________________
jainology |
109
આગમસાર
(૫) આવી અવસ્થા આપણને પ્રાપ્ત ન થાય તે માટે કોઈપણ જીવને અંશમાત્ર પણ દુ:ખ ન પહોંચાડવું અને સર્વ પાપોનો હંમેશાં ત્યાગ કરવો જોઇએ.
(૬) આવું જાણીને કેટલાય જીવો અનુક્રમે મહામુનિ બની જાય છે. પરિવારના લોકો તેને સંસારમાં ફસાવવા માટે પ્રયત્નો કરે છે, પરંતુ તે તેને શરણભૂત સમજતો નથી અને જ્ઞાનમાં રમણ કરે છે.
દ્વિતીય ઉદ્દેશક :–
(૧) ઘણા સાધક આત્માઓ સંયમ સ્વીકાર ર્યા પછી, પરીષહ અને ઉપસર્ગોથી ભયભીત બની જાય છે; વિષય લોલુપ બની જાય છે અને સંયમથી ભ્રષ્ટ થઈ જાય છે તેમ છતાં અંતરાય કર્મને કારણે ઇચ્છિત ભોગોથી વંચિત્ત રહીને, તેઓ દુ:ખી બની જાય છે. (૨) ઘણા સાધક આત્માઓ વૈરાગ્ય તથા જ્ઞાન દ્વારા સંપૂર્ણ આસક્તિ રહિત બની, યત્નાપૂર્વક સંયમ આરાધના કરે છે. આક્રોશ, વધ વગેરેને સમ્યક પ્રકારે સહન કરે છે, તે જ વાસ્તવમાં મુનિ છે. તે જ આત્મા સંસાર પરિભ્રમણથી મુક્ત બને છે.
(૩) સંયમ સાધક આત્માઓએ હંમેશાં જિનેશ્વર ભગવાનની આજ્ઞાની આરાધનાને જ પોતાનો ધર્મ સમજીને તેમાં પુરુષાર્થ કરવો જોઇએ.
(૪) કેટલાય એકલવિહારી સાધકો પણ જિન આજ્ઞા અનુસાર આચરણ કરતાં શુદ્ધ ગવેષણાથી જીવન નિર્વાહ કરે છે અને પરીષહ તથા ઉપસર્ગોને ધૈર્યથી સહન કરે છે. તે મેધાવી અર્થાત્ તેનું એકલવિહાર બુદ્ધિમતાપૂર્ણ અને પ્રશંસનીય છે. તૃતીય ઉદ્દેશક :–
(૧) સંયમ સાધનાની સાથે-સાથે અચેલ–અલ્પવસ્ત્ર અવસ્થામાં રહેનાર મુનિઓને વસ્ત્ર સીવવા આદિ વસ્ત્ર સંબંધિત ક્રિયાઓની ચિંતા રહેતી નથી.
(૨) શીત–ઉષ્ણ, તૃણ—સ્પર્શ આદિ કષ્ટોને સમભાવ થી સહન કરવાથી, સાધકોના કર્મોની મહાન નિર્જરા થાય છે. (૩) આવા વીર પુરુષોના સંયમી જીવન અને શરીરને જોઈને આપણા આત્માને પણ શિક્ષિત અને ઉત્સાહિત કરવા જોઇએ. (૪)સમુદ્રોની વચ્ચે, ઉચ્ચ સ્થાન પર આવેલા અડોલ ટાપુની જેમ ધીર–વીર સાધકને અરતિ આદિ બાધાઓ કંઈ જ કરી શકતી નથી (૫) આવા મહામુનિ પોતાના શિષ્યોને પણ આવી જ રીતે શિક્ષણ આપી (સારણા– વારણા કરી) સંયમ માર્ગમાં દૃઢ કરે છે.
ચતુર્થ ઉદ્દેશક :–
(૧) ઘણાં સાધક આત્માઓ શિક્ષાપ્રદ પ્રેરણાયુક્ત વચનોને સહન કરી શક્તા નથી. તેઓ સંયમથી અને ગુરુથી વિમુખ બની જાય છે અને ઘણા તો શ્રદ્ધાથી પણ ભ્રષ્ટ થઈ જાય છે. ઐહિક ઇચ્છાઓને કારણે ભ્રષ્ટ થયેલા આવા મુનિઓનું સંયમજીવન નિરર્થક બની જાય છે.
