________________
શબ્દસંનિધિ
મૂલવવાનો પ્રયાસ કરે છે. ભૂતકાળનું સાતત્ય વર્તમાનમાં બતાવવા કોશિશ કરે છે. મહાન વ્યક્તિ પોતે મહાન બની તેના કારણરૂપે બાળપણથી જ મહાનતાનાં બીજ એનામાં રહેલાં હતાં એમ બતાવે એવું પણ બને છે. જ્યારે અહીં વર્તમાન ભૂતકાળ કરતાં તદ્દન વિપરીત હોવા છતાં, જેવો છે તેવો પોતાનો ભૂતકાળ આપ્યો છે.
માણસની કલ્પના જ્યાં ન પહોંચે, ત્યાં સત્ય પહોંચે છે, એનો ઉત્તમ દાખલો મણિલાલનું આ આત્મવૃત્તાંત છે. આવી વ્યક્તિ તદ્દન નિમ્નકક્ષાની સ્ત્રી સાથે વ્યભિચાર કરે તેની કલ્પના પણ થઈ શકતી નથી. જેની કલ્પના પણ ન કરીએ, તેવા વળાંકો મણિલાલના જીવનમાં જોવા મળે છે.
આ આત્મકથામાં મણિલાલનું નિખાલસ કથન મળે છે. બીજાને વિશે નિખાલસ થવું સરળ છે, કિંતુ પોતાના વિશે નિખાલસ થવું અઘરું કામ છે. પણ આથી માત્ર આને ઐતિહાસિક મૂલ્ય ધરાવતું આત્મવૃત્તાંત કહીને અટકીશું નહીં. આમાં એક પ્રકારનો આંતરસંઘર્ષ જોવા મળે છે. એ આંતરસંઘર્ષ આત્મસંશોધનમાં પરિણમતો નથી એ સાચું, પરંતુ એ આંતરસંઘર્ષ પોતાને જે કક્ષાએ થયો હોય તે કક્ષાએ રહીને, જેવો થયો હોય તેવો આલેખ્યો છે. આ આંતરસંઘર્ષનું આલેખન કરીને મણિલાલ ગૂંગળામણનો છુટકારો અનુભવે છે. આ આત્મવૃત્તાંતમાં આત્મદર્શનનો કોઈ હેતુ છે જ નહિ. માત્ર પછી આવનારા જમાના આગળ પોતાની ફરિયાદ રજૂ કરવાનો ઉદ્દેશ છે.
અહીં પોતાની પ્રતિષ્ઠાને ભોગે નિખાલસ કથનનો પ્રયોગ થયો છે. ગાંધીજીની આત્મકથામાં સમકાલીન વ્યક્તિઓનાં રેખાચિત્રો મળે છે, તેમાં ગાંધીજીએ ઘણી તકેદારી રાખી છે. ઘણી વાર તેઓ નામ
અનોખી આત્મકથા આપ્યા વગર લખે છે. કોઈ પણ વ્યક્તિના ચારિત્ર્યને ડાઘ લાગે નહિ તેની સાવધાની રાખે છે. મણિલાલ ગાંધીજી જેટલી અહિંસાની પરવા કરતા નથી. માત્ર સત્ય પર જ એમની નજર અને નેમ ઠરેલી છે. આ સત્ય હંમેશાં સુંદર હોય તેવો એમનો આગ્રહ નથી. સત્યનું એક લક્ષણ એમાં રહેલું અગ્નિતત્ત્વ છે. જે એને સ્પર્શે તે દાઝે એવું આમાં અનેક સ્થાને જોવા મળે છે.
મણિલાલની ભાષાશૈલી પણ ધ્યાન ખેંચે છે. આ આત્મવૃત્તાંત એ ખાનગી વિઠંભકથા છે. એટલે એમાં ભાષાની શિષ્ટતાને પ ન હોય એ સ્વાભાવિક છે. મણિલાલ પાસે જે ભાષાપ્રભુત્વ હતું તે જોતાં તો એમ કહી શકાય કે આ આત્મવૃત્તાંત તે વધુ સારી ભાષામાં લખી શક્યા હોત, પરંતુ ખાનગી વાતચીતમાં ભાષાનું જે પ્રાકૃત સ્વરૂપે પ્રગટ થાય છે, એ સ્વરૂપ એમણે યથાવત્ રાખ્યું છે.
વેદાંતની ચર્ચા કરનાર અને તર્કશુદ્ધ વિચારો રજૂ કરનાર મણિલાલ પોતાના આચરણનો બચાવ કરવા ‘અભેદમાં શરીરસંબંધ પાપકર્તા નથી” એવો ઉપદેશ આપે છે, તેમાં એમનું વિકૃત માનસ જોવા મળે છે. વિવેકાનંદ જેવા જેને માન આપે, વિદેશમાં વ્યાખ્યાનોમાં જેમને નિમંત્રણ મળે, મેક્સમૂલર જેવાનો જે પ્રતિવાદ કરે એવી વ્યક્તિ એક બાજુ બૌદ્ધિક
સ્તર પર ઊંડું ચિંતન કરે અને બીજી બાજુ એના શરીરની ભૂખ એવી કે જે એને પ્રાકૃતતાની ઊંડી ગર્તામાં ઉતારી દે છે ! સમાજ શાસ્ત્રી, માનસશાસ્ત્રી અને સેક્સોલૉજિસ્ટ માટે મણિલાલનું આત્મવૃત્તાંત સંશોધનની મોટી સામગ્રી પૂરી પાડે છે. પરંતુ એથીય વધુ તો આ આત્મવૃત્તાંત એ આપણા નવલકથાકારો અને નાટ્યકારો માટે પડકારરૂપ છે. ગુજરાતમાં ટ્રેજેડીનું વસ્તુ નથી એમ કહેવાય છે, પણ આનાથી વધુ ટ્રેજેડીની સામગ્રી ભાગ્યે જ બીજે કોઈ સ્થળેથી મળી શકે !