Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
११
ઉપશમનાકરણ
કોઈ પણ અદાલતમાં ગુનેગારને અમુક મુદત પ્રમાણે જેલ વગેરેની સજા થયેલ હોવા છતાં ખાસ કોઈ કારણસર જામીન આપી અમુક મુદત સુધી તે ગુનેગાર જેલ આદિ વિના બિનગુનેગારની માફક મુક્ત રહી શકે છે અને મુદત પૂર્ણ થતાં જ પુનઃ જેલ આદિના બન્ધનમાં આવી જાય છે, તેમ પ્રથમ બંધાયેલ સત્તાગત મોહનીય કર્મનો ઉદય ચાલુ હોવા છતાં જેનાથી મોહનીય કર્મ સર્વથા દબાઈ જાય તેવા પ્રકારના વિશિષ્ટ અધ્યવસાય રૂપ સર્વોપશમના કરણથી અંતર્મુહૂર્ત કાળ સુધી આત્મા મોહનીય કર્મના ઉદયમાંથી મુક્ત બની વીતરાગ સમાન થઈ જાય છે અને તે અંતર્મુહૂર્ત કાળ પૂર્ણ થતાં જ મોહનીય કર્મનો ઉદય પુનઃ શરૂ થઈ જાય છે.
એમ બંધ સમયે બંધન, નિદ્ધત્તિ અને નિકાચના એમ ત્રણમાંથી કોઈ પણ એક કરણ દ્વારા કર્મ બંધ થાય છે અને બંધનકરણથી બંધાયેલ કર્મમાં અધ્યવસાયાનુસાર સાતેય કરણો લાગી અનેક પ્રકારના ફેરફાર થાય છે અને નિદ્ધત્તિ કરણથી બંધાયેલ કર્મમાં ઉદ્ધર્તના અને અપવર્તના એ બે કરણો લાગી તેમાં ફેરફાર થાય છે પરંતુ નિકાચના કરણ દ્વારા બંધાયેલ કર્મમાં આઠમાંનું કોઈ પણ કરણ લાગતું નથી. માટે તે કર્મમાં કંઈ જ ફેરફાર થતો નથી, તેથી જે સ્વરૂપે બંધાયેલ હોય તે જ સ્વરૂપે અવશ્ય ભોગવવું પડે છે. તેમ હોવા છતાં શ્રેણિગત શુક્લધ્યાન કે ધર્મધ્યાન સ્વરૂપ વિશિષ્ટ અધ્યવસાયો દ્વારા તે નિકાચિત કર્મો રસોદયથી ભોગવ્યા વિના પણ ક્ષય થઈ જાય છે.
માટે સાધક આત્માઓએ શુભ ધ્યાન રૂપ અત્યંતર તપની પ્રેક્ટિસ કરવા અને તેમાં આગળ વધવાની ખૂબ જ જરૂર છે તેથી ગાઢ નિકાચિત બંધાયેલ કર્મોનો પણ ભોગવ્યા વિના ક્ષય કરી તે જ ભવમાં મોક્ષગામી બની શકાય છે.
પહેલાં અનેક વખત ભણાવવા છતાં પ્રસ્તુત-ગ્રંથગત પદાર્થોના સૂક્ષ્મ સ્વરૂપનો આવો વાસ્તવિક ખ્યાલ મને ન હતો, છતાં છેલ્લાં ૨૦ વર્ષથી સ્વર્ગત, પરમપૂજ્ય, પ્રાતઃસ્મરણીય ૧૦૦૮ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબે અને તેઓશ્રીના સમુદાયવર્તી વિદ્વાન મુનિ ભગવંતોએ લખેલ કર્મ સાહિત્યનાં ઘણાં મેટરો તથા પુસ્તકોનું અવલોકન કરવાથી મને કંઈક સારો બોધ પ્રાપ્ત થયો છે,
પ્રસ્તુત ગ્રંથના અભ્યાસક વર્ગને ચિંતન-મનન દ્વારા પદાર્થોના વિશેષ બોધની જિજ્ઞાસા વધે અને સહેલાઈથી વિશેષ બોધ પ્રાપ્ત કરી શકે તે હેતુથી કેટલાંક યંત્રો-આકૃતિઓ અને દરેક કરણના અંતે સારસંગ્રહ તેમજ પ્રશ્નોત્તરી પણ તૈયાર કરીને મૂકવામાં આવેલ છે.
આ ગ્રંથની કેટલીક નવી ટિપ્પણીઓ, સારસંગ્રહ તેમજ પ્રશ્નોત્તરીનું સંપૂર્ણ મેટર કર્મસાહિત્યના નિષ્ણાત પ. પૂ. ગણિવર્ય ૧૦૦૮ શ્રી જયઘોષ વિજયજી મહારાજ સાહેબે પોતાના અમૂલ્ય સમયનો ભોગ આપી અક્ષરશઃ બારીકાઈથી તપાસી આપેલ છે એ ઉદીરણા કરણનું મેટર ૫. પૂ. વીરશેખર વિજયજી મહારાજ સાહેબે સૂક્ષ્મતાપૂર્વક તપાસી આપેલ છે અને ૫ પૂ ધર્માનંદ વિજયજી મહારાજ સાહેબે પણ આ બાબતમાં કેટલુંક માર્ગદર્શન આપેલ છે, તેથી તે દરેક પૂજ્ય મુનિ ભગવંતોનો હું અત્યંત ઋણી છું અને તેઓશ્રીનો અતિ ઉપકાર માનું છું.