________________
૯૨ - પત્રકાર : એક વિધાયક પરિબળ
સમાજ તથા રાષ્ટ્રની સેવાનું સાધન પૂરું પાડનાર માલિકોની ટીકા કરતા રહેવાથી કોઈ અર્થ સરતો નથી. જેઓ વર્તમાનપત્રના ક્ષેત્રમાં મોટી મૂડીનું રોકાણ કરે છે એમને નફા ઉપરાંત વધારામાં કીર્તિ મળે છે, જેટલી બીજા ઉદ્યોગપતિઓને મળતી નથી. આથી વર્તમાનપત્ર-ઉદ્યોગના પ્રાણ સમા પત્રકારો, પ્રેસ કામદારો અને વહીવટી પાંખના કર્મચારીઓ પ્રત્યે પોતાને સહાનુભૂતિભર્યું વલણ દાખવે, પત્રકારોની કામગીરીનું મહત્ત્વ સમજી-સ્વીકારી એમના પ્રત્યે પર્રિવારના સભ્યો જેવો વર્તાવ રાખે, એમની આર્થિક સ્થિતિ બહેતર થાય એ પ્રકારનાં વેતન-ધોરણ અમલમાં મૂકે એ પણ એટલું જ જરૂરી છે. અખબારને સાચા અર્થમાં વિધાયક બળ બનાવવા માટે આમ કરવામાં આવે એ અનિવાર્ય છે.
અખબારોના માલિકો-સંચાલકો છાપકામ સુધારવા પાછળ છૂટા હાથે ખર્ચ કરે છે. એઓ લાખો રૂપિયાની કિંમતનાં રોટરી મશીન, ફોટો ઑફસેટ મશીન તથા અન્ય યંત્રસામગ્રી વસાવે છે. વર્તમાનપત્રોના વિકાસ માટે આમ કરવામાં આવે એ જરૂરી છે, આવકાર્ય છે. પરંતુ એઓ લોખંડનાં યંત્રોને જેટલું મહત્ત્વ આપે છે એના એકસોમા ભાગ જેટલુંય મહત્ત્વ અખબારના હૃદય સમા પત્રકારોને ન આપે એ કેવું ? જે દિવસે માનવયંત્રો યોગ્ય દેખભાળના અભાવે કટાઈ જશે એ દિવસો લાખો–કરોડોની કિંમતનાં પોલાદી યંત્રો શા કામનાં રહેશે ?
પ્રાદેશિક ભાષાનાં વર્તમાનપત્રોમાંનાં કેટલાંક ખૂબ સમૃદ્ધ બન્યાં છે; આમ છતાં કચેરીમાં સંદર્ભગ્રંથોની લાઇબ્રેરી વસાવવાની તકેદારી ‘જન્મભૂમિ’ જેવા એકાદબે પત્રોના સંચાલકોએ જ રાખી છે. દરેક અખબારી કચેરીમાં સંદર્ભગ્રંથોની અદ્યતન લાઇબ્રેરી વસાવવામાં આવે એ અખબારનવેશોની કાર્યક્ષમતા અને વર્તમાનપત્રોનું ધોરણ સુધારવા માટે અનિવાર્ય ગણાવું જોઈએ. આવી જ રીતે પત્રકારત્વનો કોર્સ ચલાવતી શિક્ષણ સંસ્થાઓ અભ્યાસક્રમમાં અનુવાદને મહત્ત્વ આપે એ બહુ જરૂરી છે. હજી આવતાં ઘણાં વર્ષો સુધી આપણે અંગ્રેજી ભાષા પર આધાર રાખવો પડે તેમ છે ત્યારે પત્રકારોને અંગ્રેજીમાંથી ગુજરાતી કે અન્ય પ્રાદેશિક ભાષાઓનું સરસ ભાષાંતર કરવાની પૂરતી તાલીમ અપાવી જોઈએ.
સાહિત્યકાર અને પત્રકારના સંબંધો વિશે વિચારીએ. કેટલાક પત્રકારો સાહિત્યકારોને વેદિયા ગણી એમની ઉપેક્ષા કરે છે, તો કેટલાક સાહિત્યકારો પત્રકારોની ગણના કરતા નથી. કેટલાક વળી એમને ભાષાના દુશ્મનો માને છે. આ વાત બરાબર નથી. સાહિત્યકાર અને પત્રકાર એકબીજાનાં પૂરક બળ જેવા છે. વર્તમાનપત્રોમાં જોડણીદોષ અને મુદ્રણદોષની ઊણપનો સ્વીકાર કર્યા પછીયે એટલું તો કહેવું જ પડશે કે પત્રકારોએ ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવવામાં નમ્ર ફાળો તો આપ્યો જ છે. કેટલાક સાહિત્યકારો જેને છાપાળવી ભાષા તરીકે ઓળખાવીને એની ઠેકડી ઉડાવે છે એ ભાષા લોકોની છે એ ભૂલવું ન જોઈએ. વળી, વર્તમાનપત્રોની કારકિર્દીના પ્રારંભકાળમાં કેટલાક પારસી પત્રકારોએ અને એ પછી ગુજરાતી પત્રોના કેટલાક વિદ્વાન તંત્રીઓએ