________________
શબ્દસંનિધિ નોંધપોથીમાં એ ટપકાવેલા પણ મળી આવે ! આવાં ચિંતનકણો કે સુત્રો ક્યારેક વાર્તાના રહસ્યને સ્કુટ કરી દે છે. ‘અખંડ જ્યોત'માં આર્ય નારીના ગૌરવને બતાવતાં લેખકનાં ઉદ્ધોધનો (પૃ. ૬૪) સરસ્વતીચંદ્રના પ્રથમ ભાગમાં ગોવર્ધનરામે આર્યનારીની પ્રશંસા કરતાં સૌભાગ્યદેવી વિશે આલેખેલા ઉદ્ગારોની યાદ આપે છે, પણ ‘અખંડ જ્યોત'માં આવતા ધૂમકેતુના આ ઉદ્ગારો તલભાર પણ વધારાની વસ્તુ ન ખમી શકે એવા ટૂંકી વાર્તાના સ્વરૂપને વિચ્છિન્ન કરી નાખે છે. ‘પટાવાળા એ વીસમી સદીમાં અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા છે.” (‘પોસ્ટઑફિસ', પૃ. ૭) અથવા “યુદ્ધ પછી હંમેશાં બંધુત્વની વાર્તાએ ચડવાની જગતની જૂની ટેવ હોય છે.” (‘કેસરી વાધા', પૃ. ૧૮૭)માં સર્જકની કટાક્ષપૂર્ણ અનુભવવાણી મળે છે.
આ સંગ્રહની નવલિકાઓના આયોજનનો વિચાર કરીએ તો ‘ભૈયાદાદામાં ભૈયાની પરોક્ષ ઉપસ્થિતિથી થતો વાર્તાપ્રારંભ નોંધપાત્ર છે. ટેનિકની વિશેષતા ધરાવતી ‘અરીસોર્ટમાં આખો કથાપ્રવાહ અરીસા પર જ વહે છે. “અખંડ જ્યોત'ની કથનકલો subjective છે, પણ એ સાથે લેખકના અંગત આગ્રહો અને આવેશો ડોક્યિાં કરી જાય છે. ‘ગોવિંદનું ખેતર’ અને ‘પૃથ્વી અને સ્વર્ગમાં પહેલાં તાળો મેળવીને પછી દાખલો ગણવામાં આવે તેમ લેખકની વિચારણા પ્રમાણે નવલિકા ચાલે છે. વળી આમાં નિબંધિકાનાં તત્ત્વો પણ ઘૂસી ગયાં છે. ‘એક ભૂલ’ એ અકસ્માત અને ગેરસમજ પર આધારિત વાર્તા છે. આમાં ગેરસમજ કંઈક સમજી શકાય, પણ અકસ્માત તો અકસ્માત જ રહે છે. વાર્તાના ઘાટનો વિચાર કરીએ તો ‘જુમો ભિસ્તી’, ‘ભીખુ' અને ‘ભૈયાદાદા’ (અંતને બાદ કરતાં) સુશ્લિષ્ટ રચના ગણી શકાય. ‘તારણહાર’, ‘મદભર નેનાં’, ‘આત્માનાં આંસુ’, ‘કેસરી વાઘા” અને
ધૂમકેતુનો સ્થિર પ્રકાશ ‘સોનેરી પંખી’ જેવી નવલિકાઓમાંથી થોડું ગાળી નાખ્યું હોત તો કલાઘાટની સુરેખતા વધી હોત. ‘ગોવિંદનું ખેતર’ અને ‘હૃદયપલટો’ એ તો નવલકથાને યોગ્ય વસ્તુ ધરાવતી નવલિકા છે. ‘આત્માનાં આંસુ માં વર્ષોના વ્યાપમાં કથા કહેવાઈ છે, તો થોડે અંશે ‘પૃથ્વી અને સ્વર્ગ’ તેમજ વિશેષ પ્રમાણમાં ‘ગોવિંદનું ખેતર ” બોધકથા જ બની રહે છે.
સર્જન-વ્યાપારના સાચા ફળ જેવી આ નવલિકાઓ તીવ્ર ઊર્મિક્ષોભને પરિણામે સર્જાયેલી છે. આમાં સર્જક-ચિત્તને થયેલો સૌંદર્યાભિમુખતા અને વાસ્તવિકતાનો કઠોર સ્પર્શ અનુભવાય છે. ધૂમકેતુ સમર્થ વાર્તાકાર અને ગદ્યસ્વામી છે. અંગત આગ્રહો, આત્યંતિક રીતે લાગણી નિરૂપવાની ટેવ, ભાષાની સજાવટ અને બધું કહી દેવાની વૃત્તિને કારણે ટૂંકી વાર્તાની વિભાવનાને અનુરૂપ કળાનું સર્જન તેમની પાસેથી મળ્યું નથી. પરંતુ ટૂંકી વાર્તાને કલામય ઘાટ આપવાની દિશામાં તેમનું એ પ્રસ્થાન હતું. જીવંત પાત્રચિત્રણ અને સર્જનાત્મક છટાવાળી ગદ્યશૈલીને કારણે ટૂંકી વાર્તાના કસબી તરીકે તેમનું ઐતિહાસિક મહત્ત્વ છે જ. ગુજરાતી વાર્તા વંચાશે ત્યાં સુધી ધૂમકેતુ યાદ રહેવાના. અમુક મર્યાદા છતાં તેમની વાર્તાઓ સાહિત્યના પટ પર સ્થિર તેજે પ્રકાશ્યા કરશે એમાં શંકા નથી.