________________
પરિસંવાદનો સમારોપ
૧૩૫
કવિએ પોતે કરેલા અંગ્રેજી અનુવાદને આધારે મેં એનો આવડ્યો એવો ગુજરાતી અનુવાદ કર્યો છે તે આપને સંભળાવીને મારું વક્તવ્ય પૂરું કરું છું.
જ્યારે મારું શબ બુદ્ધને મળ્યું જ્યારે મારું શબ બુદ્ધને મળ્યું ત્યારે હું કંઈ બોલ્યો નહીં. એમણે પણ મને કંઈ પૂછ્યું નહી. થોડો વખત એ કંઈક એકલા વિચારી રહ્યા, અને પછી, ઉજાણીએ ગયેલા કંટાળેલા એકલા પડી ગયેલા નિશાળિયાની જેમ ઇતિહાસના લીસા પથ્થર ઉપર એમણે પોતાનું નામ ઘસડવાનું શરૂ કર્યું. એમણે મને કંઈ પૂછ્યું હોત તો.... પેલી જીરણ દીવાલની ફાટ વચ્ચે ઊગેલા પીપળાની અમળાયેલી ડાંખળીમાં મારો ઉત્તર હવે ઊગી રહ્યો છે; અનુભૂત આનંદસમાધિની મૂંઝવતી ક્ષણે કોઈ કુમારિકાની નીલી આંખોમાં તારાની માફક એ સળગી રહ્યો છે. મીણની માફક ઓગળી રહ્યો છે એ કોઈ પુત્રના પથ્થર હૃદયની ઉપર ટપકતાં માતાનાં આંસુની જેમ; પુષ્પની માફક ખીલી રહ્યો છે એ કોઈ બેવકૂફની વાળ ભરી છાતીને શણગારતા શિશુમુખની ગંધ પેરે.
-
--