________________
૮૮
| પત્રકાર : એક વિધાયક પરિબળ
આઝાદી પૂર્વે રાજકારણી પ્રવૃત્તિમાં રાષ્ટ્રીયતાનો રંગ વધુ બળવત્તર હતો. બીજા તબક્કામાં એ રંગ ધીરેધીરે ઊપટતો જતો હતો, જ્યારે રાજકારણનો રંગ વધુ ઘટ્ટતા પકડતો જતો હતો. આ આખી પ્રક્રિયા સન ૬૯ સુધી ચાલતી રહી.
પણ ત્યાર પછીના ત્રીજા તબક્કામાં – '૬૯ થી '૮૦ સુધીના ત્રીજા તબક્કામાં - પરિસ્થિતિએ મોટો પલટો લીધો. રાષ્ટ્રીય દૃષ્ટિકોણવાળા, પ્રજાની ઉન્નતિના જ આદર્શને વરેલા ભેખધારી સેવકો રાજકારણમાંથી અસ્ત પામી રહ્યા હતા અને એમને સ્થાને રાજકારણને એક વ્યવસાય માત્ર માનનારા કારકિર્દીવાંછુઓની ભરતી થયે જતી હતી.
કેવળ પોતાની સત્તાભૂખ સંતોષવાની એષણાવાળા કે પોતાની મુરાદો બર લાવવાની જ ઝંખનાવાળા રાજકારણીઓની દોડધાર્મ, કાગારોળ, નૈતિક સ્તરની લોકશાહી જીવનરસમની મહત્તાને સાવ ગૌણ બનાવી દીધી. રાજકારણની આ વિપલાળ પત્રકારત્વનેય આભડી ગઈ અને એ એટલી હદે કે મોટા ભાગનાં અખબારો કોઈ વ્યક્તિ, જૂથ કે પક્ષની પ્રશસ્તિનો બુંગિયો બની રહ્યાં. ભારતવર્ષની લગભગ નિરક્ષર પણ હૈયાઉકલતવાળી પ્રજા આ પાખંડને પારખી ગઈ, પરિણામે અખબારોની અને અખબારોની સાથે પત્રકારની વિશ્વસનીયતા નષ્ટ થઈ. રાજકારણની આ પકડ પ્રતિદિન એટલી મજબૂત ભીંસ લેતી ગઈ કે પત્રકારનો નિજી અવાજ એમાં ગૂંગળાઈ ગયો અને ટેપરેકોર્ડ કરેલા નારાઓની જેમ પક્ષ, જૂથ કે વ્યક્તિનાં પ્રશસ્તિ કે પ્રચારથી અખબારોનાં પાનાં ઊભરાતાં ચાલ્યાં. આજની હાલતને તો કોઈ ટીકાટિપ્પણની જરૂર જ નથી !
વ્યક્તિ, જૂથ કે પક્ષ સાથેનું આ રાજકારણીય identification અખબારો અને પત્રકારોને નિસ્તેજ બનાવવામાં કામિયાબ નીવડ્યું. એમાં પત્રકારની આકાંક્ષાઅપેક્ષા કે માનઅકરામની લાલસાની સાથોસાથ અખબારોની મજબૂરી પણ કામ કરી ગઈ છે, એટલું નોંધવું હું ઉચિત સમજું છું.
મૂલ્યોના ધ્વંસની સામે આક્રોશ જગાવનારા કે સામે પૂરે હૈયાની હામથી થાપટ મારી તરવાનો અખતરો કરનારાઓને ડુબાડવાના પ્રસંગોએ જેમ પત્રકારોની નૈતિક તાકાત પર મીઠી અસર પહોંચી છે, એમ અખબારોની આર્થિક આત્મનિર્ભરતાને તોડી ફોડી નાંખવાના પ્રયાસોએ પણ અખબારોના અવાજને ગૂગળાવ્યો છે.
વાસ્તવિકતાનો આ વરવો ચિતાર છતાં, પ્રેસે અને પત્રકારોએ ધૂંધળી પરિસ્થિતિના ધુમ્મસને ભેદવા પોતાની વિધાયક શક્તિમત્તાનો પૂરો ક્યાસ કાઢતા રહી મધ્યે જ જવાનું છે.
ખેદની વાત એ છે કે તાત્કાલિક હેતુઓ સિદ્ધ કરવાના આશયથી અમુક વ્યક્તિઓ કે જૂથના પ્રપંચી પ્રયાસો સમગ્ર રાષ્ટ્રીય જીવનને માટે કેટલી હદે વિઘાતક