________________
જિનમાર્ગનું અનુશીલન જે પંથે આત્મસાધનારૂપ ધર્મના ધ્યેય તરીકે આવી વિશ્વમૈત્રીની ઉદાત્ત અને સર્વવ્યાપી ભાવનાને સ્વીકારી હોય, એ પંથની ધાર્મિકતા કેટલી બધી વ્યાપક હોવી જોઈએ – એટલી વ્યાપક કે જેમાં કેવળ માનવમાત્રનો જ નહીં, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવથી લઈને મોટામાં મોટા પ્રાણીનો સમાવેશ થઈ શકે. પણ સાથે સાથે એ વાત પણ આપણા ખ્યાલમાં રહેવી જોઈએ કે અહિંસાની સાધનાના ફળસ્વરૂપ વિશ્વમૈત્રીની આ ભાવનાની ખરેખરી કસોટી અન્ય જીવો સાથેના વ્યવહાર કરતાં માનવસમાજ સાથેના વ્યવહારવર્તનમાં વધારે થાય છે; કારણ કે ઇતર પ્રાણીઓ કરતાં પોતે ચડિયાતો છે એવું પુરવાર કરવા માટે માનવી ભાગ્યે જ લલચાય છે કે પ્રયત્ન કરે છે. પણ કષાયો અને રાગદ્વેષને કારણે પોતે બીજા માણસ કરતાં ચડિયાતો છે, પોતાનો સમાજ ઇતર સમાજ કરતાં ચડિયાતો છે એવું માનવા-મનાવવા તરફ માનવીનું મન સહજે ઢળી જાય છે. અને જ્યારે માનવીનું મન પોતાનું ચડિયાતાપણું પુરવાર કરવા માટે બીજાઓનું ઊતરતાપણું પુરવાર કરવા તરફ વળે છે, ત્યારે કંઈકંઈ નજીવાં કારણોને આગળ કરીને એ પોતાના અહંકારને પોષવા લાગે છે, અને જે ધર્મનો પાયાનો હેતુ જ અહંકારને ગાળી નાખવાનો છે, એ ખુદ ધર્મના નામે જ અહંકારનું પોષણ થવા લાગે છે! પરિણામે, એક બાજુ ધાર્મિક ગણાતી પ્રવૃત્તિ ચાલતી રહે છે, અને બીજી બાજુ સાચી ધાર્મિકતાના પાયામાં સુરંગ ચાંપતી કષાયવૃત્તિ આગળ વધતી રહે છે!
આપણે ત્યાં ધર્મમાંથી ફિરકા જન્મ્યા, એક-એક ફિરકાને પણ ગણ, ગચ્છ કે સંઘનાં ઘાતક વળગણો વળગ્યાં, એક-એક ગચ્છ જુદાજુદા સમુદાયોના બંધનમાં જકડાઈ ગયો, અને પછી આ દરેક સ્તરે પોતપોતાની સરસાઈ સ્થાપવાની સાઠમારી ચાલી. આટલું ઓછું હોય એમ, એક જ સમુદાયની જુદી-જુદી વ્યક્તિઓ પણ બીજાઓ કરતાં પોતાના ચઢિયાતાપણાને જ વિશેષ મહત્ત્વ આપવા લાગી. આમાં પછી ધર્મના સાધ્યરૂપ વિશ્વમૈત્રીના સૂત્રનું ઉચ્ચારણ પોપટના રામનામ-રટણની જેમ કેવળ શૂન્ય બની રહે એમાં શી નવાઈ ?
અને “અમારો ધર્મ સૌ કરતાં ચડિયાતો' એ વિચારના કેફમાં આપણે એટલું બધું ભાન ગુમાવી દીધું કે મોટા-મોટા માનવ-સમાજોને આપણે, વિશ્વમેત્રીના ઉદ્બોધક તીર્થકરે પ્રવર્તાવેલ ધર્મતીર્થના દ્વારેથી જાકારો આપવામાં ગૌરવ માનવા લાગ્યા ! નિર્મળ, શીતળ અને મીઠું નીર વહાવતી સરિતાને કિનારે આવવાની જાણે આપણે તરસ્યા જીવોને મનાઈ ફરમાવી દીધી! અને છતાં આપણે માનતા રહ્યા કે અમારામાં જ સાચી ધાર્મિકતાનો વાસ છે ! આનાથી ખરી રીતે તો દુનિયાને જેટલો ગેરલાભ થયો છે, એના કરતાં જરા ય ઓછો ગેરલાભ આપણી પોતાની જાતને નથી થયો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org