________________
‘નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં’......
જ્ઞાનીની આજ્ઞાથી જીવ ગમે તે કરે તો પણ તે મોક્ષમાર્ગમાં છે “જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણ આદિ કેવા અનુક્રમે કરવાં તે કહેતાં એક પછી એક પ્રશ્ન ઊઠે; અને તેનો કેમે પાર આવે તેમ નથી. પણ જો જ્ઞાનીની આજ્ઞાથી તે જીવ ગમે તેમ (જ્ઞાનીએ બતાવ્યા પ્રમાણે) વર્તે તોપણ તે મોક્ષના માર્ગમાં છે.’’
(વ.પૃ.૭૭૧)
જ્ઞાની, મોક્ષનો શાંત માર્ગ બતાવે તેથી કંઈ પાપ થાય નહીં
“અમારી આજ્ઞાએ વર્તતાં જો પાપ લાગે તો તે અમે અમારે શિરે ઓઢી લઈએ છીએ; કારણકે જેમ રસ્તા ઉપર કાંટા પડ્યા હોય તે કોઈને વાગશે એમ જાણી માર્ગે ચાલતાં ત્યાંથી ઉપાડી લઈ કોઈને જ્યાં ન લાગે તેવી બીજી એકાંત જગ્યાએ કોઈ મૂકે તો કાંઈ તેણે રાજ્યનો ગુનો કર્યો કહેવાય નહીં; તેમ રાજા તેનો દંડ કરે નહીં; તેમ મોક્ષનો શાંત માર્ગ બતાવતાં પાપ કેમ સંભવે ? જ્ઞાનીની આજ્ઞાએ ચાલતાં જ્ઞાનીગુરુએ ક્રિયાઆશ્રયી યોગ્યતાનુસાર કોઈને કાંઈ બતાવ્યું હોય અને કોઈને કાંઈ બતાવ્યું હોય તેથી મોક્ષ(શાંતિ)નો માર્ગ અટકતો નથી.” (વ.પૃ.૭૭૧) ‘નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં'...
બોઘ સાંભળી, શ્રદ્ધી તે પ્રમાણે વર્તવાનો ભાવ થાય તે આજ્ઞા “આજ્ઞા એટલે શું?
સત્પુરુષ ઉપર એવી શ્રદ્ધા કે તે કહે છે તે સાચું છે, તેના ઉપર પ્રેમ થાય, તેના વચનનું શ્રવણ થાય; તે સાંભળીને સાચું માને, તે પ્રમાણે વર્તવાનો ભાવ થાય; એ પ્રમાણે ભાવનું પલટવું તે આજ્ઞા છે.’’ (ઉ.પૃ.૩૩૮)
જ્ઞાનીની આજ્ઞાથી પાંચ દશ મિનિટ પણ આત્માને માટે ગાળવી
“આજ્ઞાથી જે જે સાધન મળ્યાં છે તે મોક્ષ આપનાર થશે. સામાયિક લૌકિક રીતે ભલેને હજારો કરો; પણ જ્ઞાનીની આજ્ઞાથી તો પાંચ-દશ મિનિટ પણ આત્માને માટે ગળાય તે દીવો કરશે.” (ઉ.પૃ.૩૬૦)
(બ્ર.શ્રી મગનભાઈ લક્ષ્મીદાસ પટેલ, સુણાવના પ્રસંગમાંથી)
આજ્ઞા ચઢે કે સેવા ચઢે
શ્રી ભાઈલાલભાઈનો પ્રસંગ – “રાત્રે બધા પ્રભુશ્રીજીના પગ-હાથ દાબે ત્યારે ભાઈલાલ-ભાઈ પાસે બેઠેલા હોય તે પણ સેવા કરવા જાય ત્યારે ના પાડે. ભાઈલાલભાઈથી રહેવાય નહીં. એટલે ફરી ફરીને જાય, પણ ના પાડી દે. પછીથી એકવાર રૂમમાં બધા બેઠા હતા ત્યારે પ્રભુશ્રીજીએ બધાને પ્રશ્ન કર્યો કે સેવા ચઢે કે આજ્ઞા ચઢે’ ત્યારે સેવા કરવાવાળાએ કહ્યું કે સેવા. પણ પ્રભુશ્રીજીએ જણાવ્યું કે ‘આજ્ઞા ચઢે’. આજ્ઞામાં સેવા આવી જાય છે.’’
-શ્રી. લ. જીવન દર્શન (પૃ.૧૩૬)
૬૩