________________
अथ स्थानमुक्तासरिका
| સિદ્ધાંતવાદી - સમાધાન - બે વિકલ્પોથી તમે અવયવી દ્રવ્ય નથી એવું કહી રહ્યા છો, આ તમારૂં કથન યુક્ત નથી. કારણ કે અમે એકાંતથી ભેદ કે અભેદ સ્વીકારતા નથી. અવયવો જ તેવા પ્રકારના એક પરિણામથી અવયવી દ્રવ્યરૂપે વ્યવહાર કરાય છે, અને તે અવયવો જ તેવા પ્રકારના વિચિત્ર પરિણામની અપેક્ષાએ અવયવો કહેવાય છે.
વળી અવયવી દ્રવ્યનો અભાવ સ્વીકારશો તો આ ઘડાના અવયવો છે, આ વસ્ત્રના અવયવો છે આવી અવયવોની જુદી વ્યવસ્થા નહીં રહે.
તેવી રીતે પ્રતિનિયત ઘટ આદિ કાર્યની ઇચ્છાવાળાને તે ઘટ આદિમાં નિયત (નક્કી) જે વસ્તુનું ઉપાદાન ગ્રહણ પણ નહીં થાય.
બધું જ અસમંજસ થશે. કોઈ પણ જાતના કાર્યનો નિયમ જ નહીં રહે.
સંનિવેશ (રચના) વિશેષથી ઘટ – પટ આદિના અવયવોનું નિયમપણું થશે. અર્થાત્ આ ઘટના અવયવો, આ પટના અવયવો આવું નિયત થશે એવું કહો તો તે સાચું છે. કારણ કે તે જ સંનિવેશ વિશેષ અવયવી દ્રવ્ય છે.
વળી તમે પહેલા કહ્યું હતું કે –
અવયવી એક છે અને અવયવો અનેક છે. અનેક અવયવ અવયવી સાથે અભેદ માનશો તો બે વિરૂદ્ધ ધર્મ એકત્વ અને અનેકત્વ એક જગ્યાએ માનવાની આપત્તિ આવશે. બે વિરૂદ્ધ ધર્મ હોય ત્યાં બે ધર્મી જુદા જુદા જ હોય. આ વાત બરાબર નથી.
જૈન મતે અવધિજ્ઞાન, મનઃ પર્યવજ્ઞાન, અને કેવળજ્ઞાન આ ત્રણ પ્રત્યક્ષ છે. (પ્રતિ + અક્ષ = પ્રત્યક્ષ અક્ષ = આત્મા) અને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન પરોક્ષ છે.
જ્યારે બીજા દર્શનકારો મતિજ્ઞાન - ચક્ષુ આદિ ઇન્દ્રિયથી થતા જ્ઞાનને પ્રત્યક્ષ માને છે. (પ્રતિ + અક્ષ = પ્રત્યક્ષ અક્ષ = ઇન્દ્રિય) જૈનો ચક્ષુ આદિ ઇન્દ્રિયથી થતા જ્ઞાનને સાંવ્યાવહારિક પ્રત્યક્ષ કહે છે. (વ્યવહારથી પ્રત્યક્ષ)
ચક્ષુ આદિ ઇન્દ્રિયથી થતું જ્ઞાન કેવળજ્ઞાનની દૃષ્ટિથી ભ્રાન્ત ઘટી શકે છે. અને ચક્ષુ આદિથી થતું જ્ઞાન વ્યવહાર અપેક્ષાએ અભ્રાન્ત જ્ઞાન છે.
આમ ચક્ષુ આદિ જ્ઞાનમાં ભ્રાન્તત્વ અને અભ્રાન્તત્વ બે વિરૂદ્ધ ધર્મ એક સાથે ટકી શકે છે.
૧. જૈનોના મતમાં તાંતણાથી કપડું ભિન્ન નથી. પહેલા તાંતણા હતા. તેમાં ઠંડી રોકવા રૂપ અર્થક્રિયા કારિત્વ નહોતું પણ તાંતણાનો વિશિષ્ટ સંયોગ થયા પછી ઠંડી રોકવારૂપ અર્થ ક્રિયા કારિત્વ તેનામાં આવ્યું. તેથી વિશિષ્ટ તંતુ સંયોગને જ કપડું કહીએ છીએ.
૨. જે તાંતણામાં વિશિષ્ટ સંયોગ ઉત્પન્ન થયો નથી અને ઠંડી રોકવારૂપે અર્થક્રિયાકારિત્વ જેનામાં નથી તે અવયવોનું અવયવી તરીકે નામ અપાતું નથી પણ તે અવયવ જ કહેવાય છે.