________________
૨૮૬ ]
[सुकृतकीर्तिकल्लोलिन्यादिवस्तुपालप्रशस्तिसङ्ग्रहः ॥ માળવાનો સુભટવર્મા નામનો રાજા ડભોઈના વૈદ્યનાથના શિવાલયના સુવર્ણકલશો લઈ ગયો હતો તેના સ્થાનમાં વસ્તુપાલે નવા સુવર્ણકલશો સ્થાપ્યા હતા, ખંભાતમાં ભીમનાથના શિવાલયમાં સુવર્ણદંડ અને સુવર્ણકલશ ચઢાવ્યા, ભટ્ટાદિત્ય-સૂર્યની પ્રતિમાનો સુવર્ણમુકુટ કરાવ્યો અને તે જ ભટ્ટાદિત્યની પૂજા માટે વહકનામના વનમાં કૂવો કરાવ્યો સ્વયંભૂ વૈદ્યનાથનું અખંડમંડપવાળું શિવાલય બંધાવ્યું, બકુલાદિત્ય-સૂર્યના મંદિરમાં ઊંચો મંડપ કરાવ્યો, ધોળકામાં રાણકભટ્ટારકના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો, પ્રભાસમાં સોમનાથની ભક્તિપૂર્વક પૂજા કરી, નગરા ગામમાં સંવત ૯૦૩ની સાલમાં અતિવર્ષાને લીધે પડી ગયેલા સૂર્યમંદિરમાં સૂર્યપત્ની રત્નાદેવીની મૂર્તિ તૂટી ગઈ હતી તેથી તેના સ્થાને પોતાની પત્ની લલિતાદેવીના પુણ્ય-સૌભાગ્યનિમિત્તે સંવત ૧૨૯૨માં રત્નાદેવીની નવી મૂર્તિ બનાવી, જે સંબંધી શિલાલેખ આજે પણ સુરક્ષિત છે, તેમ જ વસ્તુપાલ તરફથી રોજ પાંચસો બ્રાહ્મણો વેદપાઠ કરતા તેવી હકીકત પ્રબંધોમાં મળે છે–આ બધી હકીકતો ઉપરથી વસ્તુપાલમાં પરસંપ્રદાયો પ્રત્યે તે તે સંપ્રદાયની પરંપરાને અનુરૂપ નિછદ્મ આદર હતો તે સ્પષ્ટ થાય છે. રાજય કે દેશના મુખ્ય રાજપુરુષોએ કેમ વર્તવું જોઈએ, તે માટે વસ્તુપાલ ખરેખર દાખલારૂપ એટલે કે આદર્શ સમાન છે. સ્વધર્મસ્થાનની સાથે સાથે પરધર્મસ્થાનના નિર્માણ આદિ હકીકતોને પણ સમદ્રષ્ટા વસ્તુપાલની ઉચ્ચ પ્રકારની ધર્મગાથા કહી શકાય.
આ લેખમાં પ્રસંગે પ્રસંગે આવતી તથા અન્યત્ર પણ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ થતી વસ્તુપાલસંબંધિત વિદ્યા પ્રત્યેની અને વિદ્વાનો પ્રત્યેની ભક્તિ વગેરે હકીકતો તેમ જ નરનારાયણાનમહાકાવ્ય જેવા પ્રાસાદિકગ્રંથની રચના કરવી વગેરે બાબતોને વસ્તુપાલની વિદ્યાગાથા કહી શકાય.
આજે વસ્તુપાલના સંબંધમાં જેટલી વિવિધ સામગ્રી ઉપલબ્ધ છે તેટલી ભાગ્યે જ ગુજરાતના કોઈ બીજા ઐતિહાસિક પુરુષની મળતી હશે. યત્ર તત્ર પ્રસિદ્ધ થયેલી વિપુલ સામગ્રીના આધારે આવા વિશ્વવિરલ પુણ્યશ્લોક મહામાત્યના જીવનના વિવિધ પાસાંને ચોમેરથી ચર્ચાને એક ગ્રંથ લખાય તો તે એક ઉપયોગી, પ્રેરક અને મહત્ત્વનું કાર્ય ગણાશે.
આ લેખમાં આપેલા બે શિલાલેખોની ફોટોકૉપી આપવા બદલ શેઠ શ્રીઆણંદજી કલ્યાણજીની પેઢીની વહીવટકર્તાઓને તથા દશ પ્રશસ્તિલેખોવાળી હસ્તલિખિત પ્રતિ ઉપયોગ કરવા આપવા બદલ શ્રીલાવણ્યવિજયજી જૈન જ્ઞાનભંડાર(રાધનપુર)ના વહીવટકર્તાઓને ધન્યવાદ આપીને પ્રસ્તુત લેખ પૂર્ણ કરું છું. ઇતિ. લુણસાવાડી, અમદાવાદ-૧ પોષ શુક્લા પ્રતિપદા, વિ. સં. ૨૦૨૩
૧-૭. આ સાત ટિપ્પણીઓવાળી હકીકતો ઠક્કર અરિસિંહકૃત સુકૃતસંકીર્તન, આચાર્યશ્રી ઉદયપ્રભસૂરિરચિત કીર્તિકલ્લોલિની, શ્રીનરેન્દ્રપ્રભસૂરિરચિત વસ્તુપાલપ્રશસ્તિ આદિ વસ્તુપાલના સમયની જ રચનાઓમાં સવિસ્તર વર્ણવેલી છે.
૮. આ હકીકત ગૂર્જરેશ્વરપુરોહિત સોમેશ્વરદેવરચિત કીર્તિકૌમુદીમાં મળે છે. ૯. જુઓ એનાલ્સ ઑફ શ્રી ભાંડારકર ઓરિએન્ટલ રિચર્સ ઇન્સ્ટિટ્યૂટ-પૂના: વોં. ૯, પૃષ્ઠ ૧૮૦, લેખ ૨.
D:\sukar-p.pm5\2nd proof