________________
૫
ભાવરૂપ અજ્ઞાનસાધક દ્વિતીય પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ
‘તમે જે અર્થ કહ્યો તેને હું જાણતો નથી (ત્વડુમ્ અર્થ ન નાનમિ)' આવા સાક્ષિપ્રત્યક્ષદ્વારા પણ અભાવવિલક્ષણ અજ્ઞાન (અવિદ્યા) સિદ્ધ થાય છે.' અહીં ન્યાયામૃતકાર કહે છે કે પ્રદર્શિત સાક્ષિપ્રત્યક્ષ દ્વારા અભાવવિલક્ષણ અજ્ઞાન સિદ્ધ થઈ શકે નહિ. આ સાક્ષિપ્રત્યક્ષ દ્વારા તો એટલું જ સિદ્ધ થઈ શકે કે તમે જે અર્થ કહ્યો તે અર્થવિષયક સાક્ષાત્ પ્રમિતિ અમને નથી. તેથી સાક્ષાત્ પ્રમિતિનો અભાવ જ ઉક્ત પ્રત્યક્ષ દ્વારા સિદ્ધ થાય. આની સામે અદ્વૈતવેદાન્તી કહે છે કે ‘તમે જે અર્થ કહ્યો તેને હું જાણતો નથી’ એવા સાક્ષિપ્રત્યક્ષ દ્વારા અભાવવિલક્ષણ અજ્ઞાન સિદ્ધ થાય છે એમ વિવરણાચાર્યે કહ્યું છે. વિવરણાચાર્યનો અભિપ્રાય શો છે તે સમજાવીએ છીએ. માણસને વિષયવિશેષિત અજ્ઞાનનો અનુભવ થાય છે, એટલે તે જ વિષયવિશેષિત અજ્ઞાનને દૂર કરવા માટે તે માણસ તે જ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં પ્રવૃત્ત થાય છે. વિષયવિરોષિત અજ્ઞાનનો અનુભવ ન થયો હોત તો તે વિષયના જ્ઞાન માટે તે પ્રવૃત્ત થાત નહિ. વિષયના જ્ઞાનની ઉત્પત્તિ પહેલાં તે વિષયનું અજ્ઞાન બધાને અનુભવસિદ્ધ છે. મીમાંસક, બૌદ્ધ અને જૈન દાર્શનિકોનો પણ મત છે કે અનધિગત વિષયનું જ્ઞાન જ પ્રમા કહેવાય. અનધિગત વિષયની અધિગતિ માટે તાર્કિકો પ્રમાણનું અન્વેષણ કરે છે. આ વિષય અમને અજ્ઞાત છે એવું જાણ્યા પછી માણસ તે વિષયના જ્ઞાનને મેળવવા પ્રવૃત્ત થાય છે. વિષયવિરોષિત અજ્ઞાન સાક્ષિવેદ્ય છે. આનો અર્થ એ કે જે સાક્ષિપ્રત્યક્ષ દ્વારા અજ્ઞાન ગૃહીત થાય છે તે સાક્ષિપ્રત્યક્ષ વડે અજ્ઞાનનો વ્યાવર્તક વિષય પણ ગૃહીત થાય છે. અજ્ઞાનનો વ્યાવર્તક વિષય અજ્ઞાતત્વધર્મવાળો જ સાક્ષિપ્રત્યક્ષ વડે ગૃહીત થાય છે. જો આ અજ્ઞાન અભાવવિલક્ષણ ન હોત અને જ્ઞાનાભાવ ( = પ્રમાજ્ઞાનાભાવ) હોત તો વિષયવિરોષિત જ્ઞાનનો ( = પ્રમાજ્ઞાનનો) અભાવ સાક્ષિપ્રત્યક્ષ દ્વારા સિદ્ધ છે એમ કહેવાત. માધ્વો આવું સ્વીકારે છે. પરંતુ અદ્વૈતવેદાન્તીનો એ સ્પષ્ટ સિદ્ધાન્ત છે કે વિષયવિરોષિત પ્રમાજ્ઞાનનો અભાવ સાક્ષિપ્રત્યક્ષ દ્વારા ગૃહીત થઈ શકે જ નહિ. અભાવ અનુપલબ્ધિપ્રમાણ કે ઇન્દ્રિયપ્રત્યક્ષપ્રમાણનો વિષય છે, સાક્ષિપ્રત્યક્ષનો વિષય નથી જ. અભાવના પ્રતિયોગીનું જ્ઞાન ન હોય તો અભાવનું જ્ઞાન થઈ શકે જ નહિ. વિષયવિરોષિતપ્રમાજ્ઞાન પ્રતિયોગી છે. વિષયવિરોષિતપ્રમાજ્ઞાન જ્ઞાત થતાં વિષય પણ જ્ઞાત થઈ જાય. વિષય જ્ઞાત થતાં વિષયનું અજ્ઞાન કેમ કરીને રહી શકે ? ન જ રહી શકે. અને વિષયનું અજ્ઞાન ન હોય તો કોને દૂર કરવા માટે માણસ પ્રમાણના અન્વેષણમાં પ્રવૃત્ત થાય ? તેથી વિષયવિરોષિત અજ્ઞાન અભાવવિલક્ષણ છે એમ સ્વીકારવું જોઈએ. અને આ અભાવવિલક્ષણ અજ્ઞાન ‘તમે જે અર્થ કહ્યો તેને હું જાણતો નથી’ એવા સાક્ષિપ્રત્યક્ષ દ્વારા સિદ્ધ થાય છે. જ્ઞાનાભાવવિલક્ષણ અજ્ઞાન સાક્ષિપ્રત્યક્ષસિદ્ધ છે એમ ન સ્વીકારીએ તો માણસનો પ્રમા સંપાદન કરવાનો પ્રયાસ વ્યર્થ થઈ જાય. તેથી, જ્ઞાનાભાવવિલક્ષણ અજ્ઞાન બધાએ સ્વીકારવું જોઈએ. આ જ વાત સુરેશ્વરાચાર્યે તેમના બૃહદારણ્યકભાષ્યવાર્તિકમાં સ્પષ્ટ રૂપે કહી છે - સર્વતીર્થવૃશાંસિદ્ધિઃ સ્વામિવ્રતસ્ય વસ્તુનઃ। यदभ्युपगमादेव तत्सिद्धिर्वार्यते कुतः ॥ (४.३.१५६)
"