________________
પાછા સ્થાપે, તો જ તે ધર્માચાર્યનો ઉપકાર સુપ્રતિકાર્ય બને છે.
માતા-પિતાને પીઠપર ચઢાવી યાત્રા કરાવવાઅંગે પોતાના અંધ માતા-પિતાને કાવડિયામાં રાખી ખભેથી ઉપાડી તીર્થયાત્રા કરાવનાર શ્રવણકુમાર દૃષ્ટાંત છે. માતા-પિતાને ધર્મ પમાડવા અંગે પિતાને દીક્ષા અપાવનાર શ્રી આર્યરક્ષિતસૂરિ દૃષ્ટાંત છે. અથવા કેવળજ્ઞાન થઇ જવા છતાં માતાપિતાને બોધ નહીં થાય ત્યાં સુધી ઘરવાસમાં રહેલા કૂર્માપુત્ર દૃષ્ટાંતભૂત છે.
બીજા ઉપકારી - શ્રીમંત શેઠ અંગે જિનદાસ શેઠે પોતે વણિકપુત્ર હોવાથી પોતાને ગરીબમાંથી શ્રીમંત બનાવનાર મિથ્યાત્વી શેઠ દુર્ભાગ્યથી ગરીબ થયા ત્યારે એ શેઠને ફરી શ્રીમંત બનાવ્યા અને શ્રાવક ધર્મ પમાડ્યો એ દૃષ્ટાંત છે. ત્રીજી ઉપકારી ધર્માચાર્યઅંગે નિદ્રાવગેરે પ્રમાદમાં પડેલા શ્રીસેલકાચાર્યને પ્રતિબોધ પમાડનારા શ્રી પંથક મુનિ દષ્ટાન્ત છે.
માતાઅંગે વિશેષ ઔચિત્ય માતા સંબંધી વિશેષ ઔચિત્ય બતાવે છે - માતામાં સ્ત્રીસ્વભાવ હોવાથી નાની વાતમાં ય ખોટું લાગી જાય. તેથી, તથા (માતાનો પિતાથી પણ વિશેષ ઉપકાર હોવાથી) માતા પૂજ્ય હોવાથી માતાપ્રત્યે વધુ કાળજી લેવી અને એમની ઇચ્છા વિશેષથી પૂર્ણ કરવી. મનુએ કહ્યું છે -દશ ઉપાધ્યાય સમાન આચાર્ય છે. સો આચાર્ય સમાન પિતા છે અને પિતાથી માતા ગૌરવરૂપે હજાર ગણી ચઢિયાતી છે.
બીજાઓએ પણ કહ્યું છે કે – પશુઓમાં માતા સાથે સંબંધ સ્તનપાનની અવસ્થા સુધી હોય છે. અધમ પુરુષો પત્ની ન આવે (= પરણે નહીં), ત્યાં સુધી સંબંધ રાખે છે. ઘરકાર્યો પૂરા ન થાય ત્યાં સુધી મધ્યમ પુરુષો માતા સાથે સંબંધ રાખે છે. ઉત્તમ પુરુષો જીવનના અંત સુધી માતાની તીર્થ સ્વરૂપ માની પૂજા કરે છે.
પશુઓમાં માતા બચ્ચાઓને જીવતા જોઇ સંતોષ માને છે. મધ્યમ પુરુષોની માતા પુત્રને ધન કમાતો જોઇ રાજી થાય છે. ઉત્તમ પુરુષોની માતા પુત્રના વીરચિત પરાક્રમોથી ખુશ થાય છે ને લોકોત્તમ મહાપુરુષોની માતા પોતાના પુત્રના પવિત્ર ચરિત્રથી પ્રસન્ન થાય છે.
ભાઈઓ અંગેનું ઔચિત્ય ભાઇઓમાં ઔચિત્ય એ જ છે કે દરેક ભાઇ બીજા ભાઇને પોતાને સમાન તરીકે જ જુએ. તથા બધા કાર્યોમાં મોટાભાઇની જેમ નાનાભાઇને પણ બહુમાનભાવથી જોવો. મોટોભાઇ તો પિતા તુલ્ય ગણાય જ છે. (તેથી તેનું તો બહુમાન થાય. પણ એણે નાનાભાઈની લાગણીને દરેક સ્થળે માન આપવું) નાનાભાઇએ તો માતા ભિન્ન હોવા છતાં લક્ષ્મણ જે રીતે મોટાભાઈ રામને અનુસર્યા હતા, એ રીતે અનુસરવું જોઇએ. આ જ રીતે મોટા-નાના ભાઇના પત્ની-પુત્રો વગેરેએ પણ વિચારવું જોઇએ.
મોટાભાઇએ ક્યારેય પણ નાનાભાઇ સાથે અલગતાનો ભાવ દર્શાવવો જોઇએ નહીં. તે (નાનો ભાઇ) પૂછે, તો બધી હકીકત કહેવી જોઇએ. વ્યવહારમાં પ્રવર્તાવે... (વ્યવહારકુશળ બનાવે) જેથી વ્યવહારમાં નિષ્ણાત થયેલો તે ધૂતારા વગેરેથી ઠગાઇ જાય નહીં. એ જ રીતે દ્રોહની બુદ્ધિથી થોડું પણ ધન એનાથી છુપાવે નહીં. હા, ક્યારેક સંકટ આવી પડે ત્યારે કામ લાગે, એ માટે ધન નિધિરૂપે (ગુપ્ત ભંડારરૂપે) રાખે. શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૫૭