Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૧
ભવિષ્યકાલ જ ક્રમશઃ વર્તમાન બને છે અને વર્તમાનકાલ જ સમયે-સમયે ભૂતકાલ બની જાય છે. આ રીતે ત્રણે કાલ પરસ્પર સંબંધિત છે. જે પુદ્ગલો ભૂતકાલમાં વર્ણરૂપે પરિણત થઈ ગયા છે, વર્તમાનમાં વર્ણરૂપે પરિણત થાય છે અને ભવિષ્યમાં વર્ણરૂપે પરિણત થશે, તેવા પુદ્ગલો વર્ણપરિણત કહેવાય છે. તે જ રીતે ગંધાદિ પરિણત પુદ્ગલનું સ્વરૂપ સમજવું.
૧૨
વર્ણ :- વર્ણ(રંગ)ના પાંચ પ્રકાર છે– કાળો, નીલો, લાલ, પીળો અને શ્વેત. તેમાં (૧) કાજળ આદિ સમાન કાળા રંગના પુદ્ગલો, કૃષ્ણવર્ણ પરિણત કહેવાય છે. (૨) મોરની ગર્દન આદિની સમાન નીલરંગી પુદ્ગલો, નીલવર્ણ પરિણત કહેવાય છે. (૩) હિંગળોક આદિ સમાન લાલ રંગના પુદ્ગલો લોહિત(રક્ત) વર્ણ પરિણત કહેવાય છે. (૪) હળદર આદિ સમાન પીળા રંગના પુદ્ગલો હારિદ્દ(પીત) વર્ણ પરિણત છે અને (૫) શંખ આદિ સમાન શ્વેત રંગના પુદ્ગલો શુક્લ વર્ણ પરિણત કહેવાય છે. પ્રત્યેક પુદ્ગલ દ્રવ્યમાં પાંચ વર્ણમાંથી કોઈ પણ એક વર્ણ અવશ્ય હોય છે. વર્ણરૂપે તે નિત્ય છે પરંતુ પાંચવર્ણરૂપે અનિત્ય છે અર્થાત્ કાળા રંગનું પુદ્ગલ સમયાંતરે લાલ-પીળાદિ વર્ણરૂપે પરિણત થઈ શકે છે. ગંધ :– ગંધના બે પ્રકાર છે– સુરભિગંધ અને દુરભિગંધ. તેમાં (૧) ચંદનાદિની જેમ સુગંધિત પુદ્ગલો સુગંધ પરિણત અને (૨) લસણાદિની જેમ દુર્ગંધિત પુદ્ગલો દુર્ગંધ પરિણત કહેવાય છે.
રસ :– રસના પાંચ પ્રકાર છે– તીખો, કડવો, કષાયેલો (તૂરો), ખાટો અને મીઠો. તેમાં (૧) મરચાં આદિની જેમ તિક્ત(તીખા) રસવાળા પુદ્ગલો તિક્તરસ પરિણત કહેવાય છે. (૨) લીમડા આદિની જેમ કટુ(કડવા) રસવાળા પુદ્ગલો કટુરસ પરિણત કહેવાય છે. (૩) હરડે આદિની જેમ કસાયેલા(તુરા) રસવાળા પુદ્ગલો કષાયરસ પરિણત કહેવાય છે. (૪) આમલી આદિની જેમ ખાટા રસવાળા પુદ્ગલો આમ્બરસ પરિણત અને (૫) સાકર આદિની સમાન મધુર રસવાળા પુદ્ગલો મધુરસ પરિણત કહેવાય છે. સ્પર્શ :— સ્પર્શના આઠ પ્રકાર છે– કર્કશ-સુંવાળો, ભારે-લઘુ, શીત-ઉષ્ણ, સ્નિગ્ધ-રૂક્ષ. તેમાં (૧) પાષાણપથ્થર આદિની જેમ કઠોર(ખરબચડા) સ્પર્શવાળા પુદ્ગલો કર્કશસ્પર્શ પરિણત કહેવાય છે. (૨) રૂ, રેશમ આદિની જેમ કોમળ(સુંવાળા) સ્પર્શવાળા પુદ્ગલો મૃદુસ્પર્શ પરિણત કહેવાય છે. (૩) વજ, લોખંડ આદિની જેમ ભારે સ્પર્શવાળા પુદ્ગલો ગુરુસ્પર્શ પરિણત કહેવાય છે. (૪) સેમલના રૂ આદિ સમાન હળવા સ્પર્શ વાળા પુદ્ગલો લઘુસ્પર્શ પરિણત કહેવાય છે. (૫) બરફ આદિની જેમ ઠંડા સ્પર્શવાળા પુદ્ગલો શીત સ્પર્શ પરિણત કહેવાય છે. (૬) અગ્નિ આદિની જેમ ગરમ(ઉષ્ણ) સ્પર્શવાળા પુદ્ગલો ઉષ્ણ સ્પર્શ પરિણત કહેવાય છે. (૭) ઘી-તેલ આદિની જેમ સ્નિગ્ધ-ચીકણા(ચોપડેલ) સ્પર્શવાળા પુદ્ગલો સ્નિગ્ધસ્પર્શ પરિણત અને (૮) રાખ આદિની જેમ લુખા સ્પર્શવાળા પુદ્ગલો રૂક્ષ સ્પર્શ પરિણત પુદ્ગલ કહેવાય છે. સંસ્થાનના પાંચ પ્રકાર :– સંસ્થાન(આકાર)ના પાંચ પ્રકાર છે– પરિમંડલ, વૃત્ત, વ્યસ, ચતુરસ અને આયત. તેમાં જે પુદ્ગલો– (૧) વલય–ચૂડીની સમાન વર્તુળાકાર ગોળ અને વચ્ચે પોલાણ વાળા પુદ્ગલો પરિમંડલ સંસ્થાન પરિણત કહેવાય છે. (૨) થાળી, લાડવા આદિ સમાન વચ્ચે પોલા ન હોય તેવા ગોળ આકારના પુદ્ગલો વૃત્ત સંસ્થાન પરિણત કહેવાય છે. (૩) સિંઘોડા આદિ સમાન ત્રિકોણ આકારના પુદ્ગલો ત્ર્યસ સંસ્થાન પરિણત કહેવાય છે. (૪) બાજોઠ આદિ સમાન ચોરસ આકારના પુદ્ગલો ચતુરસ સંસ્થાન પરિણત કહેવાય છે અને (૫) દંડ આદિ સમાન લાંબા આકારના પુદ્ગલો આયત સંસ્થાન પરિણત કહેવાય છે. શ્રી ભગવતી સૂત્ર ભાગ-૫ શતક–૨૫, ઉદ્દેશક—૩ માં અજીવ સંસ્થાનોના પ્રતર, ઘનાદિ અનેક પ્રકારોનું વિસ્તૃત વર્ણન છે.