________________
૧૦૪ T સાહિત્યિક પત્રકારત્વ
ચિકિત્સાદૃષ્ટિ ઉપરાંત શિક્ષક-સુધારકનો શુદ્ધિ-આગ્રહ પણ જોઈ શકાશે.
સુધારકયુગ અને સાક્ષરયુગના સંધિકાળે શરૂ થયેલા ઇચ્છારામ સૂર્યરામ દેસાઈના ‘ગુજરાતી’(૧૯૮૦)એ આ શુદ્ધિ-આગ્રહને પત્રો-સામયિકોની ભાષાની અશુદ્ધિઓ સામેની જેહાદ સુધી વિસ્તાર્યો હતો. એ સમયે કેટલાક પારસી તંત્રીઓ-લેખકોના રેઢિયાળ અનુવાદોની ટીકા કરીને એની સામે એમણે શિષ્ટ-શુદ્ધ અનુવાદો મૂકી આપેલા. એટલું જ નહીં, પ્રેસમાં થતી અશુદ્ધિઓથી કંટાળીને એમણે પોતાનો જ ‘ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ’ સ્થાપેલો અને ‘ગુજરાતી ટાઇપ ફાઉંડ્રી' ઊભી કરેલી ! ગુજરાતી સામયિકોમાં પહેલી વાર વિવિધ વિષય-વિભાગોનું વ્યવસ્થાપૂર્વક આયોજન તથા ‘કાવ્યદોહન’ ગ્રંથશ્રેણી આ સામયિકનું મહત્ત્વનું પ્રદાન ગણાય.
આમ તો સાક્ષરી સાહિત્યિક પત્રકારત્વની ભૂમિકા ‘ગુજરાતી' દ્વારા રચાઈ હતી પણ એનો વધુ ઊંડાણવાળો અને વ્યાપક આવિષ્કાર મણિલાલ દ્વિવેદી, ૨મણભાઈ નીલકંઠ ને પછી આનંદશંક૨ ધ્રુવે ચલાવેલાં સામયિકો દ્વારા થયો.
‘ગુજરાતી’માં ‘નારીપ્રતિષ્ઠા' નામની જાણીતી લેખમાળા ચલાવ્યા પછી મણિલાલે સ્ત્રીઓના સામાજિક (અને એમને માટેની કેળવણીના) પ્રશ્નોને લઈને ‘પ્રિયંવદા' (૧૮૮૫) શરૂ કર્યું. એમાંનાં મણિલાલનાં લખાણો પ્રત્યક્ષ સંબોધનની અને વાતચીતની શૈલીવાળાં હતાં, કસાયેલા વક્તા તરીકેની એમની વાક્છટાનો લાભ પણ ‘પ્રિયંવદા’ને મળતો હતો. આવી, માધુર્ય અને પ્રાસાદિકતાની કાળજી છતાં અને ‘સ્ત્રીઓને વાંચવાલાયક ન હોય એવા વિષયો એમાં ન આવે' એવા સંકલ્પ છતાં ચર્ચાઓમાં મણિલાલના પાંડિત્યનો પ્રવેશ થયો હતો, એની દુર્બોધતા સામે મહિલાઓએ ફરિયાદ કરી હતી ! પાંચ વર્ષ પછી મણિલાલને પણ લાગ્યું કે માત્ર સ્ત્રીવિષયક સામયિક ચલાવવું દુષ્ક૨ છે, સીમિત અને એકાંગી પણ છે. એટલે એમણે તત્ત્વચર્ચા, સુધારો, અધ્યાત્મ, વેદાન્ત, જ્ઞાનવિજ્ઞાન આદિ વિષયોમાં વિસ્તરતું ‘સુદર્શન’ (૧૯૯૦) શરૂ કર્યું. અલબત્ત, એ પાંચ વર્ષમાં ‘પ્રિયંવદા’એ સ્ત્રી-જાગૃતિની દિશામાં ઠીકઠીક વિચાર-આંદોલનો ઊભાં કરેલાં. પંડિત અને પત્રકાર-વિચારક તરીકેની મણિલાલની શક્તિઓને ‘સુદર્શન’માં મોકળાશ મળી. પંડિતયુગના ઘણા લેખકોની સાક્ષરી વિચારધારાને તેમજ એ સમયના સર્જનાત્મક સાહિત્યને ‘સુદર્શને’ પ્રગટ કર્યાં હતાં. ગુજરાતીના એક ઉત્તમ તત્ત્વદર્શી નિબંધકાર તરીકે મણિલાલ ઊપસ્યા એમાં ‘સુદર્શન' મહત્ત્વનું વાહક બન્યું. મણિલાલનો લેખસંગ્રહ ‘સુદર્શન ગદ્યાવલિ’ આ સામયિકનું એક પ્રમુખ પ્રદાન છે. પ્રાર્થનાસમાજના મુખપત્ર તરીકે શરૂ થયેલું ‘જ્ઞાનસુધા’ (૧૮૯૨) ક્રમશ: નવી સુધારક-વિચારણા, તત્ત્વચિંતન અને સર્જનાત્મક-વિવેચનાત્મક સાહિત્ય સુધી વિસ્તર્યું હતું. એના તંત્રી રમણભાઈ નીલકંઠની સુધા૨ક તેમજ હાસ્યકાર તરીકેની શક્તિઓ ‘જ્ઞાનસુધા’ દ્વારા