________________
અંતિમ સ્તુતિ મંગલ
આ પુષ્પમાળાના પ્રણેતા આવી અણમોલ ભેટ આપનાર, કે જેની જાત હિરની છે એ દેવાંશી પુરુષ પ્રતિ અપૂર્વભાવ અને પરમપ્રેમ આપણને વર્તો. એ મોક્ષમાર્ગ પ્રગટ કરનાર પરમ સામર્થ્યવાન પુરુષના અગાઘ જ્ઞાનમહિમાની આપણી સુપ્ત ચેતનામાં સ્ફુરણા પ્રગટાવો.
·
જે બાળ મહાત્માની બાળ વયની બધી વિદેહી દશા હતી અને નાની વયે જેનાં અંતરાત્મામાં વીતરાગ માર્ગનો ઉદ્ધાર કરવા અર્થે નિષ્કારણ કરૂણાથી જિજ્ઞાસા વર્તતી હોઇ તેનાં ફળસ્વરૂપે આ માળા આપણા પૂર્વના મહાન પુણ્યોદયથી આપણા હાથમાં આવી છે. તેનું વીર્યોલ્લાસ પ્રગટાવી, નિત્ય મનન—ચિંતન રાખી અનંતભવ એક ભવમાં ટાળવાના લક્ષમાં રહેવું ઉચિત છે. તેવી આત્મસિધ્ધિ દેનાર દેહધારી પરમાત્માના પાદપંકજનું અવલંબન યાચીએ, તે પ્રભુ પ્રત્યે નમ્ર અરજ દૈન્યત્વભાવે અખંડ એક શરણાગતપણે પુનઃ પુનઃ કરું છું.
હે દેવ ! આપના એક એક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે. અનેક ભાવો ને નયભેદથી આપની વાણી અલંકૃત છે. આપનાં કહેલાં અનુપમ તત્વને સમજવું એ કુદીને દરિયો ઓળંગી જવા જેવું અતિ અતિ વિકટ છે. ભૂજાએ કરી આત્મબળે કરી આપ મોહ સ્વયંભુરમણ સમુદ્ર તરી ગયા છો.
૧૧૮
-