________________
દૈનિક પત્રોની વ્યાવસાયિક સફળતાનું રહસ્ય B ૧૪૭
ભૂલ કબૂલ કરે તે વાતમાં માલ શું ! છાપાની આબરૂનું શું ! બહુ બહુ તો એટલું કરી શકાય કે તમારું નામ અમારી જન્મનોંધની કટારમાં મૂકી દઈએ ! ૪૦ વર્ષની ઉંમરના ગૃહસ્થને નવજાત બાળક તરીકે દુનિયા સમક્ષ ફરી વન્સમૉર કરતાં શરમ થઈ અને પછી જાહેરખબર રૂપે તેમણે પોતાની હસ્તી જાહેર કરી. વર્તમાનપત્ર પગભર થાય, સફળ થાય પછી તે પોતાની ભૂલ કબૂલ કરવાની ઉદારતા કેળવે ત્યારે તેની પ્રતિષ્ઠા વધે છે. માનવમાત્ર ભૂલને પાત્ર હોય તો વર્તમાનપત્ર માત્ર ભૂલને પાત્ર ન હોય ! જોકે કેટલાક વળી ભૂલ કબૂલ કરવાની બાબતને મુદ્દલ ગંભીર ગણતા જ નથી તેવું બને છે અને ‘ક્ષમાપના’નું ખાસ રોજિંદું કૉલમ જ ચલાવ્યે રાખે છે.
વર્તમાનપત્રની સફળતાનું એક અગત્યનું કારણ તેની સમાચારોની માવજત અને રજૂઆતની એકંદર સફાઈ બની રહે છે. બીજી રીતે વર્તમાનપત્રનું ધોરણ સારું હોય, સરસ લેખવિભાગો તેમાં હોય, લોકપ્રિય કટારો હોય પણ આ બધા સુંદર ટાપુઓની શોભા મારી નાખે તેવો સમાચારોનો ખારો ધૂસ દરિયો રોજ ઘૂઘવતો હોય, સમાચારનો ગુજરાતી તરજુમો અગમ્ય હોય, કેટલીક વાર તદ્દન હાસ્યાસ્પદ હોય ત્યારે વાચકનું મન ઊતરી જાય છે. કોઈ સમાચારની ઓછીવત્તી ગંભીરતા, તેનું મહત્ત્વ કે તેના કોઈ જરૂરી મુદ્દાની કશી કાળજી જ જોવા ન મળે. વાચક સમજી જાય છે કે ચટણીસંભાર કે એકાદ મિષ્ટાન્ન સરસ છે બાકી એકંદર થાળીમાં માલ નથી. કેટલાક વળી પોતાની આ નબળાઈને સદ્ગુણમાં વટલાવી નાખે છે. એક તંત્રીએ કહેલું કે અમારા છાપામાં છાપભૂલોના અતિરેકને કારણે જ વાચકોનું ભાષાજ્ઞાન વધ્યું છે અને અમારા છબરડા લોકોને એટલું મનોરંજન પૂરું પાડતા રહ્યા છે કે અમારે કદી કોઈ અલગ ૨મૂજી કૉલમનો પ્રબંધ જ ક૨વો નથી પડ્યો.
વર્તમાનપત્ર જ્યારે આત્મસંતોષમાં પડી જાય છે અગર ઘરેડમાં પડી જાય છે ત્યારે સફળતા કટાઈ જવા માંડે છે. વર્તમાનપત્રનો ધબકાર તેની તાજગી હોય છે. પહેલી જ નજરે જે વર્તમાનપત્ર નિષ્પ્રાણ લાગે, ઉદાસીન લાગે તેનાં અંદરનાં પાનાંમાં સોનાની ખાણ પડી હશે તોય તેની કિંમત નહીં થાય. તંત્રીની અને તંત્રીમંડળની તાકાત કે નબળાઈ ત્યાં જ દેખાય છે. વર્તમાનપત્ર ટીમવર્ક છે અને સમાચારતંત્ર કાર્બલ હોય તોય બાકીની ટુકડીની બેકાળજીને લીધે માર ખાઈ જાય તેવું બને છે. વર્તમાનપત્રની સફળતામાં આ ટીમવર્ક બોલતું હોય છે. આખી ટીમ સંવાદ અને શિસ્ત વગરની હોય ત્યાં એકાદ સારા બૅટ્સમેનથી કે બૉલરથી કે વિકેટકીપરથી કોઈ ફત્તેહ મળતી નથી. કારણ કે આ તો રોજેરોજનો ખેલ હોય છે અને વર્તમાનપત્રોને ફ્રેન્ડલી મૅચની ભાવના બિલકુલ માફક ન આવે.
અખબારોએ સફળ થવા માટે પોતાની એક શૈલી પણ વિકસાવવી પડે છે. ‘ટાઇમ’ જેવા સાપ્તાહિકે પોતાની એક શૈલી પેદા કરી છે. દૈનિક વર્તમાનપત્ર માટે