________________
મળવાની ઉત્કંઠાથી પોતાની પૂરી સેના સાથે નીકળ્યાં. અંતપુર, મંત્રીઓ, સામંતો, સેનાપતિઓવગેરે પણ સાથે જોડાયા. બધા થોડા દિવસમાં ત્યાં પહોંચ્યા. આ સમાચાર મળવાપર કુમાર, બંને કન્યા, પોપટવગેરે પણ સામે લેવા ગયા. મિલન થવાપર કુમારવગેરે બધા રાજાને ગુરુને શિષ્ય નમે એમ નમ્યા. બંને કન્યા પણ પોતાની માતાના ખોળામાં બેઠી. કુમારનું અદ્ભુત રૂપ, તેની દિવ્ય ઋદ્ધિઓ વગેરેથી પ્રભાવિત થયેલા રાજાવગેરેએ પણ કુમારનું વિશેષ બહુમાન કર્યું. કુમારે દેવીની સહાયથી ઉત્તમ ભોજનવગેરેથી સેના સહિત રાજાનો સુંદર સત્કાર કર્યો. રાજાવગેરે બધા જ એ તીર્થની ભક્તિ કરવા અને કુમારની દિવ્ય ભક્તિનો સ્વાદ માણવા ત્યાં રોકાયા. પછી રાજાએ કુમારને પોતાનું નગર પાવન કરવા વિનંતી કરી.
કુમારની સમ્મતિ મળવાપર રાજા કુમારવગેરેને લઇ પોતાના નગરે પધાર્યા. સાથે જ આવતા ચક્રેશ્વરી દેવી – ચંદ્રચૂડ દેવ વગેરેના પ્રભાવથી એ પ્રમાણમાં કોઇને તાપનો અનુભવ થયો નહીં. અનન્ય ઉત્સાહ અને ઉત્સવપૂર્વક રાજાએ કુમારનો બંને કન્યા સાથે નગરપ્રવેશ કરાવ્યો. ત્યાં રાજાએ આપેલા શ્રેષ્ઠ આવાસમાં કુમાર બંને પત્ની સાથે રોકાયા.
એકવાર રાતના સમયે ચોકીદારસહિત બધા જ સુતા હતા, ત્યારે અચાનક દિવ્યવસ્ત્રધારી, દિવ્યરૂપધારી એક વ્યક્તિ તીક્ષ્ણ તલવાર સાથે ચોરની જેમ કુમારના મહેલમાં પ્રવેશ્યો. રોષથી ધમધમતી એ દૈવી વ્યક્તિના પ્રવેશ થવામાત્રપર ભાગ્યોદયથી કુમારની ઉંઘ પણ ઉડી ગઇ. સાધુપુરુષો ખરેખર અલ્પનિદ્રાવાળા હોય છે. કોણ છે? અત્યારે અહીં કેમ આવ્યા હશે? હજી તો કુમાર વિચાર કરે છે, ત્યાં જ એ વ્યક્તિએ કહ્યું - રે કુમાર ! તું તને વીર માનતો હોય, તો યુદ્ધ માટે સજ્જ થા. આ વાણિયામાત્ર એવા તારી ખોટી પ્રશંસા હું સાંભળી શકું એમ નથી. એમ કહી એ પોપટ સહિત પાંજર ઉઠાવીને ભાગવા માંડ્યો.
તેથી કુમાર પણ એની પાછળ ક્રોધાવિષ્ટ થઇ તલવાર લઇ દોડવા માંડ્યો. પેલો આગળ ને કુમાર પાછળ એમ દોડતા દોડતા શીધ્ર કિલ્લો પણ વટાવીને બહાર નીકળી ગયા. એ ચોરના તેજ ને જોતા-જોતા એ રીતે પાછળ પાછળ જતા કુમાર ઘણે દૂર નીકળી ગયો. પછી અચાનક જ એ ચોર ગરુડની જેમ આકાશમાં ઉડી અદ્રશ્ય થઇ ગયો. ત્યારે વિસ્મય પામેલા કુમારે વિચાર્યું - ચોક્કસ મારો કોઇ વેરી દેવ કે વિદ્યાધર છે. એ મારું તો શું બગાડી શકવાનો? પણ મારા પ્રાણપ્રિય પોપટને ચોરી જઇ એણે મોટો અપરાધ કર્યો છે.
પછી કુમારે પોપટના વિરહની પીડામાં હે કીર ! હે ધીર ! હે વીર ! મને દર્શન-વચન સુખદાતા તું ક્યાં છે? તારા જેવાની સહાય વિના મારું શું થશે? ઇત્યાદિરૂપે વિલાપ કર્યો. પછી વિચાર્યું આ - અરણ્યરૂદનથી સર્યું. મારે એને ફરીથી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. એકાગ્ર થઇ પ્રયત્ન કરવાથી જ મંત્રવગેરેમાં સફળતા મળે છે. એ વિના ક્યાંય સિદ્ધિ મળતી નથી. આમ વિચારી ચોર જે દિશામાં ગયો હતો, એ દિશામાં એ ચાલવા માંડ્યો. જોકે આકાશગામીના સમાચાર ભૂમિગામીને કેવી રીતે મળે? અરે ચિહ્ન પણ ક્યાંથી મળે? છતાં કુમાર પોતાનો પ્રયત્ન છોડતો નથી, કેમકે સપુરુષો આશા છોડતા નથી. જાણે કે એ રીતે કરીને પોતાની સાથે પ્રવાસ કરવાનો, સમયોચિત વચનો કહેવાનો વગેરે પોપટે જે ઉપકાર કર્યા હતા, એનું ઋણ એ ચુકવી રહ્યો હતો. ૧૯૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