Book Title: Agam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Author(s): Vanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
નવમું સમવાય
કરવા માટે કાંટાની વાડ બનાવે છે અથવા ખેડૂત પોતાના ખેતરની, ખેતરના પાકની રક્ષા માટે ખેતરને ફરતે વાડ બનાવે છે, તેમ સાધનાના ક્ષેત્રમાં બ્રહ્મચર્યરૂપ છોડની રક્ષાને માટે વાડની ખૂબ જ જરૂર છે. બ્રહ્મચર્યનો મહિમા અને ગરિમા અપૂર્વ છે. જેમ સર્વ શ્રમણોમાં તીર્થંકર શ્રેષ્ઠ છે તેમ સર્વ વ્રતોમાં બ્રહ્મચર્ય મહાન છે. જે સાધકે એક બ્રહ્મચર્યની પૂર્ણ આરાધના કરી છે તેમણે સર્વ વ્રતોની આરાધના કરી છે. 'બ્રહ્મ' શબ્દના ત્રણ મુખ્ય અર્થ છે– વીર્ય, આત્મા અને વિદ્યા. 'ચર્ય' શબ્દના પણ ત્રણ અર્થ છે– ચર્યા, રક્ષણ અને રમણ. આ રીતે બ્રહ્મચર્યના ત્રણ અર્થ છે. બ્રહ્મચર્યથી આત્મા સ્વરૂપ લીન બને છે. આત્મસ્વરૂપમાં લીન થઈને જ્ઞાનાર્જન કરાય છે, બ્રહ્મચર્યથી આત્મશુદ્ધિ થાય છે. બ્રહ્મચર્યની પૂર્ણ સાધના કરવાથી અપૂર્વ માનસિક શક્તિ અને શરીર બળ પ્રાપ્ત થાય છે. આ રીતે બ્રહ્મચર્યથી આત્મિક, માનસિક અને શારીરિક એમ ત્રણે પ્રકારે વિકાસ થાય છે. બ્રહ્મચર્યનાં સમાધિસ્થાન અને અસમાધિ સ્થાનનું સુંદર વર્ણન ઉત્તરાધ્યયન સૂત્રમાં છે, બ્રહ્મચર્યની સાધના કરનાર સાધકોના માટે તે અત્યંત ઉપયોગી છે. ગ્રંથકારોએ બ્રહ્મચર્યની નવવાડ દષ્ટાંત સાથે સમજાવી છે, યથા—
૪૧
(૧) વિવક્ત-શયનાસન–સ્ત્રી, પશુ, પંડગ-નપુંસક સહિત સ્થાનમાં રહેવું નહીં, રહે તો ઊંદરને બિલાડીનું દૃષ્ટાંત. જે રીતે ઉંદરને બિલાડીના સ્થાનમાં રહેવું ભયજનક છે. બિલાડી ક્યારે તરાપ મારે તે કહી શકાય નહીં, બિલાડીની પાસે ઉંદરનું રહેવું, તે તેના નાશનું કારણ છે. તે જ રીતે બ્રહ્મચારી સાધુએ સ્ત્રી સંસક્ત સ્થાનમાં, સાધ્વીએ પુરુષયુક્ત સ્થાનમાં કે પશુ કે નપુંસકયુક્ત સ્થાનમાં રહેવું, તે ભયજનક છે. વિજાતીય વ્યક્તિના સંપર્કથી વાસનાના સંસ્કાર ક્યારે જાગૃત થાય, તે કહી શકાતું નથી, તેથી સાધકે વિજાતીય યુક્ત સ્થાનનો ત્યાગ કરવો હિતાવહ છે.
(૨) સ્ત્રીકથા પરિહાર– સ્ત્રીઓની સાથે કથા, વાર્તા કે તેના રૂપ, ગુણ આદિની પ્રશંસા કરવી નહીં, કરે તો લીંબુને દાઢનું દૃષ્ટાંત. જેમ લીંબુને જોવા માત્રથી અથવા તેની ખટાશના સ્પર્શથી મોઢામાં પાણી આવે છે, તેની રસેન્દ્રિય રસમાં આકર્ષિત થાય છે. તેમ સ્ત્રીકથા મૈથુન સંજ્ઞાની ઉત્પત્તિનું એક કારણ છે. સ્ત્રીકથા સાધકની સુષુપ્ત વૃત્તિને જાગૃત કરે છે. તેથી સાધકોએ સ્ત્રીકથાનો અને સાધ્વીએ પુરુષ કથાનો ત્યાગ કરવો જરૂરી છે.
(૩) નિષદ્યાનુપવેશન– સ્ત્રી જે આસને બેઠી હોય, તે આસને અંતર્મુહૂર્ત ગયા પહેલાં પુરુષે અને પુરુષ બેઠા હોય તે આસન ઉપર બ્રહ્મચારી સ્ત્રીએ બેસવું નહીં, બેસે તો કોળુને કણકનું દૃષ્ટાંત. જેમ કણક-ઘઉંનો લોટ બાંધ્યા પછી તેની પાસે ભૂરું કોળું રાખવાથી લોટનો કસ ઊડી જાય છે તેમ સ્ત્રીના આસન પર તુરંત બેસવાથી સાધકનું સત્ત્વ નાશ પામે છે.
(૪) સ્ત્રી અંગોપાંગ દર્શન ત્યાગ– બ્રહ્મચારી પુરુષે સ્ત્રીઓના અને બ્રહ્મચારી સ્ત્રીએ પુરુષોના અંગોપાંગ વિષય બુદ્ધિથી નિરખવા નહીં, નિરખે તો સૂર્યને નેત્રનું દૃષ્ટાંત. જેમ સૂર્ય સામે એકીટસે જોવાથી આંખમાં પાણી આવે છે, નેત્રનું તેજ ઘટે છે. સતત સૂર્યની સામે દૃષ્ટિ રાખવી, તે આંખને માટે હાનિકારક છે. તેમ વિષય બુદ્ધિથી સ્ત્રીઓના અંગોપાંગનું દર્શન કરવું, તે સાધુ માટે હાનિકારક છે. સુજ્ઞ પુરુષ સૂર્ય તરફથી દૃષ્ટિ તુરંત હટાવી લે છે તેમ સુજ્ઞ સાધક પણ વિજાતીય વ્યક્તિ પર દષ્ટિ સ્થિર કરતા નથી.