________________
૯૪
m પત્રકાર : એક વિધાયક પરિબળ
“એણે સર્વજ્ઞ હોવાનો દેખાવ ક૨વાનો હોય છે; એને સર્વવ્યાપી થવાની ઉમેદ હોય છે; એ સર્વશક્તિમાન ગણાવાનું પ્રાગત્સ્ય પણ ધરાવે છે. એની મહેચ્છાને મર્યાદા નથી. એની ભયાનકતાનો પણ સુમાર નથી. એ ધારે તો અર્વાચીન મનુ ને ધારે તો અર્વાચીન શકુનિ નીવડી શકે અને એ એ રૂપે મોર્લી, સ્ટેડ કે લેબૂશીયર તરીકે અથવા હર્સ્ટ કે હાર્વર્થ તરીકે એ પૂર્ણાવતાર મનાયો ને પુજાયો છે.
એ રોજની એક એક જિંદગી જીવે છે. એના કાર્યપ્રદેશની સીમાઓ જીવનની સીમા સુધી લંબાયેલી હોય છે. એની ફરજ એક જ દિવસમાં કોડીબંધ સ્વભાવો અને કોડિબંધ બનાવોના મર્મગ્રાહક અને મીમાંસક થવાની હોય છે. એ અનેકનાં ગુણગૌ૨વ પિછાને છે, અનેકની મહત્તાનો આંકનાર છે, અનેકનાં છિદ્રો જાણે ને પાપો ઉઘાડાં પાડે છે. પરલોકમાં જે કામ યમ-પ્રધાન ચિત્રગુપ્ત કરતા હશે એ આ લોક પરત્વે એને વિધાતાએ સોંપ્યું જણાય છે.
આવી અસાધારણ ફરજો અસાધારણ લાક્ષણિક સાધનસંપત્તિ માગી લે છે. હરેક વિષયનું વિશાળ છતાં આછોતરું જ્ઞાન લઈ રાખવું; હરેક લાગણીનો નેક છતાં ક્ષણિક પલકાર અનુભવવો; હરેક પ્રવૃત્તિની ભારેખમપણે ઉપલક નોંધ લેવી; આવા આવા એના ભાગ્યલેખ હોય છે. તેથી, એની કલમનો હ૨ફેહરફ રાતદિવસ એને જ સિદ્ધ કરવામાં રોકાય છે.
લખાણ તો એનો પ્રાણ છે. એ કામ એને મન આહાર, નિદ્રા ને ભય જેવું જ સ્વભાવસિદ્ધ બની રહે છે. શબ્દબ્રહ્મની જ ઉપાસનાથી મોક્ષ થતો હોય તો સૌથી પહેલો ને સંપૂર્ણ મોક્ષ પત્રકારનો થવો જોઈએ, કેમ કે એને તો ઇચ્છે તોયે અન્ય દેવનું રટણ અશક્ય છે. શબ્દોના સ્વામી થવાની હોંશમાં એ શરૂઆત કરે છે ને એનો દાસાનુદાસ થઈને સમાપ્તિ કરે છે. શબ્દશક્તિની વેદી પરનો એ સૌથી કરુણાજનક વધ્ય પશુ છે.
એ લખાણોની ભાષા લોકભાષા જ હોવી જોઈએ. લોક્સમુદાય પર પ્રભાવ પાડવો ને લોકહૈયાં કબજે કરવાં; લોકમત ઘડવો ને લોકલાગણીના પડઘા પાડવા; આમ લોકજીવન સાથે સમગ્રપણે એકતાર થવાના એ અભિલાષીને, લોકદેવના એ અથાક પૂજારીને, અનન્ય પૂજારીને, બીજી ભાષા ખપે જ કેમ ? એટલે એનું નિશાન હંમેશાં વાંચનારને વશવર્તી કરવાને જ તકાય છે અને એ હેતુ એ આડંબરી વાક્યવૈભવનાં કે ચમત્કારી પદલાલિત્યનાં, સરલ સચોટ વસ્તુકથનનાં અથવા કાચા કે સંસ્કારયુક્ત કટાક્ષનાં : એમ જ્યારે જે શ૨ની જરૂર પડે ત્યારે એ વછોડી પાર પાડે છે.”
વિજયરાય વૈદ્ય (‘જૂઈ અને કેતકી’, પૃ. ૭૨-૭૩)