________________
ગુજરાતી સાહિત્ય-સામયિકો – એક દષ્ટિપાત | ૧૦૫ આવિષ્કાર પામતી રહી. એમના હળવા નિબંધો તથા એમની વિખ્યાત નવલકથા “ભદ્રંભદ્ર' આ સામયિકનાં પાને અવતરી હતી. એ ઉપરાંત ન્હાનાલાલની ઉત્તમ કલાકૃતિઓ, બળવંતરાયની “પ્રેમનો દિવસ” સૉનેટમાળા વગેરે કૃતિઓ, રામલાલ મોદીના સંશોધનલેખો તેમજ રમણભાઈનાં તત્ત્વલક્ષી ને વિવેચનાત્મક લખાણોએ “જ્ઞાનસુધા'નું વિશિષ્ટ પ્રદાન આંક્યું હતું.
૧૮૯૬માં આરંભાયેલા ને ૧૯૧૪થી માસિક બનેલા “સમાલોચકે સાક્ષરી પરંપરાનો વિસ્તાર કરવામાં સારી કામગીરી બજાવી હતી પણ પંડિતયુગનું પૂરું પ્રતિનિધિત્વ જાળવતું છતાં ઘણું વ્યાપક અને ઉદાર બનેલું સામયિક તો હતું આનંદશંકર ધ્રુવનું ‘વસંત' (૧૯૦૨). વીસમી સદીના આરંભે પ્રગટ થયેલા આ સામયિકે લગભગ ચાર દાયકા (૧૯૩૯)સુધી ચાલીને પંડિતયુગની વિહંદુ-પરંપરાને ગાંધીયુગમાં પણ સંચારિત કરવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. (વચ્ચે, આચાર્ય આનંદશંકરને ગુજરાત બહાર જવાનું થતાં ૧૯૧૩થી ૧૯૨૪ સુધીનાં ૧૨ વર્ષ રમણભાઈ નીલકંઠ એના તંત્રી રહેલા.) આનંદશંકરની સમન્વયવાદી દૃષ્ટિએ સામાજિક-ધાર્મિક વિચારણાને એકપક્ષી મતાગ્રહમાંથી મુક્ત ને મોકળી કરી એટલું જ નહીં, મૂળ સત્ય સુધી પહોંચતી એમની ઊંડી તત્ત્વજિજ્ઞાસાએ એને પરિશુદ્ધ રૂપ પણ આપ્યું. “વસંત'માં વિષયોની વ્યાપકતા જ કેટલી મોટી હતી – અધ્યાત્મ, તત્ત્વજ્ઞાન, કેળવણી, રાજકારણ, સમાજ, વિજ્ઞાન, માનસશાસ્ત્ર, કૃષિવિજ્ઞાન, ઉદ્યોગ, સંગીત, ખગોળ અને સાહિત્ય ! માનવજ્ઞાન અને કળાની અનેક શાખાઓ પરનાં નોંધપાત્ર લખાણો વસંત'માં સ્થાન પામતાં રહ્યાં. આનંદશંકરનાં, પછી ઉમાશંકર જોશીએ સંપાદિત કરેલાં મૂલ્યવાન પુસ્તકોનાં મોટા ભાગનાં લખાણો ‘વસંત’નાં પાને આવિષ્કાર પામેલાં હતાં. ઉમાશંકરે ૧૯૪૭માં “સંસ્કૃતિ' શરૂ કર્યું ત્યારે એમના મનમાં ‘વસંત' એક આદર્શ નમૂના (મોડેલ) રૂપે રહ્યું હતું, એ પણ “વસંતના વ્યાપક ફલકનો અને એના પ્રદાનનો ખ્યાલ આપે છે. ૨૦મી સદી પૂર્વાર્ધ સાહિત્યિક પત્રકારત્વની નવી દિશાઓ
| ‘વસંતે' વિચારલક્ષી વ્યાપકતા અને મોકળશ ઊભાં કર્યાં ને ૨૦મી સદીના ચારેક દાયકા સુધી એ પ્રવૃત્ત રહ્યું એ બરાબર પરંતુ એ વિદ્ધપરંપરાનો વિસ્તાર કરનારું, ગંભીર પ્રકારનું સામયિક હતું. સરળતા અને રસિકતા દ્વારા વ્યાપક સાહિત્યરસિક વર્ગનાં વિસ્મય-જિજ્ઞાસાને જગાડવા-પોષવાનું કામ “વીસમી સદી' (૧૯૧૬)એ કર્યું. એ આપણું પહેલું સચિત્ર (ઇલસ્ટ્રેટેડ) સાહિત્ય-સામયિક હતું. એમાં સચિત્રતા કેવળ સુશોભન કે આકર્ષણ માટે ન હતી કેમકે એ ચિત્રો વિખ્યાત ચિત્રકળાકારોનાં હતાં – મુનશીની નવલકથા હોય ને એનાં પ્રતાપી પાત્રોનાં ચિત્રરેખાંકનો રવિશંકર રાવળે