________________
પત્રકાર એક વિધાયક પરિબળ [ ૮૫ વર્તમાન સમયમાં પ્રેસ અને પત્રકાર બેઉની હેસિયત શી છે એની સમીક્ષા કર્યા વિના વિધાયકતાની આ આખી ચર્ચા કેવળ કલ્પનાવિહાર બની રહે એમ છે.
પહેલાં હું પ્રેસની અને પછી પત્રકારની એક વિધાયક પરિબળ બની રહેવાની ગુંજાયેશ કેટલી છે એની ચર્ચામાં ઊતરીશ.
આપણે આઝાદી પૂર્વેના સમયમાં પ્રેસે જે મહત્ત્વપૂર્ણ કામગીરી બજાવી એનું અવલોકન આગળ કર્યું. પરંતુ આજે એનું કૌવત ઓસરતું ગયું છે. આજે એની એક બળ તરીકેની શક્તિ નહીવત્ કહી શકાય. આઝાદી પહેલાં છાપાંનો ફેલાવો ઘણો ઓછો હતો અને આજે એના પ્રમાણમાં ફેલાવો ઘણો બધો કહી શકાય, એ જોતાં એવું વિધાયક બળ વધવું જોઈએ, પણ સ્થિતિ એથી ઊલટી છે.
જે કાળે છાપાં ચલાવવામાં આર્થિક રીતે મુશ્કેલીઓ હતી ત્યારે એનું પ્રેરક બળ મિશનરી ભાવના હતું. આજે છાપાં ચલાવવાં એ એક ઉદ્યોગ બન્યો છે. આઝાદી પૂર્વે અમુક ઉદ્યોગોએ રાષ્ટ્રીય ભાવનાને વશ થઈ આર્થિક ખર્ચાને પહોંચી વળવા ઉદ્યોગનો ટેકો છાપાંને શરૂ કરવા આપ્યો હતો. હવે ઉદ્યોગો પોતાનું સ્થાપિત હિત જાળવવા અને વિસ્તારવા છાપાંનો ઉપયોગ કરે છે. આઝાદી પહેલાં, એ હાંસલ કરવાનું દેશ સમક્ષ જે ધ્યેય હતું એમાં સૌ પોતપોતાની રીતે હિસ્સો આપતા હતા. સ્વરાજ પછી લોકશાહી સુદઢ કરવાનું અને દેશની સમૃદ્ધિ વધારી અસમાનતા દૂર કરવાનું ધ્યેય સ્વીકારવું જોઈતું હતું. પરંતુ એ ધ્યેય વિસરાઈ ગયું છે. રાજકારણીઓ અને રાજકીય પક્ષો સત્તા અને એ દ્વારા સંપત્તિના સ્વાર્થમાં પડી ગયા છે. એ જ રીતે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ લોકોના ભોગે વધુમાં વધુ કેમ મેળવવું એ શોષણમાં પડ્યો છે. શિક્ષણ જેવું જે પ્રજાઘડતરનું ક્ષેત્ર કહેવાય એ પણ ભ્રષ્ટ થયું છે.
આજે તમામ ક્ષેત્રે ઓટ આવેલી છે. અને એમાંથી પ્રેસ પણ મુક્ત નથી. વિધાયક બળ તરીકે વર્તવા તરફ એની જેટલી નજર છે તેથી વધુ એનો ફેલાવો કેમ વધે અને એ વધુ નફો કેમ કરે એ તરફ છે. એ માટે જેને રીઝવવા પડે એને રીઝવવામાં લોકહિતને વિઘાતક બનવું પડે તો એને અરેરાટી થતી નથી. સિનેમા ટિકિટબારી પર નજર રાખે છે તેમ પ્રેસ લોકરુચિ અને સ્થાપિત હિતોની ઇચ્છા લક્ષમાં લે છે. ક્ષેત્રમાંની સ્પર્ધા ઉપરાંત ઉત્પાદનનાં સાધનો વધતા ભાવ, ઊંચાં જતાં પગારધોરણો એ બધા ખર્ચને જો એ પહોંચી ન વળે તો એ પોતાની હસ્તી જાળવી શકે નહીં. વળી બીજાં ક્ષેત્રોમાં આવેલી ફરજની ઓટ એનામાં પણ આવેલી હોવાથી વધુ નફો કેમ થાય એ જ મનોદશા વ્યાપક બનેલી છે. જ્યારે એ સ્થિતિ હોય ત્યારે એ વિધાયક બળ રહી શકે નહીં.