Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
९
જવાથી બંધનકર્તા થાય છે અને ઉપરની કોર્ટમાં જવાથી તેમાં ફેરફાર પણ થઈ જાય છે—એમ નીચેની કોર્ટે આપેલ જજમેન્ટનો ફલિતાર્થ છે. તેમ સામાન્ય બંધનકરણના અધ્યવસાયોથી બંધાયેલ કર્મ ઉપર અન્ય અધ્યવસાય રૂપ બીજાં કરણોની અસર ન થાય તો જે સ્વરૂપે બંધાયેલ હોય તે સ્વરૂપે ફળ આપે છે અને અન્ય કરણોની અસર થાય તો તેના સ્વરૂપમાં ફેરફાર પણ થઈ જાય છે, એમ બંધનકરણથી બંધાયેલ કર્મનો ફલિતાર્થ છે.
જેમ સુપ્રીમ કોર્ટમાં ન જનાર વ્યક્તિને હાઈકોર્ટે આપેલ ચુકાદો અવશ્ય બન્ધનકર્તા છે અને તેના ફેરફાર માટે સુપ્રીમ કોર્ટમાં જવું એ જ કેવળ ઉપાય છે કેમકે તેથી તેમાં ફેરફાર પણ થઈ જાય છે. તેમ પ્રથમથી જ નિવ્રુત્ત અધ્યવસાયો દ્વારા બંધાયેલ કર્મમાં સ્થિતિ-૨સ વધારનાર ઉદ્ધૃર્તના અને ઘટાડનાર અપવર્તના એ બે કરણો પ્રવર્તી શકે છે. અન્ય કોઈ કરણ લાગી શકતું નથી એમ નિયત થયેલ હોય છે. હવે તે પૂર્વબદ્ધ કર્મ જો નિકાચના અધ્યવસાયરૂપ સુપ્રીમ કોર્ટના તાબામાં ન આવે તો એ જ રીતે ભોગવાઈને ક્ષય થઈ જાય છે. પરંતુ નિકાચના અધ્યવસાય રૂપ સુપ્રીમ કોર્ટના તાબામાં આવી જાય તો તેમાં ઉદ્ધર્તના અને અપવર્તના આ બે કરણો પણ લાગી શકતાં નથી.
બંધારણીય કાયદા વગેરેની બાબતમાં પ્રથમથી જ સુપ્રીમ કોર્ટમાં ચાલેલ કેસનો અગર નીચેની અદાલતમાં ચાલેલ કેસનો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જે ચુકાદો આપે છે તેમાં ફરમાવેલ દંડ કે સજા વગેરેમાં ક્યારેય કોઈપણ પ્રકારનો ફેરફાર થતો નથી અને અવશ્ય બંધનકર્તા હોય છે, તે જ પ્રમાણે-નિકાચના અધ્યવસાય દ્વારા બંધસમયે જેટલી સ્થિતિવાળું, જેટલા રસવાળું અને જે ફળ આપવા વગેરેના સ્વરૂપવાળું જે કર્મ બંધાયું હોય તે બંધ પછી અને પહેલાં બંધન કે નિદ્ધત્તિ કરણથી બંધાયેલ હોવા છતાં પછીથી તેમાં તીવ્ર અધ્યવસાય રૂપ નિકાચના કરણ લાગી તે કર્મ નિકાચિત થઈ જાય તો તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થઈ શકતો નથી, પરંતુ જે સ્વરૂપે નિકાચિત બંધ થયેલ હોય અગર પછીથી નિકાચિત થયેલ હોય તે જ સ્વરૂપે ભોગવ્યા બાદ જ તે કર્મ ક્ષય પામે છે.
‘સુપ્રીમ કોર્ટે ફરમાવેલ દંડ કે સજામાં કોઈપણ પ્રકારનો ફેરફાર થાય નહિ' એવો કાનૂન હોવા છતાં રાષ્ટ્રપતિ તે દંડ કે સજા પણ માફ કરી શકે છે એવો વિશિષ્ટ કાયદો છે. તેમ પ્રથમથી જ નિકાચિત બંધાયેલ અથવા પછીથી નિકાચિત થયેલ કર્મમાં પણ આઠ કરણમાંના કોઈ પણ કરણથી કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, બલ્કે જે કર્મ જે રીતે નિકાચિત થયેલ હોય તે કર્મ તે રીતે જ ભોગવવું પડે છે, એમ શાસ્ત્રોમાં જણાવેલ છે, છતાં રાષ્ટ્રપતિ સમાન શ્રેણિગત અધ્યવસાયો દ્વારા અર્થાત્ તેવા પ્રકારના શુકલધ્યાન કે ધર્મધ્યાન દ્વારા નિકાચિત કર્મો પણ ભોગવ્યા વિના ક્ષય થઈ જાય છે, એમ શાસ્ત્રોમાં અપવાદરૂપ વિશિષ્ટ કાયદો છે. તેથી જ ક્યારેય પણ નિદ્ધત્ત અને નિકાચિત થયેલ જે કોઈ કર્મો સત્તામાં હોય છે તે પોતાના અપૂર્વકરણ સુધી અથવા અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનક સુધી નિદ્ધત્ત અને નિકાચિત રૂપે સત્તામાં હોય છે, પરંતુ પોતાના અનિવૃત્તિ કરણથી અથવા તો અનિવૃત્તિકરણ નામના નવમા ગુણસ્થાનકના પ્રથમ સમયથી કોઈ પણ કર્મનો કોઈ પણ ભાગ નિવ્રુત્ત કે નિકાચિત રૂપે હોતો જ નથી. તાત્પર્ય એ કે, આયુષ્ય વિના સત્તાગત સર્વ કર્મો ભોગવ્યા વિના પણ ક્ષય પામે તેવાં થઈ જાય છે.