________________
સાહિત્યિક સામયિકો : જૂના અને નવાં
In નરેન્દ્ર ત્રિવેદી
અકળાયેલી બપ્પોર અને આફરેલું પેટ આંખને ઘેરી રહ્યાં છે ત્યારે ચાલો ગુલશન'ની યાદે દીવાસ્વપ્નનું એક ઝોકું માણી લઈએ. તો આ વાત છે એક ગુલશન'ની. એના બાગબાનું નામ તમે પૂછો એ પહેલાં જ હું જણાવી દઉં : સાહિત્યિક સામયિકોના બ્રાહ્મમુહૂર્તે સ્મરણ કરવા જેવું એ નામ છે : સ્વ. હાજી મહમ્મદ અલારખિયા શિવજી. ઈ. સ. ૧૯૦૧માં એક રૂપિયાના લવાજમથી ‘ગુલશન’ નામનું સચિત્ર માસિક એમણે શરૂ કરેલું – શરૂ કરેલું પણ એકાદ વરસના ગાળામાં એ કરમાઈ ગયેલું; કરમાઈ ગયેલું પણ “વીસમી સદીની કેડી કંડારતું ગયેલું. ઈ. સ. ૧૯૧૬માં એ કેડીને પાંખો ફૂટી ને એ પાંખોના ઇન્દ્રધનુષી રંગોએ હજારોને આનંદવિભોર કર્યા. હાજીની સંપાદકીય કોઠાસૂઝના ફલસ્વરૂપે “વીસમી સદી' સામાન્યમાં સામાન્ય જનથી માંડી નરસિંહરાવ જેવા સાક્ષરવર્યનું માનીતું માસિક બન્યું. સાહિત્યકારોના મિજાજને જરા પણ આંચ આવવા દીધા વિના એમની પાસેથી સામાન્ય જનનું મનોરંજન થાય એવું કામ કઢાવવાનું નિઃશંક લોઢાના ચણા ચાવવા જેવું છે. પણ હાજીએ તો એ હેરતભર્યો પ્રયોગ એના “વીસમી સદી'માં રમતાં રમતાં કરી બતાવ્યો. સર્જક અને ભાવકનો સમાદર સાહિત્યને સર્વદેશીયતા અને સર્વકાલીનતાની કઈ ઉચ્ચઉચ્ચ સપાટીએ પહોંચાડે છે એનો પ્રત્યક્ષ પુરાવો “વીસમી સદીના અંકોના પાને પાને પથરાયેલો પડ્યો છે. પંડિતાઈનો અખાડો કે સભારંજની પિત્તળપ્રકાશન બનવાને બદલે, સાચા સાહિત્યિક સામયિકે જ્ઞાન અને આનંદનું રસાયણ કરી પોતાનો “સહિતસ્ય ભાવ' સિદ્ધ કરવાનો છે. લોકને લેહ લગાડે નહીં એ સાહિત્ય નહીં અને સાહિત્ય લોકને લેહ લગાડ્યા વગર રહે નહીં એ આપણા લોકસાહિત્ય હાજરાહજૂર કરી બતાવ્યું છે. “વીસમી સદીનો પુરુષાર્થ આ દિશાનો હતો, એટલું જ નહીં બલ્ક, “વીસમી સદી' એમાં નોંધપાત્ર રીતે સફળ રહ્યું. સફળ રહ્યું ને સાથેસાથે બીજાં સાહિત્યિક સામયિકો માટે પથપ્રદર્શક પણ બની રહ્યું ને એ એટલે સુધી કે હાજી મહમ્મદના અવસાન સાથે એનો અંત આવ્યો ત્યારે પંથ એનો એ અનંત બની ચૂક્યો હતો.
એ પંથ પર અંકાયેલાં પગલાંની એ શી વાત ! લાંબી લંગારનાં લેખાંનો તો અહીં અવકાશ નથી પણ ઉતાવળે-ઉતાવળેય થોડાં નામો તો લેવાઈ જ જાય છે. વીસમી સદીના સમાંતરે વા સમયાંતરે પ્રગટેલાં અને બંધ પડી ગયેલાં આ સાહિત્યિક સામયિકોમાં પહેલું યાદ આવે છે... આચાર્ય આનંદશંકર ધ્રુવનું “વસંત'. એની