________________
૪૨ ગુજરાતી પત્રકારત્વનું સરવૈયું
બીજી બાજુ માહિતીપ્રદ સાપ્તાહિકોમાંથી મોટા ભાગનાનું ધોરણ સારું એવું નીચું રહ્યું છે અને માત્ર ઉત્તેજક લખાણો આપીને ફેલાવો વધારવા તરફનું વલણ એમણે દર્શાવ્યું છે. આ સાપ્તાહિકો માહિતીનો ઢગલો કરી દે છે એ વાત સાચી, પણ ગાંધીજીએ કહ્યું હતું એમ “પત્રકારત્વનું કામ લોકોને શિક્ષણ આપવાનું છે, નહીં કે, લોકોના મગજમાં ખપતી અને અણખપતી માહિતી ઠસોઠસ ભરી દેવાનું.” અલબત્ત, આમાં મુંબઈનાં બે સાપ્તાહિકોએ પોતાનું ધોરણ ઠીકઠીક સુધાર્યું છે અને રિપોર્ટિંગને વધુ અધિકૃત બનાવવાના પ્રયત્ન કર્યા છે એની નોંધ લેવી રહી. ‘ઇન્ડિયા ટુ ડે” હવે ગુજરાતીમાં પણ બહાર પડે છે.
સમગ્ર ભારતીય પત્રકારત્વ અને ગુજરાતી પત્રકારત્વ અંગે કહી શકાય કે માલિકો અને રાજકારણીઓનાં હિતોની પાસે વાચકના હિતનો ભોગ ધરાઈ રહ્યો છે. બઢ઼ડ રસેલે એક વાર કહ્યું હતું કે, કોઈ પણ સંસ્થા પોતાની પ્રજાને શું આપે છે, પોતાના પરિવારના સભ્યોને શું આપે છે, અને અંતે પોતાના નેતાને શું આપે છે એના ઉપર એની સફળતાનો આધાર રહે છે. એના કહેવા મુજબ, ઘણી વાર, આમાંથી ત્રીજી શરત આગલી બે શરતોને ઢાંકી દેતી હોય છે. આપણા પત્રકારત્વની બાબતમાં આમ જ બની રહ્યું છે.
અખબારોની ભૂમિકા અને કાર્યક્ષેત્ર વિષે આજે ભાગ્યે જ કોઈ વિવાદ રહ્યો છે. ગુજરાતી અખબારોની વિકાસની શક્યતા અંગે પણ બે મત નથી. લોકમતને પ્રભાવિત કરનાર સૌથી અસરકારક શસ્ત્ર તરીકે એની ક્ષમતા પણ નિર્વિવાદ છે. રાષ્ટ્રના અર્થતંત્રમાં એક વ્યવસાય કે ઉદ્યોગ તરીકે એણે ભજવવાના ભાગ અંગે પણ કોઈ દલીલ નથી. પ્રશ્ન માત્ર એટલો જ છે કે આટલી વિશાળ શક્યતાઓની પશ્ચાભૂમિકામાં આપણું પત્રકારત્વ સંતુલિત નીતિ જાળવી રાખીને, તથા ઉદ્યોગની સાથે સાથે સેવાવૃત્તિનું પાસું પણ બીજામાં લઈને એ રાષ્ટ્રની અને ખાસ તો લોકશાહીની વિકાસયાત્રામાં કદમ મિલાવે છે કે કેમ. અખબારોએ આપણને રાજકીય સ્વાતંત્ર્ય અપાવ્યું પણ વાણીનું સ્વાતંત્ર્ય અણીને સમયે એ જાળવી શકશે કે કેમ એ શંકાની વાત છે.
ગુજરાતી અખબારોએ છેલ્લા દોઢ દાયકામાં અસાધારણ ફેલાવો સાધ્યો છે અને સાજસજ્જા, લે-આઉટ, મુદ્રણ વગેરેમાં નવાં સીમાચિહ્નો સર કર્યા છે. હવે આ ક્ષેત્રમાંની સિદ્ધિઓને મજબૂત કરીને એણે ગુણલક્ષી બાબતો ઉપર ધ્યાન આપવાનો સમય પાક્યો છે.