર સાંભળવું, ૩. તેનો અર્થ સમજવો, ૪. તે અર્થને યાદ રાખવો, ૫. ઊહા-તર્ક કરી સામાન્ય જ્ઞાન પ્રાપ્ત કરવું, ૬. અપોહ-વિશેષ શ્રાદ્ધવિધિ પ્રકરણ

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291