________________
વ્યવસાયી પત્રકારોની સમસ્યા ૧૫૫
પરંતુ સંચાલકોએ ગોળ અને ખોળ' વચ્ચેનો ભેદ પામવા જેટલી કુશળતા કેળવવી જોઈએ અને કોઈ એક પ્રસંગનો લાભ લઈ આખી રિપૉર્ટર જ્ઞાતિને દંડવી ન જોઈએ. એક જ દંડે સૌને હાંકવાની સંચાલકોની નીતિ રિપૉર્ટરોનો આત્મવિશ્વાસ હણે છે, તેમની નિષ્ઠા નંદવાય છે અને એ બેદિલીથી યંત્રવત્ કામ કરતો બની જાય છે.
હવે તો કેટલાંક અખબારોએ સરકારી તંત્રની જેમ ખાતાઓની ફેરબદલીનો નવો રવૈયો શરૂ કર્યો છે. જેમ પોલીસ અધિકારી કે સરકારી અફસરને એક જ સ્થળે લાંબો સમય રખાતો નથી તેમ રિપોર્ટરને પણ એક જ પ્રકારની ફરજ ઉપર લાંબો સમય રખાતો નથી. આ કારણે એક સ્થળે રિપૉર્ટરના વિશ્વસનીય સંબંધો બંધાય ત્યાં તો તેને ત્યાંથી બદલાઈ જવું પડતું હોય છે અને આનો ગેરફાયદો આખરે તો અખબારને જ થતો હોય છે. આ ફેરબદલીઓ રિપૉર્ટરને “ઓલરાઉન્ડર બનાવવાના આશયથી કરવામાં આવતી હોવાનું સમજાવાય છે. પરંતુ સત્ય એ છે કે સંચાલકોને પોતાના રિપોર્ટરો પર વિશ્વાસ હોતો નથી. તેમને સતત શંકા રહ્યા કરતી હોય છે કે આ સંબંધોનો રિપૉર્ટરો પોતાના અંગત હિત કે હેતુ માટે ઉપયોગ કરશે. ક્યારેક કોઈ રિપોર્ટરે પોતાના સ્થાનનો ઉપયોગ અનધિકાર હેતુઓ માટે નહીં જ કર્યો હોય તેમ પણ નહીં કહેવાય. છતાં આ પ્રશ્નને બીજી રીતે ઉકેલવાને બદલે ખાતાંઓમાં ફેરફાર દ્વારા ઉકેલવાની પ્રથા રિપૉર્ટરના સ્વમાનને આઘાત આપનારી બને છે અને તેઓ ખુમારીપૂર્વક કામ કરી શકતા હોતા નથી.
સંચાલકોના આવા શંકાશીલ માનસ અને જોખમભરી કામગીરીમાં ભાવિ અસલામતી વચ્ચે સ્વત્વ ટકાવીને પૂરા આત્મવિશ્વાસ સાથે કામ કેમ કરવું એવી મહત્ત્વની સમસ્યા રિપોર્ટરોની છે.
બીજા પ્રકારના પત્રકારો, જેઓ ડેસ્ક ઉપર કામ કરનારા છે, તેમની સમસ્યા વળી અલગ પ્રકારની હોય છે. મોટા ભાગનાં અખબારો પાસે રેફરન્સ લાઇબ્રેરી હોતી નથી. પરિણામે ક્યારેક તત્સણ લખવાની નોંધો માટે પત્રકારને ફાંફાં મારવાં પડતાં હોય છે. આવા પ્રસંગે ક્યારેક પોતાની યાદશક્તિના આધારે કે આજુબાજુ બેઠેલાંઓની અધકચરી માહિતીના આધારે એમને લખવું પડતું હોય છે. આવા લેખો કે નોંધો, લખનારની પ્રતિષ્ઠામાં કશો જ ઉમેરો કરી શકતાં હોતાં નથી.
કોઈ કહે તો માની ન શકાય અને કહેનાર તથા સાંભળનાર બંને દીવાના લાગે પણ કઠોર વાસ્તવિકતા તો એ છે કે કેટલાંક અખબારોમાં સામાન્ય રોજિંદી જરૂરતો માટે પણ પત્રકારોને મેનેજમેન્ટ સાથે સંઘર્ષ કરવો પડતો હોય છે ! ... અને આટઆટલી પ્રતિકૂળતા વચ્ચે, માનસિક તનાવ વચ્ચે તેમની પાસેથી ઉચ્ચ