________________
સાહિત્ય અને પત્રકારત્વ સાહિત્ય અને પત્રકારત્વ એ બંનેનો ઉદ્ગમ ભાષાકીય અભિવ્યક્તિને રૂપે થાય છે. સર્જક પોતાના હૃદયની તીવ્ર અનુભૂતિને કલ્પનાનો ઓપ આપીને ભાષાના માધ્યમ દ્વારા નવોન્મેષ પ્રગટાવે છે,
જ્યારે પત્રકારનું મુખ્ય કાર્ય માહિતી કે વિચારનું સંક્રમણ સાધવાનું છે. સાહિત્યનો સંપૂર્ણ ઝોક સર્જકની અભિવ્યક્તિ પર છે, માહિતી પીરસવા જેવી ભૌતિક ઉપયોગિતા પર એની નજર નોંધાયેલી હોતી નથી. સાહિત્ય જનસમૂહમાં પ્રતિષ્ઠા પામે તો એ તેની યોગ્યતાનું પ્રમાણ છે એમ હંમેશાં બનતું નથી, જ્યારે અખબારી લખાણમાં તો વાચકસમૂહ દ્વારા થતી સ્વીકૃતિ એ તેનું સૌથી મોટું પ્રમાણપત્ર મનાય છે.
આમ, સાહિત્ય અને પત્રકારત્વ બંનેનો અભિગમ તદ્દન નિરાળો હોવા છતાં બંને વચ્ચે ભાષાની સમાન ભૂમિકા રહેલી છે. ભાષા પર જેટલો હક સાહિત્યનો છે, એટલો જ અધિકાર બીજાં સામૂહિક પ્રસારણનાં માધ્યમોનો છે. તેમાં પણ અખબારનો તો સવિશેષ છે. રેડિયોમાં શબ્દની સાથે અવાજનું અવલંબન લેવામાં આવે છે. ટેલિવિઝનમાં શબ્દ દૃશ્ય અને અવાજ બંનેનો સાથ લે છે. નાટકમાં અભિનય છે, પરંતુ અખબારમાં તો માત્ર છાપેલા શબ્દની સહાયથી જ પત્રકારે ધારેલી અસર ઉપજાવવાની અને ઉપસાવવાની છે.
ભાષાના માધ્યમ દ્વારા સાહિત્યકાર આત્માભિવ્યક્તિનો ઉદ્દેશ સાધે છે, જ્યારે વર્તમાનપત્રનો ઉદ્દેશ માત્ર વાચક સાથે ‘કોમ્યુનિકેશન’ સાધવાનો છે. જે જોયું કે જે સાંભળ્યું એ વાચકના ચિત્ત સુધી પહોંચાડવું એ જ પત્રકારના કાર્યની ઇતિશ્રી છે. આમ સાહિત્યમાં આત્માભિવ્યક્તિ અને એક રીતે આત્મલલિતાનું તત્ત્વ પ્રવર્તે છે, જ્યારે વર્તમાનપત્રમાં વસ્તુનું સચોટ આલેખન મુખ્ય હોય છે. આત્મલક્ષિતાને
સાહિત્ય અને પત્રકારત્વ તેમાં ભાગ્યે જ કોઈ અવકાશ હોય છે. ફોટોગ્રાફની જેમ હૂ-બ-હું છબી પૂરી પાડવી એ વર્તમાનપત્રનો ઉદ્દેશ હોય છે. સાહિત્યકાર ભાષાથી સૌંદર્યાનુભૂતિ અને સૌંદર્યબોધ કરાવે છે, જ્યારે પત્રકાર ભાષાના માધ્યમથી યથાર્થ દર્શન કે સચોટ અસરનો હેતુ સાધે છે. આ ભેદનું કારણ એ છે કે સાહિત્યકાર અને પત્રકારનો કીમિયો તદ્દન જુદો છે.
સાહિત્યકાર શબ્દનો બંદો છે, તો પત્રકાર શબ્દનો સોદાગર છે. સાહિત્યકાર શબ્દને પ્રતીક તરીકે વાપરે છે, જ્યારે પત્રકારને માટે શબ્દ એ સીધું વાહન બની જાય છે. એક રીતે કહીએ તો, પત્રકાર શબ્દનો સ્થળ ઉપયોગ કરે છે, સાહિત્યકાર તેનો સૂક્ષ્મ ઉપયોગ કરી જાણે છે. જેટલે અંશે પત્રકાર શબ્દને પ્રતીક તરીકે વાપરતો થાય, તેટલે અંશે એના લખાણમાં સાહિત્યિક તત્ત્વ આવે છે. પોતાના લખાણને સાહિત્યિક સ્પર્શ આપવા માટે પત્રકાર શબ્દને કલ્પનાનો સ્પર્શ આપીને તેનો પ્રતીકાત્મક ઉપયોગ કરે છે. વર્તમાનપત્રમાં પ્રગટ થયેલો લેખ એ સાહિત્ય છે એવી જાડી ગણતરી સામાન્ય રીતે પ્રવર્તે છે. આનું કારણ એ છે કે સાહિત્ય ને પત્રકારત્વ બંનેનું માધ્યમ ભાષા છે. ભાષાની અભિવ્યક્તિ માટે બંને સભાન પ્રયત્નો કરતા હોય છે અને નિરૂપણની ખૂબીઓ કેળવવાનો પણ સાહિત્યકાર અને પત્રકારનો પ્રયાસ હોય છે.
સાહિત્યકાર વાસ્તવિક પરિસ્થિતિને પોતાની અનુભૂતિમાં રસીને મૂકે છે, જ્યારે પત્રકારને એવું કરવાનું હોતું નથી. આથી પત્રકારના લખાણની કિંમત સમાચારરૂપ વસ્તુના તાજા વાચનમાં રહેલી છે, જ્યારે સાહિત્યની અસર સંવેદન જાગ્રત કરવારૂપે હોવાને લીધે એ ચિરંજીવ હોય છે. તેથી સાહિત્ય જ્યારે વાંચો ત્યારે તાજગીનો અનુભવ કરાવે છે. આજના સમાચાર આવતી કાલે વાસી બને છે. પણ કવિતા ક્યારેય વાસી બનતી નથી. વર્તમાનપત્રની તત્કાળ અસર ઘણી મોટી થાય છે, આથી જ પ્રજામાં મોટાં આંદોલનો ઊભાં કરવામાં, ક્રાંતિ લાવવામાં,