(૨) તેઓ સામાન્ય લોકોના નિંદા–પાત્ર બને છે (અર્થાત્ લોકો તેમની નિંદા કરે છે.) અને તે જન્મ-મરણ વધારે છે.
(૩) ઉત્કૃષ્ટ વૈરાગ્યથી દીક્ષિત થવા છતાં પણ પોતાની ઇચ્છાઓ અને વિષયોને આધીન થઈને કેટલાક સંયમનો ત્યાગ કરે છે. આવા મુનિઓની યશ–કીર્તિ સંપૂર્ણપણે ધૂળમાં મળી જાય છે.
(૪) આ બધી અવસ્થાઓનો વિચાર કરીને, મોક્ષાર્થી સાધક હંમેશાં આગમ અનુસાર જ સંયમ માર્ગમાં પોતાની શક્તિને ફોરવે. પાંચમો ઉદ્દેશક :–
(૧) ગ્રામાદિક કોઈપણ સ્થળે કોઈપણ પ્રકારનું કષ્ટ આવે તો મુનિ તેને સમભાવથી સહન કરે.
(૨) સેવામાં ઉપસ્થિત વ્યક્તિઓને મુનિ તેમની યોગ્યતાનો વિચાર કરીને તથા કોઈની પણ આશાતના, વિરાધના ન થાય એવી રીતે અહિંસા, ક્ષમા, શાન્તિ આદિનો ઉપદેશ આપે અને વ્રત–મહાવ્રતનું સ્વરૂપ સમજાવે.ભાષા અને ભાવોના વિવેક સાથે ઉપદેશ આપે. (૩) સાધક આત્મા અસંયમી વિચારો અને વ્યવહારોનો ત્યાગ કરે અને સંયમનાશક તત્ત્વોથી દૂર રહે.
(૪) આરંભ–પરિગ્રહ, કામ–ભોગ અને ક્રોધાદિ કષાયોનો વિવેકપૂર્વક ત્યાગ કરનાર સાધક કર્મોનો ક્ષય કરીને મુક્ત બને છે. (૫) અંતિમ સમયે શરીરનો(આહારનો) ત્યાગ કરવો એ કર્મ સંગ્રામના અગ્રસ્થાને ખેલવા સમાન છે અર્થાત્ તે મુખ્ય અવસર છે. આવા સમયે પાદોપગમન આદિ સંથારો કરવો જોઇએ.
સાતમું અધ્યયન–મહા પરિક્ષા ઉપલબ્ધ નથી, વિચ્છેદ થયેલ છે.
(હસ્તલિખીત પ્રત અને સાંકડીયા પ્રમાણે નવમું, નામ એજ છે.વિચાર કરતાં ૭મું જ વિચ્છેદ લાગે છે કારણ કે નવમું ઉપધાનશ્રુત એટલે કે પહેલા શ્રુતસ્કંધનું છેલ્લું અધ્યયન અને બીજા શ્રુતસ્કંધનું ૧૫મું અધ્યયન ભાવના બેઉ ભગવાન મહાવીરના જીવનના છે.) અહિં છેલ્લે સંથારાની વાત ચાલી રહેલી હતી, તેથી આ મહાપરિજ્ઞા માં સંથારા વિષયક પાઠો હોવાની સંભાવના છે.જેને અલગ તારવીને પ્રકીર્ણક(પયન્ના) તરીકે ખ્યાતી મળી હોવાનું સંભવ છે.
આઠમું અધ્યયન—વિમોક્ષ.
પ્રથમ ઉદ્દેશક :
(૧) અન્યતીર્થિક સંન્યાસી અથવા અન્ય અલગ સમાચારી વાળા જૈન શ્રમણની સાથે આહાર આદિનું આદાન-પ્રદાન કે નિમંત્રણ ન કરવું જોઇએ.
(૨) અન્ય પંથના સાધુઓ વિભિન્ન પ્રકારની પ્રરૂપણા અને પ્રવૃત્તિઓ કરતા હોય છે. તેમની ધર્મ પ્રરૂપણા પણ સત્ય હોતી નથી. (૩) બધા ધર્મોમાં કોઈને કોઈ પ્રકારે પાપ સેવનને પણ સ્વીકારવામાં આવ્યું છે. આ કારણોસર તે ધર્મ પૂર્ણ શુદ્ધ ધર્મ નથી.