________________
જરૂરિયાતવાળાને આપવું તે દાન કહેવાય, પણ પોતાની જરૂરિયાત સમજીને આપવું તે ઉદારતા કહેવાય.
મિત્રાદિને આપવું તે દાન કહેવાય, પણ પોતાનું બગાડનારને પણ આપવું તે ઉદારતા કહેવાય. હરકોર શેઠાણીએ ચોરી કરવા પ્રયત્ન કરનાર મજૂરને ત્રણ ગણી રોજી આપેલી. શેઠાણી રોજ જાજમ નીચેથી, પૈસા આપતા. આથી પેલો મજૂર સમજેલો કે નીચે જમીનમાં ખજાનો છે. એ મેળવવા રાત્રે ખોદકામ કરેલું. હરકોર શેઠાણી આ જોઇ ગયેલા.
ઠાણંગ સૂત્રમાં ચાર પ્રકારના વાદળ જેવા માણસો કહેલા છે : (૧) ગરજે, પણ વરસે નહિ. બોલે, પણ આપે નહિ. (૨) ગરજે નહિ, પણ વરસે. બોલે નહિ, પણ આપે. (૩) ગરજે પણ ખરો અને વરસે પણ ખરો. બોલે અને આપે. (૪) ગરજે પણ નહિ અને વરસે પણ નહિ. બોલેય નહિ ને આપેય નહિ.
કેટલાક માણસો બોલ-બોલ બહુ કરે, પણ ખરે અવસરે આપે નહિ. કેટલાક તો બોલીને પણ ન આપે.
કંજુસ શેઠ ચારણ પર ખુશ થઇ ગયા : તને પાઘડી આપીશ. બધાની વચ્ચે બોલતાં તો બોલી ગયા, પણ પછી આખી રાત ઊંઘ ન આવી. આમાંથી છૂટવું શી રીતે ? ઘણી ગડમથલ ચાલી,
સવારે ચારણ પાઘડી માંગવા આવ્યો ત્યારે કહ્યું : હં... તને પાઘડી આપીશ ને ! મારો વાયદો એટલે વાયદો ! હું વાયદામાં પાકો ! પણ તારે વાટ જોવી પડશે. જ્યારે આપીશ ? એમ મેં સમયની મર્યાદા તો બાંધી નથી.
સાંભળ, આ વરસે હું ખેતરમાં કપાસની વાવણી કરાવીશ. તેમાંથી મળેલા રૂ ને પીંજાવીશ, કંતાવીશ. પછી વણકર પાસેથી વસ્ત્ર તૈયાર કરાવીશ. તેને કેસરીયો રંગ ચડાવીશ. સરસ મજાની પાઘડી તૈયાર થશે. હું પહેરીશ. મારો પુત્ર પહેરશે. પૌત્ર અને પ્રપૌત્ર પણ પહેરશે, પછી એ પાઘડી તને આપીશ.
બિચારો ચારણ !
કેટલાક એવા હોય છે : જરા પણ બોલ્યા વિના દાન કર્યું જાય, વિ.સં. ૨૦૪૩માં કચ્છની પંચતીર્થી વખતે અમે મેરાઉ ગયેલા. એક ભાઈ મળવા આવેલા. ગાંધીધામમાં રહેતા મૂળ મેરાઉના દેવજીભાઇ વિષે વાત નીકળી, દેવજીભાઇ નામ આવતાં જ એ ભાઇની આંખ આંસુથી છલકાઇ ગઇ : મહારાજ ! એમની શું વાત કરીએ ? દેવ જેવા એ માણસ હતા ! કોઇ પણ માંગવા જાય. કદી ખાલી હાથે પાછા ન મૂકે. અમને થોડાક વર્ષ પહેલા ૪૫ હજાર રૂપિયા આપેલા. કારણ કે ત્યારે અમારી પાસે કાંઇ ન્હોતું. પણ અમારું નસીબ ફૂટેલું ! દુકાન બરાબર ચાલી નહિ, નુકશાની થઇ. ફરી વાર તેમણે ૪૫ હજાર રૂપિયા આપ્યા. ત્યાર પછી ધંધો બરાબર ચાલ્યો. અમે સુખી થયા. પણ મહારાજ ! આજ સુધી તેમણે કદી એ પૂછ્યું નથી : મારા અગાઉના ૪૫ હજારનું શું થયું ?
અમે આ વાત સાંભળી ગદ્ગદ્ થઇ ગયેલા. આજના કાળમાં પણ આવા ગુપ્તદાનીઓ વસે છે ખરા !
બોલીને આપનારા અને નહિ બોલીને નહિ આપનારા તો ઘણાય છે.
દાન વખતે માણસને ભય લાગે છે : ધન ઘટી જશે તો ? માંડ-માંડ મેળવેલું આમ નાખી થોડું દેવાય ?
पंखी चुग कर ले चला, नदी न घटियो नीर; दान दिये धन ना घटे, कह गये दास कबीर. नाव में पानी बढा, और घर में दाम; दोनों हाथ उलेचीए, यही पुण्य का काम.
એમ કબીરજી ભલે કહી ગયા હોય, પણ આપણે વિચારવું જોઇએ ને ? કમાતાં વર્ષો લાગે, આપતાં મિનિટ પણ ન લાગે.
ઉપદેશધારા * ૧૧૨
ઉપદેશધારા * ૧૧૩