________________
સિદ્ધાન્તબિંદુમાં નિરૂપિત સુષુપ્તિ
૧૮૯
ભાવરૂપ કાર્ય પોતાના ઉપાદાનકારણમાં આશ્રિત હોય છે. કાર્યની ઉત્પત્તિ થાય ત્યારે અને કાર્યની ઉત્પત્તિ પછી ઉપાદાન ન હોય તો ઉપાદેય કાર્ય શેમાં આશ્રિત થશે ? તેથી, કારણત્વના નિર્વાહ માટે કાર્યની અવ્યવહિત પૂર્વ ક્ષણે અને કાર્યનો આશ્રય બનવા માટે કાર્યકાલે પણ ઉપાદાન હોય છે. કેવળ કાર્યત્વનિર્વાહ માટે ઉપાદાનનું કાર્યકાળે હોવું જરૂર નથી. અનુત્પન્ન કાર્ય અસિદ્ધ છે, અસિદ્ધ કાર્ય પોતાની સિદ્ધિને માટે જ કારણની અપેક્ષા રાખે છે. કાર્ય સિદ્ધ થતાં કાર્યને પછી કારણની અપેક્ષા રહેતી નથી. કાર્યોત્પત્તિકાળે કાર્ય સિદ્ધ હોય છે, ઉત્પત્તિ પછી પણ કાર્ય સિદ્ધ હોય છે, સિદ્ધ કાર્ય સ્વસાધક કારણની અપેક્ષા રાખતું નથી. સિદ્ધનું કોઈ સાધક હોય નહિ. અસિદ્ધ જ સાધકસાપેક્ષ હોય છે. સિદ્ધ કાર્ય સ્થસિદ્ધિકાળે પણ ઉપાદાનની અપેક્ષા રાખે છે એનું કારણ તો એ છે કે ઉપાદાન તેનો અર્થાત્ કાર્યનો આશ્રય છે. કાર્યનો આશ્રય બનવા માટે જ ઉપાદાન કાર્યકાળે અપેક્ષિત હોય છે. સાધક બનવા માટે ઉપાદાન કાર્યકાળે અપેક્ષિત નથી જ. કાર્યકાળે તો કાર્ય સિદ્ધ થઈ ગયું હોય છે. તેથી તેને સાધકની અપેક્ષા હોય જ નહિ. નવ્યનૈયાયિકોએ નિમિત્તકારણને કોઈ કોઈ સ્થળે કાર્યકાળે અસ્તિત્વમાં રહીને કારણ બનતું વર્ણવ્યું છે, પણ આ વાત અત્યન્ત અસંગત છે. અસાધક પણ કારણ હોય એના જેવી વિચિત્ર વાત બીજી શી હોઈ શકે ? ઉત્પાદક જ કારણ છે. જે ઉત્પાદક નથી તે કારણ નથી. ઉત્પન્નનું કોઈ ઉત્પાદક ન હોય. ઉત્પન્ન કાર્યની સ્થિતિને માટે કાર્યકાલે જે અપેક્ષિત હોય છે તે કાર્યના કારણ તરીકે અપેક્ષિત નથી હોતું પણ કાર્યની સ્થિતિને માટે જ અપેક્ષિત હોય છે. કાર્યની સ્થિતિને માટે જે અપેક્ષિત હોય તેને કાર્યનું ઉત્પાદક ગણવું એ નિતાન્ત અસંગત છે. કાર્યકાલે વર્તમાન રહીને આધાર બને છે એમ કહી શકાય. નિમિત્તકારણ કાર્યનો આધાર (આશ્રય) નથી. તેથી નિમિત્તકારણની કાર્યકાલે સત્તા કાર્યને અપેક્ષિત જ નથી." નિમિત્તકારણના નારો કોઈક સ્થળે કાર્યનો નાશ થતો હોઈ કોઈકે કહી દીધું કે નિમિત્તકારણની કાર્યકાલે સત્તા કાર્યને અપેક્ષિત છે. ઉદાહરણાર્થ, અપેક્ષાબુદ્ધિના નાશે દ્વિત્યાદિ સંખ્યાનો નાશ થાય છે. આ તો વૈશેષિકોની પ્રક્રિયામાત્ર છે. તે વૈશેષિકોની પ્રક્રિયામાત્ર હોવાથી મીમાંસકો આવી પ્રક્રિયા સ્વીકારતા નથી. ૩૬
જે હો તે, મન સવિકલ્પક વૃત્તિનું કારણ છે પણ તે કાર્યકાલે વર્તમાન હોઈને જ સવિકલ્પક વૃત્તિનું કારણ છે. સાધારણતઃ મન સવિકલ્પ વૃત્તિનો આશ્રય હોય છે. તેથી સવિકલ્પક વૃત્તિ હોય ત્યારે પણ મનની સત્તા આવશ્યક છે. પરંતુ સ્થાપ્ન વૃત્તિનો આશ્રય મન નથી, સ્વાપ્ન વૃત્તિ અવિદ્યાવૃત્તિ છે અને અવિદ્યાવૃત્તિ તો અવિઘામાં જ આશ્રિત છે. પરંતુ એ ધ્યાનમાં રાખવું કે મન ન હોય તો આ સ્થાપ્ન વૃત્તિ પણ ન હોય. મનનો લય થતાં સ્વાપ્ન અવિદ્યાવૃત્તિ હોતી નથી. તેથી મન સ્થાપ્ન વૃત્તિનું નિમિત્તકારણ હોવા છતાં એમ કહી શકાય કે મન સ્વાપ્ન વૃત્તિરૂપ કાર્યકાળે વર્તમાન રહીને તેનું કારણ બને છે. એમ ન કહીએ તો આપત્તિ આવે. શી ? સુષુપ્તિની અવ્યવહિત પૂર્વ ક્ષણે તો મન હોય છે જ એટલે સુષુપ્તિકાળે મનના કાર્યભૂત સવિકલ્પક જ્ઞાનની ઉત્પત્તિની આપત્તિ આવે. સુષુપ્તિની અવ્યવહિત પૂર્વક્ષણે સવિકલ્પક પરામર્શ હોઈ શકે છે, તેથી સુષુપ્તિક્ષણે સવિકલ્પક અનુમિતિની આપત્તિ આવે.' આ રીતે સુષુપ્તિક્ષણે અનુમિતિ હોતાં સુષુપ્તિમાં જાગ્રત્વશાની આપત્તિ આવે, અર્થાત્ સુષુપ્તિનો અભાવ જ થઈ જાય. ૮ અનુમિતિમાત્ર સવિકલ્પક જ્ઞાન છે. નિર્વિકલ્પક અનુમિતિ સંભવતી જ નથી. પરોક્ષાનુભવ