________________
૮૪ પત્રકાર : એક વિધાયક પરિબળ તરફથી વિરોધ જ થતો હોય છે. સ્થાપિત હિતો દ્વારા ઊભા થતા અવરોધો, પ્રજાનો સહજ પ્રમાદ, વધુ પડતી આકાંક્ષા-અપેક્ષાઓ, શક્તિ કે સાધનો પરત્વે અશ્રદ્ધા કે પછી આત્મવિશ્વાસનો અભાવ – આ બધાં તત્ત્વો પેલા વિરોધને વધુ વરવું રૂપ આપે છે. તાજેતરનો રાજકીય ફિયાસ્કો આનું ઉત્તમ ઉદાહરણ છે.
આ પરિસ્થિતિ, સાચી અને સારી વસ્તુ વિષે પ્રજા અને શાસનતંત્રનું ધ્યાન દોરી એ સારી વસ્તુના અમલીકરણ માટેનાં ઉપયોગી સાધનો અને ઉચિત માર્ગો પરત્વે જાગૃતિ આણી, ધ્યેય સિદ્ધ ન થાય ત્યાં લગી તંતોતંત મથતા રહેવાની નિષ્ઠા જ પ્રેસ તેમજ પત્રકારને એક વિધાયક બળ બનાવી શકે.
માનવજાતના સાંસ્કૃતિક ઉત્થાનના સંદર્ભમાં, રાષ્ટ્રીય પ્રગતિની સિદ્ધિઓ, શક્યતાઓ, સંઘર્ષો વગેરેના અનુસંધાનમાં એક અદના આદમીએ ઇન્સાનિયતને નાતે અદા કરવાની જવાબદારી એને યાદ દેવડાવવાની ફરજ એક સજાગ પ્રેસ અને પત્રકારત્વની છે.
સમાજજીવન અને રાષ્ટ્રજીવનને માટે વિધાયક પરિબળ બની રહેવા માટે પ્રેસ તેમજ પત્રકારે મોટી સજ્જતા દાખવવાની રહે છે. આર્થિક જોખમ ઉપરાંત રાજસત્તા દ્વારા ઊભા થતા પડકારો જેમ પ્રેસ ઝીલવાના હોય છે એમ પત્રકારે સમગ્ર પ્રજાકીય પરિવેશને સાંગોપાંગ પામવા માટે ઊંડા અને ઝીણવટભર્યા અધ્યયનનું ભાથું મેળવવું પડે છે.
પ્રેસ પોતાની હામ-હિંમતથી, સંયમ અને ઔચિત્યથી, ત્યાગ અને નીતિથી, સમયોચિત સક્રિયતાથી, પોતાની આર્ષદૃષ્ટિથી સમાજજીવન- રાષ્ટ્રજીવન માટે વિધાયક પરિબળ બની શકે છે, તો સામે પડેલી સમસ્યાઓના ઉકેલ માટેની ઊંડી અધ્યયનશીલતા, જનમાનસનું તલસ્પર્શી વાસ્તવિક જ્ઞાન, જનમાનસને પલોટવાની સૂઝબૂઝ, વિકાસક કે વિધાયક અભિગમને અદના આદમી સુધી પહોંચાડવાની ધગશ અને કુનેહ, વ્યક્તિ કે સમુદાયના પૂર્વગ્રહોના નિરાકરણ માટેના ઉપાયો, નવતર વિકલ્પો રજૂ કરવાની કલ્પના, એ વિકલ્પોની કામયાબી માટે સક્રિય જહેમત ઉઠાવવાની તૈયારી – આ બધા વ્યક્તિલક્ષી ચિંતન ઉપરાંત આંતરરાષ્ટ્રીય સંબંધોના સંદર્ભો, માનવસમાજોના પરસ્પર પ્રત્યેના અભિગ્રહો અને આગ્રહો – આ બધાની ઊંડી સમજણ ધરાવતું શાણપણ લઈ એક પ્રતિબદ્ધ અને નિર્ભીક પત્રકાર સમાજજીવન માટે અચૂક એક સંમાન્ય એવું વિધાયક પરિબળ બની શકે છે.
પણ આ તો થઈ આદર્શની વાત. હવે આ સાથે વાસ્તવિકતાનું વરવું રૂપ પ્રગટ કરવાનું પણ ખૂબ જરૂરી સમજું છું.