________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
નિશ્ચયથી આત્મા નિર્વેદક છે, મન-શરીર વેદક છે. એને વેદના થાય પણ એ વખતે “હું અનંત સુખનું ધામ છું, હું અનંત સુખનું ધામ છું, હું અનંત સુખનું ધામ છું, હું અનંત સુખનું ધામ છું' જોરથી બોલો એટલે એ બધી વેદના હટી જાય. એનો જરાય ભાર ન લાગે.
દાદાશ્રી : પાંચ-પચ્ચીસ વખત બોલ્યા તો ચોખ્ખું થઈ જાય.
આ દેહ મુશ્કેલીઓનો કંદ છે ને આત્મા અનંત સુખનો કંદ છે. દેહ તો ઘડીવાર પણ જંપવા ના દે. રોજ ખવડાવીએ, પીવડાવીએ, નવડાવીએ, ધોવડાવીએ તોય પાંસરો ના રહે.
કો'ક વખત ચંદુભાઈની તબિયત બરોબર ના હોય, હાથપગ ફાટતા હોય તો કહીએ, “અનંત સુખનું ધામ છું' બોલો. આ તો સિલકમાંથી વાપરવાનું છે ને ! પહેલા તો પારકા પાસેથી માગતા હતા. આપણે રૂપિયો માંગીએ તો કહેશે, દસ આપ્યા. એમાંથી મૂઓ એક આપણને આપ્યો, ઊલટા આપણા નવ ગયા !
શરીરને દુઃખ પડતું હોય ને “અનંત સુખનું ધામ છું' બોલે તો સામસામે બેલેન્સ થઈને રાગે પડી જાય. અને જ્યારે મહીં માનસિક ઉપાધિ થતી હોય, તો આપણે “અનંત સુખધામ” બોલ્યા કે મહીં (સુખ) વર્યા કરે.
તને અકળામણ થતી હોય ત્યારે હું અનંત સુખધામ છું. હું અનંત સુખધામ એવો પરમાત્મા છું. હું અનંત સુખનો કંદ છું.” એમ બોલ. એટલે સુખ ઉત્પન્ન થશે. પોતે સંપૂર્ણ સુખસ્વરૂપ પરમાનંદી છે તે અણગમાને ‘હું અનંત સુખવાળો છું કહીને ફેરવી નાખે.
એટલે આપણી શક્તિ આમાં નાખવી. આપણામાં શક્તિ તો બધી પાર વગરની છે. તે આમાં નાખી આપવી. પાડોશી ખરાને, ફાઈલ નંબર વન ! મોહ ચઢતો હોય તો બોલવું કે “મોહનીય અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખનું ધામ છું.” એટલે મોહ ઊડી જાય. મોહનું પ્રમાણ અનંત હોવાથી તેની સામે હું અનંત સુખવાળો છું. મારા સુખ આગળ મોહનીયનો હિસાબ જ નથી.