________________
સાહિત્યિક સામયિકોઃ જૂના અને નવા [ ૯૯
શ્રીરંગ', શિરીષ મહેતાનું ઉત્તરા', વિષ્ણુ પંડ્યાનું “સાધના અને ગુજરાત સરકારના માહિતીખાતાનું ગુજરાત' સહેજે સ્મરણે ધસી આવે છે.
દૈનિકોના દળદાર દીપોત્સવી અંકોની સાહિત્યિક ઝાકમઝોળ હવે પહેલાં જેવી સર્વવ્યાપી રહી નથી છતાં હરીન્દ્ર દવેએ “જનશક્તિ' દ્વારા અને ભગવતીકુમાર શર્માએ “ગુજરાતમિત્ર' દ્વારા શગ ફગફગતી રાખી છે.
અખબારોના સામયિક વિભાગોમાં આવતી સાહિત્યિક કટારો પર અમદાવાદનાં એક-બે અખબારોએ નિર્લેપતા બતાવી હોવાના અપવાદોને બાદ કરતાં લગભગ બધાં જ અખબારો સાહિત્યિક રુચિના સંવરણ-સંવર્ધનની પ્રવૃત્તિને આજેય પ્રેમથી પોષતાં રહ્યાં છે.
જૂનાં, નવાં ને એમ જૂજવાં આ સાહિત્યિક સામયિકોના કાળપ્રવાહનું વસ્તુગત પરિપ્રેક્ષ્યમાં વિહંગાવલોકન કરતાં એટલું ખસૂસ લાગે છે કે જ્યારે પણ સાહિત્યકાર અને સામયિકકાર(પત્રકાર)ની સંગત સુપેરે સધાઈ છે ત્યારે સર્જક અને ભાવકનું સમારાધન થયું છે, ને જ્યારે પણ એ સંગત તરડાઈ-ઠરડાઈ છે ત્યારે સર્જક યા ભાવક યા તો કેટલીકવાર તો એ બેઉ અકળાઈને એવાં સામયિકોથી વિમુખ બન્યા છે. દુઃખ સાથે કહેવું પડે છે કે સર્જક અને ભાવકના સમસંવેદનનું સમારાધન કરતી સામયિક સૃષ્ટિ અને સંપાદકીય દૃષ્ટિ ઉત્તરોત્તર વિલોપાતી ચાલી છે. સામયિકોને પ્રાણવાયુ પૂરો પાડતી ડાયલોગની બારી પર લોખંડી કમાડ દેવાઈ ગયાં છે. વાચકો સાથે વાદ-પ્રતિવાદમાં પડવાનું પળોજણ બન્યું છે ને એવી પળોજણમાં પડ્યા વિના કે વાચકો શું વાંચે છે ને શું વાંચવા માગે છે એની લગીરે સ્પૃહા કર્યા વિના લખનારા ને છાપનારા એક બાજુ “ના હું તો ગાઈશ”ના વૈશાખનંદની તાનમાં મસ્તાન છે તો બીજી બાજુ, સાક્ષરોની એસીતેસી કરી સામાન્ય જનને લપટાવતી લસલસતી લેબાશી કરનારા “ગધા ગુલતાન’ છે. દેખીતી રીતે જ આમાં પહેલાવાળા કરતાં બીજાવાળાનો ઉપાડો વધારે છે. પરિણામ એનું એ આવ્યું છે કે સાહિત્યિક સામયિકો વધુ ને વધુ સંકોચાતાં ગયાં છે ને અપ-સામયિકો તગડાં બનતાં ચાલ્યાં છે. આ જ વાત બીજી રીતે કહીએ તો, સામયિકોમાંથી સાહિત્યનું બાસ્પીભવન થતું રહ્યું છે ને અવશિષ્ટ કચરાના ઉકરડા થતા રહ્યા છે. આના સીધા પરિણામ સ્વરૂપે સાહિત્યકારો સંગેમરમરિયા આવાસોના વાસી બનતા ચાલ્યા છે ને એમની સરસ્વતી ‘દ્વારે લુપ્તા સરસ્વતી બની છે. સાહિત્યકાર લોકથી વિમુખ બન્યો છે ને લોક સાહિત્યથી વિમુખ બન્યું છે.
ટૂંકમાં, સાક્ષરો અને સામાન્ય જનનાં સામયિકોના ખુલ્લંખુલ્લા બે અલગ ચોકા પડી ગયા છે. એ બે ચોકાની વાત કાળક્રમના રૂપમાં જરા વીગતે કરીએ તો સાહિત્યિક સામયિકો જે એક કાળે સર્જકો, સાક્ષરો અને સામાન્ય જનનું “એક સમારાધનમ્” હતાં એ કાલાંતરે એવાં ને એટલાં સંકુલાતિસંકુલ બન્યાં કે સામાન્ય જનનો તો એમાંથી પહેલે ધડાકે જ છેદ ઊડી ગયો. “તું તારે રસ્તે ને હું મારે રસ્તના