Book Title: Shabda Sannidhi
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 60
________________ શબ્દસંનિધિ ક્યાંક એકાંત આગ્રહની મમત જોઈ, તો ક્યાંક માત્ર બાહ્ય આડંબર દેખાયો. પારસમણની શોધ કરી, પણ બધે પથ્થર જ મળ્યા. સાચા જ્ઞાનની ઝંખના માટે હૈયું વલોવાતું હતું અને ત્યાં જ ખબર પડી કે સાચો ગુરુ કોઈ મંદિરની દીવાલોમાં, તર્કથી ભરેલા ગ્રંથોમાં કે કોઈ ક્રિયાકાંડોમાં રહેલો નથી. માનવીનો સાચો ગુરુ એ એનો આત્મા છે. આધ્યાત્મિક અનુભૂતિની અંતિમ સીમાએ પહોંચવા માટે એકલવીરની પેઠે પ્રયાણ કરવા દૃઢતાની જરૂર હોય છે. આ ચરમભૂમિકાએ કોઈ ગુરુ કે કોઈ બાહ્ય આડંબર નકામા નીવડે છે. આત્માએ પોતે જ પોતાના પ્રયત્નથી આત્મપ્રતીતિ પ્રાપ્ત કરવાની રહે છે. જ્યારે પોતે જ પોતાના આત્મસ્વરૂપને ખોળી કાઢે છે, ત્યારે અંતર કેટલું ઉમંગથી ઊછળે છે ! અખો કહે છે : “ગુરુ થા તારો તું જ, જૂજવો કૌ નથી ભજવા." “હું એ હું કાઢ્યો ખોળી, ભાઈ રે, હું એ હું કાઢ્યો ખોળી." અખાની ખુમારી આ પદમાં કેવી લહેકાથી પ્રગટ થઈ છે ! એ જ ખુમારી આનંદઘનમાં એટલી જ ગૂઢ રીતે આલેખાઈ છે. જ્યારે આત્મસ્વરૂપમાં પરમાત્મભાવનો અનુભવ થાય છે, ત્યારે પરમાત્મસ્વરૂપ પામેલો આત્મા કેવી વિરલમધુર દશાને પામે છે ! આનંદઘન સોળમા ‘શ્રી શાંતિજિનસ્તવન”માં આવી વિલક્ષણ આત્મપ્રતીતિને અખા જેવા જ લહેકાથી કહે છે : “અહો હું અહીં હું મુઝને કહું, નમો મુઝ નમો મુઝ રે." (સ્તવન : ૧૬, ગાથા : ૧૩) આત્મસાક્ષાત્કાર પછી હ્રદયની ધરતી કેવા નિરાળા રૂપે સાત્ત્વિક પ્રભાવ ફોરતી હોય છે ! અજ્ઞાનની કાળરાત્રિ વીતી ચૂકી હોય છે અને જ્ઞાનના પ્રકાશથી અંતર ઝળાંહળાં થઈ રહ્યું હોય છે ! એ ઉલ્લાસભરી આત્મદશાનું વર્ણન કરતાં આનંદઘનજી એક પદમાં કહે છે : ૧૧૦ કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં આનંદઘન “સુહાગણ ! જાગી અનુભવ પ્રીત. નિન્દ અનાદિ અજ્ઞાનકી; મિટ ગઈ નિજ રીત. (૧) ઘટમંદિર દીપક કિયો, સહજ સુજ્યોતિ સરૂપ; આપ પરાઈ આપ હી, ઠાનપ વસ્તુ અનુપ. ....(૨)" હૃદયમંદિરમાં કુદરતી પ્રકાશરૂપ દીપક પ્રકટ થયો છે અને તેથી અનાદિકાળના અજ્ઞાનની નિદ્રા દૂર થઈ છે. આનંદઘને એક અન્ય પદમાં ‘મેરે ઘટ જ્ઞાન ભાનુ ભયો ભોરનું ગાન કર્યું છે. અંતરમાં જ્ઞાનરૂપ સૂર્યનો ઉદય થવાથી પ્રગટેલા પ્રભાતની અહીં વાત છે. પરમતત્ત્વની પ્રાપ્તિનો એ આનંદ અખાએ એનાં કાવ્યોમાં ભરપૂર ગાયો છે. અખો આ ચૈતન્યના વિલાસના આનંદની છોળો ઉડાડતો કહે છે : ‘હું હસતો રમતો હરિમાં ભળ્યો’. અને એ પરમજીવનની પ્રાપ્તિના આનંદને ગાતાં અખો જાણે કોઈ ચમત્કારનું વર્ણન કરતો હોય એમ કહે છે : “છીંડું ખોળતાં લાધી પોળ, હવે અખા કર ઝાકમઝોળ." એવા જ આનંદને દર્શાવતાં અખો એનાં પદોમાં ગાય છે કે “અભિનવો આનંદ આજ”, “આજ આનંદ મારા અંગમાં ઉપન્યો", “આજ આનંદના ઓધ ઊલટ્યા ઘણા." યોગી આનંદઘનનું તો સમગ્ર વ્યક્તિત્વ આનંદમય બની ગયું છે. પોતાની આનંદાવસ્થાનું ગાન કરતાં કવિ આનંદઘન તો આનંદઘન બનીને ગાય છે : “મેરે પ્રાન આનંદઘન, તાન આનંદઘન, માત આનંદઘન, તાત આનંદઘન, ગાત આનંદધન, જાત આનંદઘન. " અને આ અવસ્થા એવી છે કે એમાં કહેવાનું કે સાંભળવાનું કશું ૧૧૧

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80