________________
પત્રકાર : એક વિધાયક પરિબળ [ ૮૭ પ્રજાથી એની વિમુખતાનું એ સીધું પરિણામ છે.
કેવળ ૧૯૮૦ની આમચૂંટણીઓનાં જ નહીં; ૧૯૭૭, એ પૂર્વે ૧૯૭પ અને એનીયે પહેલાં ૧૯૭૧ એમ આપણા દેશના રાજકીય જીવનની પરિપાટીમાં પરિવર્તન આણનારાં ચૂંટણી પરિણામોની પૂર્વધારણામાં આપણા મોટા ભાગના પત્રકારોને સાંપડેલી સરિયામ નિષ્ફળતા એમની પ્રજા પ્રત્યેની વિમુખતાનો સજ્જડ પુરાવો છે. પત્રકારોની ગુલબાંગો, વિધાયક પરિબળ કે દૃષ્ટિસંપન્ન વિચારક હોવાના એમના દાવાઓની ભરપૂર અવગણના કરતી રહીને આ ચારે તબક્કે પ્રજા પોતાની રીતે જ વર્તી છે. પ્રજાની નાડ પારખનારા, પ્રજાના વિચારપ્રવાહને વળાંક આપનારા, રાષ્ટ્રના ભાવિને દિશાનિર્દેશન પૂરું પાડનારા પત્રકારના ગાલ પર આનાથી વધારે મોટો તમતમતો તમાચો બીજો ક્યો હોઈ શકે ?
હવે સવાલ એ થવાનો કે આવું થયું કેમ ? આપણાં અખબારોનો આઝાદી પૂર્વેનો જોમ જુસ્સો અને થનગનાટ, આપણા એ હિંમતવાન પત્રકારોની ફનાગીરી અને ફકીરીનો જેને અંદાજ છે એ હરકોઈ પૂછવાના કે તો પછી આવું થયું શાથી ?
શું આપણે બ્રિટિશરોના બંદીવાન હતા, ત્યારે જ આપણી સામે કોઈ સહિયારો આદર્શ – Common Cause હતું ? અને હવે એવું કોઈ સહિયારું સ્વપ્ન જ આપણી પાસે નથી ? સ્વપ્ન ન હોય તો, આપણે આગળ જોયું એમ દેશમાં સમાનતા સિદ્ધ કરવાનું સ્વપ્ન હોવું ઘટે - પણ એ માટેની સભાનતા પત્રકારમાં અકબંધ હોય તોયે એક સ્વપ્નશિલ્પી તરીકેની એની પ્રમાણભૂતતામાં–વિશ્વસનીયતામાં ભારે મોટી ઓટ આવી ગઈ છે.
જેવી આપણને આઝાદી હાંસલ થઈ કે આપણા લડાયક જુસ્સાનો જુવાળ ધીમે ધીમે ઠરવા માંડ્યો. હવે આપણી પાસે ઉત્થાન અને ઉન્નતિનું નવું સ્વપ્ન હતું. આઝાદી પછી કે ૧૯૬૯ સુધી રાષ્ટ્રીય પક્ષ સમી કોંગ્રેસનું દેશ પર એકચક્રી શાસન રહ્યું ત્યારે પણ સભાન પત્રકારત્વે એક વિધાયક પરિબળ તરીકે સમાજજીવનની – રાષ્ટ્રજીવનની ઘણી મોટી સેવા બજાવી છે, અને દેશના ઇતિહાસે એની નોંધ લેવી પડશે.
જ્યારે કોંગ્રેસની સામે અડીખમ ઊભો રહી તેનો કાન પકડે એવો વિરોધપક્ષ દેશમાં હસ્તી ધરાવતો નહોતો ત્યારે લોકશાહી શાસનપ્રણાલી ધરાવતા દેશને માટે જરૂરી એવી ભૂલ સુધારની, પડકારની, વિરોધની કામગીરી દેશનાં સંનિષ્ઠ અખબારો અને દૃષ્ટિસંપન્ન પત્રકારો બજાવી રહ્યાં હતાં.
આ બંને તબક્કામાં આઝાદી પૂર્વે અને એ પછી – તફાવત હતો તે એ કે