________________
શબ્દસંનિધિ પ્રદેશથી માંડીને છેક વેશ્યાગૃહ વાર્તાપ્રવાહના વહનની ભૂમિ બને છે. ધૂમકેતુ પહેલાંની નવલિકાઓમાં સ્થળ તરીકે મુંબઈ, સુરત કે વડોદરાની જ મોટે ભાગે પસંદગી થતી, જ્યારે ધૂમકેતુ એ સ્થળવર્તુળમાંથી છૂટીને સિમલા, આગ્રા કે દિલ્હીના ભૂમિપ્રદેશોમાં નવલિકાને લાવે છે. કેટલાંક સ્થળો પાત્રની માત્ર કાર્યલીલાભૂમિ કે પશ્ચાદ્ભ ન બનતાં પાત્રના વ્યક્તિત્વનો એક અભિન્ન અંશ બની ગયો છે. “ભૈયાદાદા’માંથી ભૈયાદાદાની ઓરડી અને એની આસપાસ એમણે રચેલા સંસારની બાદબાકી કરીએ તો ? ‘પૃથ્વી અને સ્વર્ગ’ કે. ‘કલ્પનાની મૂર્તિઓમાંથી વાતાવરણની રંગીનતાને ઉપસાવતાં વર્ણનો ગાળી નાખીએ તો નવલિકાનું નીરસ હાડપિંજર જ બાકી રહે !
સ્થળની સાથોસાથ કાળનું માતબર વૈવિધ્ય પણ ધૂમકેતુ લાવે છે. ‘પૃથ્વી અને સ્વર્ગમાં જગતની બાલ્યાવસ્થાનો રમણીય કાળ છે, તો ‘ગોવિંદનું ખેતર માં શહેર ભણી આંધળી દોટ મૂકી રહેલાં ગામડાંઓની વર્તમાન પરિસ્થિતિનો ચિતાર છે. ‘તારણહાર’ અને ‘કેસરી વાઘા'માં રાજપૂતી વીરતાના કસુંબલ રંગોને વેરતું વાતાવરણ છે, તો “આત્માનાં આંસુમાં વૈશાલીના લોકતંત્રનો સમય આલેખાયો છે.
ધૂમકેતુનું ભાવુક હૃદય ‘પૃથ્વી અને સ્વર્ગ', “ કલ્પનાની મૂર્તિઓ’ કે ‘સોનેરી પંખી'ના વિષયો ખોળી લાવે છે, તો એમની વાસ્તવષ્ટિ અને જીવનમાં મળેલો સીધો, પ્રત્યક્ષ અનુભવ ભીખુ, ભૈયાદાદા, અલી કોચમેન, જુમો ભિસ્તી, વાઘજી મોચી અને છેક ગોવિંદ અને તેના ખેતર સુધી નજ૨ કરાવે છે. આપણા સાહિત્યને ગ્રામજીવન ભણી અભિમુખ કરવામાં પરોક્ષ રીતે સહાયભૂત થનારી ‘ગોવિંદનું ખેતર” નવલિકા એ પાછળથી ઘૂઘવતા પૂર માં બનેલાં ગ્રામજીવન-વિષયક કવનોની પ્રારંભકૃતિ ગણાય. વાસ્તવની કઠોર-નઠોર દૃષ્ટિ (સર્જનમાં
ધૂમકેતુનો સ્થિર પ્રકાશ એનું પ્રતિબિંબ કેવું ઝિલાયું છે, તે અલગ બાબત છે.) તેમજ ‘રોમૅન્ટિક' વ્યક્તિત્વમાંથી ભાવના અને કલ્પનાના બળે જન્મેલા
આદર્શોને કારણે એમની વાર્તાસૃષ્ટિમાં આલેખાયેલો સમાજ વૈિવિધ્યસભર છે. અગાઉની વાર્તાઓમાં આવતા ગ્રેજ્યુએટ નાયક કે મેટ્રિક પાસ યા ઉચ્ચ વર્ણની નાયિકાના સિંહાસને ધૂમકેતુ જુમો ભિસ્તી, વાઘજી મોચી, ભૈયાદાદા, અલી કોચમેન કે નંદુ યા બંસી જેવા ગરીબ માનવીઓને બેસાડે છે. જો કે “હૃદયદર્શન’માં ભદ્ર સમાજ ની અને ‘અરીસોમાં ગર્ભશ્રીમંત પિતાના પુત્રની કથા છે.
ધૂમકેતુની નવલિકાઓ આપણી પ્રેમની વિભાવનામાં પલટો લાવે છે. પ્રણય-આલેખનની સંકુચિત દૃષ્ટિ એમની વાર્તાઓના સ્પર્શ દૂર થાય છે અને નવલિકા-સાહિત્યમાં ઉદાર, વ્યાપક અને માનવતાથી ધબકતી પ્રણય-ભાવનાઓ ઓપવા લાગે છે. “અખંડ જ્યોત'માં આલેખાયેલી પ્રણય-મસ્તીમાંથી અને વાઘજી–નંદુના સંવાદોમાંથી દામ્પત્યની મધુરતા ટપકે છે. પ્રણયના સ્વસ્થ અને સંયમી આલેખનથી પણ એક ડગલું આગળ ભરીને ધૂમકેતુની નવલિકાઓ માનવહૃદયની ઉદાત્તતાનો પુરસ્કાર કરી ભૂમિપ્રીતિ, કલાપ્રીતિ, પ્રાણીપ્રીતિ, કુદરતપ્રીતિ અને માનવપ્રીતિનું આલેખન કરે છે. પ્રણયના જુદા જુદા વિવર્તાની સાત્ત્વિક પ્રભા પ્રગટાવતી આ વાર્તાઓમાં ત્યાગ, બલિદાન, સેવા, સમર્પણ, વફાદારી અને પ્રાયશ્ચિત્તની ભાવનાઓ મળે છે. આવી ભાવનાઓનું, અસાધારણ ઉર્મિમયતા અને હૃદયસ્પર્શી કાવ્યમયતાથી એવું તો આલેખન કરે છે કે આ નવલિકાઓમાં કોઈ પુરોગામી વાર્તાકારમાં ન અનુભવાયો હોય એવો કરુણરસ અનુભવાય છે. આમ ધૂમકેતુનો આ વાર્તાસંગ્રહ કેટલીય નવી દિશાઓ અને શક્યતાઓ ઉઘાડી આપે છે. એનો એક આગવો ચીલો પડે એવું તો એમાં સામર્થ્ય છે.