________________
શબ્દસંનિધિ
આવા ઉલ્લાસમય વાતાવરણમાં રસોઇયો પડોશમાં રહેતા ઘોડાગાડીવાળા સ્કોટના અકસ્માતથી નીપજેલા મોતની વાત લાવે છે. આ ખબર લાવનારો ગોડબેરનો માણસ, પોતે જ આ વાત પૂરી જાણે છે અને એ કહેવાનો પોતાને જ સંપૂર્ણ અધિકાર છે, એવા ગર્વથી વાત કરે છે. આ ઘટના કહેવાના પોતાના અધિકારમાં કોઈનીય આડખીલી સહેવા તૈયાર નથી. ઘોડાગાડીવાળા સ્કૉટના મૃત્યુથી આને લવલેશ આધાત થયો નથી. એ તો આ ઘટનાની પોતાને જ જાણકારી હોવાથી પોતાની જાતને ગૌરવવંતી જુએ છે. વાર્તાના પ્રવાહમાં વચ્ચે જ માનવમનના એક છૂપા ખૂણાને લેખિકા અજવાળી દે છે. આ સમાચાર સાંભળીને લૉરાને થાય છે કે હવે પાર્ટી બંધ રાખવી પડશે. પડોશમાં જ કોઈનું મૃત્યુ થયું હોય પછી પાર્ટી કેવી રીતે યોજી શકાય ? લૉરાને જીવનની કઠોર વાસ્તવિકતાનો આ પહેલો જ પરિચય થાય છે. પણ લૉરાની વાત એની બહેન જોસ સમજી શકતી નથી. એ તો આશ્ચર્યચકિત થઈને કહે છે–
‘શું ગાર્ડન પાર્ટી બંધ રાખવી ? વહાલી લૉરા, આટલી બધી બેહૂદી વાત ન કરીશ. આપણી પાસે કોઈ આવી અપેક્ષા રાખતું નથી. આટલા બધા લાગણીવેડા કરીશ નહીં.'
લૉરાના ઘરના મુખ્ય દરવાજાના છેક નીચેના પગથિયાની સામી બાજુએ જ આ માનવીની ઝૂંપડી આવી હતી. એ ઝૂંપડી ખરેખર નજીક હતી. લૉરાને વિચાર થાય છે કે બૅન્ડના સૂરો એ બિચારી કમનસીબ ગરીબ બાઈને કેવા લાગશે ? પણ એની બહેન જોસ તો કહે છે કે બૅન્ડ નહીં વગાડવાથી કે પાર્ટી બંધ રાખવાથી કંઈ ગુજરી ગયેલો માનવી જીવતો થવાનો નથી ! બાલિકા લૉરા એની માતા પાસે દોડી જાય છે. પણ લૉરાની માતા શ્રીમતી શેરિડન માટે ઘોડાગાડીવાળાનું મૃત્યુ કોઈ આઘાત કે આશ્ચર્યની બાબત નથી. એને તો એમ પણ સમજાતું નથી કે
૧૮
‘ધ ગાર્ડન પાર્ટી’
એ ઉંદર જેવાં ઘરોમાં આ માણસો જીવતા હશે કેવી રીતે ? એ ઘરોમાં જીવવું એ જ મોટી નવાઈ છે. ખરી વિષમતા તો અહીંયાં છે કે આ લોકોના સામાજિક સ્તરનો કોઈ માનવી સેંકડો માઈલ દૂર મરી ગયો હોત તો પણ પાર્ટી બંધ રહી હોત. એમણે રચેલા સામાજિક સીમાડાની બહાર રહેલો આ ગરીબ માનવી ગમે તેટલો પડોશમાં હોય પણ એના મોતથી કંઈ ઉત્સવના આનંદમાં ભંગ કરાય ખરો ? પડોશમાં વસતા એ
ઘોડાગાડીવાળા સ્કૉટનું અસ્તિત્વ હોય કે ન હોય, તેનો આ લોકોને મન કોઈ અર્થ જ નથી.
લૉરાને એની માતાની દલીલ ગળે ઊતરી નથી. એવામાં એની માતા એને સુંદર હૅટ પહેરાવે છે. એ હૅટ પહેરીને લૉરા દર્પણમાં જુએ છે, તો એ પોતાના મનોરમ દેખાવમાં ડૂબી જાય છે. લૉરાના મનમાં પાર્ટીનું આકર્ષણ વધવા લાગે છે. સુંદર હૅટ પહેરીને પાર્ટીમાં મહાલવા મળે, તે માટે પોતાની માતાની વાત સાચી હોય, એમ મનથી ઇચ્છે છે. એવામાં લૉરાની નજર પેલા મૃત માનવીની પત્ની, એનાં બાળકો અને ઝૂંપડીમાં લઈ જવાતા ઘોડાગાડીવાળાના મૃતદેહ પર પડે છે, પણ એને છાપામાં જોયેલા ચિત્રની જેમ અવાસ્તવિક માનીને પાર્ટીનો જ વિચાર
કરવા માંડે છે. આ બાલિકા આટલી જલ્દીથી પાર્ટી ચાલુ રાખવાનું સ્વીકારી લે છે, તે સહેજ ખૂંચે છે ખરું. સમાજની જડતા વચ્ચે એને આંસુ વહાવતી રાખી હોત તો એ વધુ યોગ્ય ન ગણાત ?
ધીરે ધીરે આમંત્રિતો આવવા લાગે છે. સુંદર હૅટથી લૉરા સ્પેનિશ જેવી જણાય છે તેવા વખાણ પણ થાય છે. ખરું સૂચન તો એ છે કે જે લૉરા પેલી ગરીબ બાઈને કેટલું દુઃખ થશે એમ ધારીને બૅન્ડ બંધ રખાવવાની વાત કરતી હતી. એ જ બાલિકા હવે બૅન્ડવાળાને પીણું આપવા માટે પોતાના પિતાને વિનંતી કરે છે. લૉરાના પિતા શેરિડન પાર્ટી પૂરી થયા પછી અકસ્માતની વાત કરે છે. એ કહે છે કે
૧૯