________________
પ્રબળ રચનાત્મક શક્તિ
ઈશ્વર જે. પંચોલી
પત્રકાર અને અખબાર વિધાયક બળ બની સમાજ અને રાષ્ટ્રને સમૃદ્ધ અને ઉન્નત બનાવવામાં મહત્ત્વનું પ્રદાન કરી શકે છે, પરંતુ જો પત્રકાર કે અખબાર પોતાનો ધર્મ ચૂકે તો એ વિનાશક બળ બની સમાજ અને દેશને પારાવાર હાનિ પણ પહોંચાડી શકે છે. પીળા પત્રકારત્વના અનર્થકારી રાહ અપનાવતા પત્રકારો પોતાના અંગત લાભો માટે કામ કરતા રહીને સમાજ તથા રાષ્ટ્રજીવનને છિન્નભિન્ન કરી નાખે છે. કમનસીબીની વાત એ છે કે આવો અધર્મ આચરતા પત્રકારો, સામયિકો અને અખબારોને પંપાળીને – એમને સારો એવો આર્થિક લાભ આપીને (અલબત્ત, પોતાની વગોવણી થતી અટકાવવાના અથવા પોતાના વિશે પ્રચાર કરાવવાના હેતુથી જ) પત્રકાર જગતમાં ભ્રષ્ટાચાર ફેલાવાઈ રહ્યો છે. નિષ્ઠાવાન પત્રકારો અને તંત્રીઓ વાજબી સગવડો કે લાભો મેળવવા માટે પણ પ્રધાનો, અધિકારીઓ અને મોટા ઉદ્યોગપતિઓનો સંપર્ક સાધવામાં સંકોચ અનુભવે છે, જ્યારે વગોવણીનો ધંધો લઈ બેઠેલા કેટલાક પત્રકારો પોતાના વર્તમાનપત્રના પ્રભાવનો દુરુપયોગ કરી ખોટા લાભો પડાવતા રહે છે. ધર્મ ચૂકેલા પત્રકારો અંગત હિત ખાતર આમ કરે એ સમજી શકાય પરંતુ આવા પત્રકારોને રાજકારણ અને વેપાર-ઉદ્યોગ ક્ષેત્રના મહારથીઓ આદર આપતા રહે એ આશ્ચર્યની વાત છે – આ આદર હાર્દિક નથી હોતો, ભયપ્રેરિત હોય છે. આવા પત્રકારો અખબારી આલમને બદનામ કરતા રહે છે.
પત્રકારો એટલે પરમ પવિત્ર એવો દાવો ન કરી શકાય, એવી અપેક્ષાયે રાખી ન શકાય. અન્ય ક્ષેત્રોની જેમ પત્રકારત્વના ક્ષેત્રમાંયે દૂષણો પ્રવેશ્યાં છે. પણ પત્રકારોને બગાડવા માટેની જવાબદારી મહદ્ અંશે રાજકીય નેતાઓ અને પોતાને અનુકૂળ હોય એવું છપાવવા ઇચ્છતા અને પોતાની વિરુદ્ધ કંઈ પણ પ્રસિદ્ધ થતું અટકાવવા મથતા ધનિકોની છે. એઓ ભેટ-સોગાદો અને ખાણીપીણી દ્વારા પત્રકારોને ફોડવાનો પ્રયત્ન કરતા રહે છે. કેટલીક વાર સરકારના માહિતી ખાતાના અધિકારીઓ પણ આવી ‘ટ્રિક અજમાવી કેટલાક પત્રકારોને પોતાની મરજી મુજબ નચાવે છે.
પણ પત્રકારોમાં ભ્રષ્ટાચાર વ્યાપક નથી બન્યું એનું એક કારણ એ છે કે સંવાદાતા–રિપોર્ટરને જ પત્રકાર તરીકે ઓળખવામાં આવે છે. વર્તમાનપત્રમાં સંવાદદાતાનું સ્થાન ખૂબ મહત્ત્વનું છે; પણ ખૂફરીડર, સબએડિટર (ઉપતંત્રી), ચીફ સબ-એડિટર, ન્યૂઝ-એડિટર, આસિસ્ટન્ટ એડિટરનું સ્થાન ઓછું મહત્ત્વનું નથી. જેમને વર્તમાનપત્રો સાથે પનારો પડ્યો હોય છે એવા ઘણા લોકો પણ આ સત્ય જાણતા હોતા નથી, ત્યારે