Book Title: Gyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan Author(s): Gunvant Barvalia Publisher: Arham Spiritual CentrePage 25
________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન એ ફૂલને તોડી નાખે છે. કબીર કહે છે કે આને કારણે તો સંત સમગ્ર વિશ્વમાં વંદનીય અને શ્રેષ્ઠ ગણાય છે. એણે પુત્રૈષણા, વિતૈષણા અને લોકેષણાનો સદંતર ત્યાગ કરી દીધો હોય છે, પરંતુ આ તો બાહ્ય બાબત ગણાય. એના ભીતરની અંદર શાંતિનો મહાન સાગર સર્જાય છે. એ નિર્ભયતાને પ્રાપ્ત કરે છે અને એ રીતે એ સંતને સર્વોચ્ચ સ્થિતિ પ્રાપ્ત થાય છે. આમ ઇચ્છાત્યાગી સંત જેવો બીજો કોઈ નથી. સંત કબીરે વારંવાર ઇચ્છાઓના ત્યાગની વાત કરી છે. ઇચ્છા એ જ કર્મબંધનનું કારણ છે અને સાધક જેમજેમ એનો ત્યાગ કરે, તેમતેમ એ આ કર્મબંધનમાંથી મુક્ત બને છે. સંત કબીર તો ઇચ્છાત્યાગીની પરાકાષ્ઠાને દર્શાવે છે. એ કહે છે કે પરમાત્મા પામવાની ઇચ્છા પણ અવરોધક છે, કારણ એટલું કે ઇચ્છા એ બાહ્ય વસ્તુ છે, જ્યારે પરમાત્મા એ ભીતરી છે. એથી સંત કબીર એવો ઉદ્ઘોષ કરે છે કે તમારા આત્માથી અલગ કોઈ પણ વસ્તુ મેળવવાની ઇચ્છા થાય તો એક અર્થમાં સંસારની જ એષણા છે. જે કંઈ આપણા આત્માથી ભિન્ન છે, તે અસલી નથી, પણ નકલી છે. તે કોઈ બિંબ કે માયા છે અને તેથી જ પરમાત્મા બહાર હોય અને તમે એનો વિરહ અનુભવો તે યોગ્ય નથી. પરમાત્માપ્રાપ્તિ માટે વ્યક્તિએ નિષ્કામ બનવું જોઈએ. એ પૂર્ણકામ, તૃપ્તકામ અને આપ્તકામ થવો જોઈએ. આમ થાય તો નિજ સ્વરૂપનો બોધ થાય એટલે કે પરમાત્માની પ્રાપ્તિ થાય છે. જ્યારે વ્યક્તિ કોઈ કામના રાખે, ત્યારે એ બહાર દોડે છે, જ્યારે વ્યક્તિના આત્મામાં સઘળી કામનાઓ અને એષણાઓ અસ્ત પામે છે, ત્યારે એ પરમાત્મા બની જાય છે. આવું નિજ સ્વરૂપનું જ્ઞાન કે સ્વરૂપજ્ઞાન જરૂરી છે, કારણકે બહારથી કંઈ પણ મેળવવાની ઇચ્છા એ એષણા સ્વરૂપમાં છે. અનાદિકાળથી સાધક બહારથી પ્રાપ્ત કરવાની ઇચ્છાને કારણે આત્મબોધ અને આત્મશાંતિથી વંચિત રહે છે. બહાર ભ્રમ છે, બહાર માયા, છે, બહાર રહેલી ઇચ્છાઓ, એષણાઓ અને વાસનાઓ ભટકાવનારી છે, જ્યારે મેળવવાનું છે તે તારું પોતાનું સ્વરૂપ છે, શાશ્વત શાંતિ અને અનંત સુખ મેળવવા માટે તારા સ્વરૂપમાં સ્થિર થા અને એથી જ સંત કબીર કહે છે કે જો મારા સ્વરૂપજ્ઞાન વિશેના વિચાર ગ્રહણ કરશો તો તમને સત્યનો બોધ મળશે. ૩૯ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન C સદ્ગુરુની વાણી એ કરેણની ડાળનું કડવું ફળ છે, પરંતુ તે ચાખવાથી જ તને સત્ય અને શાંતિ મળશે. આ સત્ય કડવું શા માટે છે? એ કડવું એ માટે લાગે છે કે અવિવેકી મનને એ પ્રતિકૂળ લાગે છે, વિવેકીને અનુકૂળ. સંત કબીર પાસે સાંપ્રદાયિકતા જ નષ્ટ થઈ જાય છે એવું નથી, બલકે ધર્મોધર્મો વચ્ચેના ભેદ પણ ઓગળી જાય છે. એમણે સાંપ્રદાયિકતાની સંકીર્ણતાનો તો ત્યાગ કર્યો જ હતો, પણ એથીય વિશેષ જુાદજુદા ધર્મના ભેદની દીવાલો તોડી નાખી હતી. બાલ્યાવસ્થાથી જ એ રામભક્તિમાં લીન હતા. એ વાત સાચી છે કે સંત કબીરના રામ એ વાલ્મીકિ કે તુલસીદાસના રામ નથી. નાની વયથી જ રામભક્તિના નશામાં ડૂબેલા હતા. ક્યારેક તો કાંતણ-વણાટ કામ કરતા કબીર રામમાં એટલા લીન બની જતા કે કામ કરવાનું ભૂલી જતા હતા. એમણે પદોમાં હિંદુ દેવતાઓનાં નામ લીધાં હોવાથી મુસલમાન લોકો એના પર ગુસ્સે ભરાયેલા હતા, તો બીજી બાજુ હિંદુઓ પણ મૂર્તિપૂજા, અસ્પૃશ્યતા જેવી બાબતો અંગે આકરા સવાલો પૂછતા કબીર પર કોપાયમાન હતા. વળી મુસ્લિમ કુળમાં જન્મેલા કબીરસાહેબ મોટે ભાગે હિંદુ વૈષ્ણવ ભક્તની જેમ રહેતા હતા. આ રીતે સંત કબીરે ધર્મમાં પેસી ગયેલાં અનિષ્ટો દર્શાવવાની સાથોસાથ ધર્મો-ધર્મો વચ્ચેની દીવાલ ભાંગી નાખી અને આ એમનું સૌથી વિરલ કાર્ય કહેવાય. (આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ દેશ-વિદેશમાં જૈન ધર્મ પર મનનીય પ્રવચનો આપે છે. તેમણે જૈન સાહિત્ય અને તત્ત્વજ્ઞાનના વિપુલ ગ્રંથોનું સર્જન અને સંપાદન કર્યું છે. શિક્ષણ, પત્રકારત્વ અને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં પણ તેમનું નોંધનીય પ્રદાન છે).Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121