Book Title: Agam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Author(s): Vanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
રાખીને અને યુવાચાર્ય શ્રી મધુકર મુનિજી દ્વારા સંપાદિત વિવેચન યુક્ત હિન્દી ભાષાની આગમ બત્રીસીથી પ્રેરણા પામીને પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ.સા. ની જન્મ શતાબ્દી નિમિત્તે કંઈક નવીન અને સમાજોપકારક કાર્ય કરવું કે જે ભાવિ પેઢીના માટે યુગો સુધી ઉપયોગી અને ઉપકારી બને. આ વિચાર વિ. સં. ૨૦૫૨ જુનાગઢ મુકામે પૂ. તપસ્વી ગુરુદેવ રતિલાલજી મ. સા. ના સાનિધ્યમાં પૂજ્યવરા મંગલમૂર્તિ પૂ.મુક્તાબાઈ મ. પોતાના વિશાળ પરિવાર સાથે પધારેલાં તે સમયે વિદુષી સાધ્વી રત્ના પૂ. ઉષાબાઈ મ.ને અંતઃસ્ફુરણા થઈ કે આ કાર્ય, જો આપણે નાના મોટા દરેક સાધ્વી જહેમત ઉઠાવીએ તો ગુરુદેવની અને ગુરુણીમૈયાની અસીમ કૃપાથી સ્વપ્ન સાકાર કરી શકીએ. આ વાત તેમણે પૂ. તપસ્વી ગુરુદેવ અને પૂ. ગુણીમૈયા મુક્ત–લીલમ ગુરુણી પાસે વ્યક્ત કરી અને પૂ. તપસ્વી ગુરુદેવ અને ગુરુણીમૈયાની સહર્ષ અનુમતિ મળી ગઈ. તુરંત શિષ્ય— શિષ્યાઓ ઉત્કટ–ઉત્કંઠા સાથે સરળ ગુજરાતી ભાષામાં બત્રીસ શાસ્ત્રોનું વિવેચન કરવા તૈયાર થઈ ગયાં. પૂજ્ય ગુરુણીમૈયાએ દરેક સાધ્વીની યોગ્યતા જોઈને આ લખાણનું કાર્ય પોતાના સાધ્વી સમુદાયમાં વિભક્ત કર્યું અને સમજ જતાં ઘણું ખરું લખાઈ ગયું છે. પુણ્ય યોગે રાજકોટ રોયલપાર્કમાં પૂજ્ય તપસ્વી ગુરુદેવની પાવન નિશ્રામાં સમ્મિલિત વિશાળ સાધુ–સાધ્વી સમાજનું ચાતુર્માસ થયું. સ્વ. પૂજ્ય ગુરુદેવશ્રી પ્રાણલાલજી મ. સા.ની જન્મ દિવસની ઉજવણીના દિવસે સૌરાષ્ટ્ર કેસરી પૂજ્યશ્રી પ્રાણગુરુની સ્મૃતિરૂપે આ પ્રકાશન કાર્યનો પાકો નિર્ણય થયો અને તે સમયે ઉદાર દાનવીર મુરબ્બી શ્રી રમણિકભાઈ નાગરદાસ શાહ(ભામાશા) રાજકોટ રોયલપાર્ક સંઘના પ્રમુખશ્રી ચંદ્રકાંત માણેકચંદ શેઠ, રાજકોટ, જુનાગઢ સંઘ પ્રમુખશ્રી વૃજલાલ શાંતિલાલ દામાણી, જુનાગઢ સંઘ મંત્રીશ્રી સુરેશચંદ્ર પ્રભુલાલ કામદાર વગેરે ઘણા શ્રાવકોએ મળીને એક પ્રકાશન સમિતિનું નિર્માણ કર્યું અને ઉદાર શ્રીમંતોને આ કાર્યમાં સહયોગ આપવાની પ્રેરણા થઈ. તે જ દિવસે કેટલાક આગમોના પ્રકાશન માટે સહયોગ મળી ગયો. ઉત્સાહ વધ્યો,અને પૂર જોશથી લેખનકાર્ય આગળ વધવા લાગ્યું.
ચાતુર્માસમાં જ આસો સુદી ૧૦ "વિજયા દશમી"ના દિવસે આ પ્રકાશન કાર્ય ચાલુ કરવામાં આવ્યું.
મારા પુણ્યોદયે મને આ ચોથું અંગ આગમ સમવાયાંગ સૂત્ર લખવાનો સુયોગ સાંપડેલ
છે.
45