________________
89
ભાગ્યશાલી હો તો તેના આનંદમાં બીજાને ભાગ્યશાલી કરજે, પરંતુ દુર્ભાગ્યશાલી હો તો અન્યનું બૂરું કરતાં
રોકાઇ આજના દિવસમાં પ્રવેશ કરજે. કંઈ પૂર્વ શુભકરણીથી, ધનથી, કુટુંબથી, કે બીજા સંજોગોથી તારું ભાગ્ય ચડતું હોય, અવળાં પાસા નાખતાં પણ સવળું પડતું હોય, બધી તરફથી યશ-કીર્તિ આવી મળતાં હોય, મનની મુરાદ વગર મહેનતે પાર પડતી હોય, વિદ્યાસંપત્તિ સારી સંપાદન કરી શક્યો હોય તો તું આનંદમાં આવી જાય ભલે; પણ છકી ન જતાં તારા આનંદમાં બીજાને ખુશ કરજે. તેમાં તેઓ તરફથી તને હૃદયની સારી શુભેચ્છાઓ મળશે. એ પણ તારા ભાગ્યને ચડતું રાખવામાં શુભ નિમિત્ત છે માટે એકલપેટો થઈને એકલો જ ચડતા ભાગ્યનો આનંદ ના માણીશ, પણ બીજાને આનંદ કરાવજે. કેટલાક ભાગ્યશાળીઓ એવી ભાવનાવાળા નથી પણ હોતા. કારણ, સુખમાં જીવને બીજાનો વિચાર આવવો મુશ્કેલ છે.
૪૨