________________
ઘરમાં કદી ગુસ્સે નહિ થનારી હું, અહીં વાતે-વાતે છણકા કરું છું. શી રીતે બચવું આ ઝગડાખોર સ્વભાવથી ?
માણસોની જયારે પોતાના જ દોષો તરફ નજર જાય, તે ન ગમે, દૂર કરવાનું મન થાય, એટલે અવશ્ય કોઇને કોઇ ઉકેલ મળી જ આવે. મૂળ વાત છે દોષો તરફ નજર જવાની ! એક વાર નજર ગઈ એટલે ખલાસ ! પરિવર્તન થાય જ ! મોટા ભાગના માણસોની દોષો તરફ નજર જ જતી નથી. નજર જ ન પડે તો જાય ક્યાંથી ? દોષો જણાયા પછી જ તે દૂર કરવાના પ્રયત્નો થઇ શકે છે.
એક વખતે ગામમાં કોઇ સંન્યાસી પધાર્યા. પ્રતિદિન પ્રવચન ચાલવા લાગ્યા. નવોઢા પણ પ્રવચનમાં જવા લાગી. એક વખતે પ્રવચન પછી તેણીએ પૂછયું : મહાત્મન્ ! મને ખુબ જ ગુસ્સો આવે છે. શું કરું એને રોકવા ? પિયરમાં હું એકદમ શાંત હતી. અહીં ન જાણે... શું થયું છે કે હું ઝગડાખોર બની ગઈ છું. કૃપાળુ ! કૃપા કરો અને મને કોઇ ઉપાય બતાવો... હું નરકના જીવનથી કંટાળી ગઈ .
મહાત્માએ કંઇક વિચારીને કહ્યું : બેન ! મારી પાસે હિમાલયની જડીબુટ્ટીઓનો દુર્લભ રસ છે. એક શીશીમાં ભરીને તને આપું છું. જયારે જયારે ગુસ્સો આવે ત્યારે એ રસનો એક ઘૂંટડો લેવો... પણ શરત એટલી કે ગુસ્સો હોય ત્યાં સુધી એ ઘૂંટડાને ગળાથી નીચે નહિ ઊતારવો. ગુસ્સો સંપૂર્ણ ઊતરી જાય પછી જ ઊતારવો. બસ, આટલું તું કર. તને એકાદ મહિનામાં જ તેના પ્રભાવની ખબર પડી જશે.
પેલીએ પૂર્ણ શ્રદ્ધાપૂર્વક તેમ કરવા માંડ્યું. જયારે-જયારે ગુસ્સો આવે ત્યારે-ત્યારે ચૂપચાપ ઓરડીમાં જઇ શીશીમાંનો રસ લઇ લેતી.
ખરેખર ! ચમત્કાર સર્જાયો. ઝગડા અદૃશ્ય થઇ ગયા ઘરમાંથી. શાંતિનું સ્વર્ગ ઉતરી આવ્યું. વહુ રાણીના અચાનક પરિવર્તનને સૌ વખાણવા લાગ્યા.
ઉપદેશધારા ૪ ૧૩૮
એક વખતે પતિએ પણ વખાણ કર્યા : ‘હવે તો તું બહુ શાણી અને શાંત બની ગઇ છે.'
‘બધો પ્રભાવ છે પેલા સંન્યાસીનો ! એમણે આપેલી શીશીનો ! શીશીમાંનો એ જાદુઇ રસ પી લઉં છું એટલે મારો સ્વભાવ સુધર્યો છે. ઘરમાં શાંતિ પથરાઇ છે.' એમ કહેતી પત્નીએ પેલી શીશી બતાવી.
પતિએ એ રસ મોંમાં મૂક્યો અને મને તરત જ બોલી ઊઠ્યું : અરે, આ તો પાણી છે !
ખરેખર એ પાણી જ હતું ! પેલા સંન્યાસીએ ચાલાકી કરેલી : હિમાલયની જડીબુટ્ટીના રસના નામે સાદુ પાણી જ આપેલું. પાણી મોંમાં પડવું હોય ત્યાં સુધી કોઇ શી રીતે બોલી શકે ? બોલે નહિ તો ઝગડો શી રીતે થઈ શકે ?
નથી લાગતું, બધાને ‘આવી શીશી'ની પ્રભાવના કરી દેવી જોઇએ ?
ખેર, શીશીની કોઇ જરૂર નથી, માત્ર વિવેકની જરૂર છે. ક્રોધ વખતે ન બોલવાના સંકલ્પની જરૂર છે.
નેપોલિયન બોનાપાર્ટ ગુસ્સો આવે ત્યારે કોઇ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય કરતો નહિ. ગુસ્સાના ૨૪ કલાક વીત્યા પછી જ તે સ્વસ્થ મનથી નિર્ણય કરતો.
એક માનસશાસ્ત્રી ક્રોધાવેશ વખતે રૂમમાં જઇ કાગળ પર, મનમાં જે વિચાર આવે તે લખી નાખતો. બીજા દિવસે શાંત ચિત્તથી તે વાંચતો ત્યારે હસી પડતો : ગઇ કાલે હું આટલો ગાંડો હતો ?
પછી એ લખેલું ફાડી નાખતો !
આપણે આવું કશુંક કરીશું કે કંઇ પણ કર્યા વિના તે જ વખતે દઢ સંકલ્પપૂર્વક મૌન રહીશું ?
ઉપદેશધારા + ૧૩૯