Book Title: Dash Vaikalik Sutra Part 03 Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious View full book textPage 6
________________ પૃથ્વીકાય' બોલનારને જીવનું અસ્તિત્વ જણાવવું પડે ? સાત લાખ બોલતાં અંતરમાં કંઈ થાય કે વિધિમાં આવે એટલે બોલી જવાના ? આ તો આદેશ માટે પડાપડી કરે ! પ્રતિક્રમણનાં સૂત્રો બધાએ ધારવાનાં જ હોય ને ? તો આદેશ માટે પડાપડી શા માટે કરવી ? નાનાં છોકરા-છોકરીને લઈને આવે અને એની પાસે બોલાવડાવે. નાના છોકરાને શું જ્ઞાન હોય ? શું ભાવ હોય ? આખું પ્રતિક્રમણ એની પલોજણમાં જ પૂરું કરો ને ? સંસ્કાર પાડવા હોય તો ઘરમાં બોલાવવાનું. આપણી આરાધના સિદાય, એકાગ્રતા હણાય એ રીતે સંસ્કાર ન આપવા. આપણે મોક્ષે જવું છે કે ઘરનાને મોક્ષે પહોંચાડવા છે ? ઘરના લોકોને મોક્ષે પહોંચાડી પછી મોક્ષે જવા માટે ઘરમાં રહેનારા પરગજુ માણસોનો આજે તોટો નથી. લોકો શું કરે છે તે નથી જોવું. પોતાની બાજુમાં સગો દીકરો બેઠો હોય તો તે શું કરે છે તે જોવા તેની તરફ નજર પણ ન નાંખે તે સાધુ થઈ શકે. આ અધ્યયનનો પહેલો અધિકાર જીવ-અજીવનું જ્ઞાન છે. શ્રી વીતરાગપરમાત્માના શાસનમાં ધર્મની શરૂઆત આસ્તિયથી થાય છે. જેઓ આત્માનું અસ્તિત્વ ન માને, પરલોકનું અસ્તિત્વ ન માને તેમને ધર્મ કરવાનો અધિકાર નથી. આજે આપણી પાસે સાચી આસ્તિકતા છે ખરી ? શરીરથી જુદો આત્મા છે એવું માનીએ ખરા ? આત્મા છે, એમાં ગુણો રહેલા છે, ગુણોનો આશ્રય આત્મા છે - એવું માનીએ ? આસ્તિક્ય પણ સામાન્ય નહિ, વિશિષ્ટ કોટિનું જોઈએ. સમસ્ત સંસારના ઉચ્છેદની ભાવનાથી મિત્રાદષ્ટિનો યોગ આત્માને થાય છે. ત્યાંથી આસ્તિકતાની શરૂઆત થાય છે. આત્માને માને, કર્મને માને, સંસારને માને, મોક્ષને માને તો જ આવી ભાવના જાગે ને ? લોકોત્તર ધર્મની શરૂઆત તો પાંચમી દૃષ્ટિથી થાય. તેમાં તો વિશિષ્ટ કોટિનું આસ્તિક્ય હોય ને ? નયનિક્ષેપાદિથી ગર્ભિત આત્માદિ તત્ત્વોનું જ્ઞાન અને સ્વીકાર પાંચમી દૃષ્ટિમાં હોય. આસ્તિકની નજર શરીર સામે હોય કે આત્મા સામે ? શરીર માટે પાપ કરવું પડે, આત્મા માટે આજ્ઞા માનવી પડે. પાપ છોડીને વીતરાગપરમાત્માની આજ્ઞા માનવા તૈયાર થાય ત્યારે આ વિશિષ્ટ કોટિનું આસ્તિક્ય આવે. આ દુનિયામાં કેટલા પ્રકારના આત્મા છે એ જાણવા પહેલાં આપણે આત્મા છીએ - એ માનવાની જરૂર છે. આત્માના અસ્તિત્વને માનનારાએ શરીરને ભૂલવું પડે. આજે સાધુભગવંતો પણ આત્માને યાદ રાખે કે શરીરને ? આરાધના કરતાં શરીરને (૮) - સાચવે કે આત્માને ? આત્માને ન માને તે અને શરીરને આત્મા માને તે બેમાં કોઈ ફરક નથી. ઉપરથી શરીરને આત્મા માનનારા તો આત્માને ન માનનારા કરતાં વધારે ભૂંડા છે. આ દુનિયામાં સાચા નાસ્તિક મળવા મુશ્કેલ છે. એક વાર આચાર્યભગવંતે કહ્યું હતું કે – સાચા આસ્તિક તો મળવા મુશ્કેલ છે જ, પણ સાથે સાચા નાસ્તિક પણ મળવા મુશ્કેલ છે. સાચા નાસ્તિક તો જે દેખાય તે જ માને. આવાઓ દુ:ખથી ભાગાભાગ ન કરી શકે. કારણ કે - દુઃખ તો દેખાતું નથી. સાચા નાસ્તિકને પરમ આસ્તિક બનાવી શકાય. ઇન્દ્રભૂતિ ગૌતમ સાચા નાસ્તિક હતા તો ક્ષણમાં આસ્તિક બની ગયા. ભગવાને તેમને પૂછ્યું કે ‘તું જુએ એ જ વસ્તુને તું માને કે બીજા જુએ એ પણ માને ?” તેમણે કહ્યું કે ‘બીજા જુએ તે પણ માનું.' ત્યારે ભગવાને કહ્યું કે હું કેવળજ્ઞાનથી આત્માને સાક્ષાદ્ જોઉં છું. તું પણ કેવળજ્ઞાની થઈશ ત્યારે તને દેખાશે.' તો તરત માની ગયા. બનાવટ બહુ ખરાબ છે. બનાવટી નાસ્તિકતા આપણને સાચા આસ્તિક બનવા દેતી નથી. - આ ચોથું અધ્યયન જીવતત્ત્વની આસ્તિકતા ઉપર મંડાયેલું છે. તમારી વાત તો જવા દો, જે સાધુસાધ્વી માટે આ રચના છે તેઓ પણ આત્માને માને છે કે નહિ એ એક મોટો પ્રશ્ન છે. અમારા માટે આ સૂત્રની રચના છે છતાં અમે જ આત્માને ન માનીએ આ તે કેવી વિષમતા ? આઠ વરસના છોકરાને જે સમજાય તે આપણને આ ઉંમરે પણ ન સમજાય : આ આપણી લાયકાત છે ? શરીરની વાત આવે ને મોટું બગડે અને આત્માની વાત આવે તો કાન ઊંચા થઇ જાય - એ સાચા આસ્તિક છે. આજે તો ડોક્ટર આવે તો કાન ઊંચા થઈ જાય અને ગુરુને જોઇને મોટું બગડે તો તેવાને આસ્તિક કઈ રીતે કહેવા ? આત્માનું અસ્તિત્વ સ્વીકારે તેનું જીવન તો એટલું પવિત્ર હોય કે તેમાં કોઈ જાતની ખરાબી પ્રવેશી ન શકે. પાપ તે જ ન કરી શકે કે જે આત્માને આંખ સામે રાખે. શરીરને આંખ સામે રાખે તે પાપ કર્યા વગર ન રહે. આત્મા એ એવી ચીજ છે કે જેના માટે પાપ કરવાની જરૂર ન પડે અને શરીર એ એવી ચીજ છે કે જેના માટે પાપ કર્યા વગર ન ચાલે. પાપથી સુખ મળે કે પાપથી દુઃખ આવે ? ‘પાપથી દુઃખ આવે' એ ભગવાનનું વચન અને ‘પાપથી સુખ મળે’ એ આપણો અનુભવ કહે છે ને ? અનીતિથી પૈસો મળે કે દુ:ખ આવે ? (૯)Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 92