________________
પત્રકારની સાંસ્કૃતિક સજ્જતા [ ૭૩ આવી સાંસ્કૃતિક સજ્જતા જેમ એના ભીતરી વિકાસ-જતન-સંપોષણમાંથી બંધાય એમ બૌદ્ધિક અભિગમ, વિશાળ વાચન, વિચારોના આદાનપ્રદાન ઇત્યાદિમાંથી પણ ઘડાતી રહે અને જો એ આ આવશ્યકતાઓ પ્રતિ સજાગ રહે તો એને સંતોષવા માટેનું વલણ એનામાં વિકસતું રહે છે અતિ પ્રતિકૂળ સંજોગોમાંયે બાહ્ય સજ્જતા શોધવા પ્રયત્નશીલ રહે.
આપણું મોટું દુર્ભાગ્ય છે કે ગુજરાતી દૈનિક પત્રકારત્વમાં આવી આંતરબાહ્ય સાંસ્કૃતિક સજ્જતા ધરાવતા પત્રકારો ઘણા ઓછા છે ને જે છે એઓને એ સજ્જતામાંથી આવિષ્કત થતી એમની શક્તિને લેખે લગાડવા માટેનો પર્યાપ્ત અવકાશ આપણું પત્રકારત્વ હજુ સુધી પૂરો પાડી શક્યું નથી. વસ્તુત: આપણું સાંપ્રત દૈનિક પત્રકારત્વ ઘણે બધે અંશે સાંસ્કૃતિક સજ્જતાની અને એની અભિવ્યક્તિના અવકાશની દરિદ્રતાથી પીડાય છે. આપણા પત્રકારત્વ પર રાજકારણ, સનસનાટી-રસિકતા, લોકભોગ્યતાને જ નજર સમક્ષ રાખવાનું વલણ, નર્યો ધંધાદારી અભિગમ, વ્યાપારી ગણતરીઓ તેમજ મોટા ભાગના પત્રકારોની વ્યક્તિગત અસજ્જતાનું એવું ભારે વજન ખડકાયું છે કે આ બધાં કારણોને લીધે પત્રોની અને પત્રકારોની સાંસ્કૃતિક સજ્જતાને અંકુરાવાની શક્યતા ઘણી ઓછી રહેવા પામી છે.
આજે આપણું પત્રકારત્વ સાધનસંપન્નતા, ફેલાવો, વાચકોની દિલચસ્પી વગેરે સંબંધમાં ઘણું સમૃદ્ધ બન્યું હોવા છતાં એની સાંસ્કૃતિક સજ્જતાને સંબંધ છે ત્યાં સુધી એ કેટલાક દાયકાઓ પહેલાં હતું એનાથી ખાસ આગળ વધ્યું હોય એમ લાગતું નથી – બલકે કેટલેક અંશે તો તેણે પીછેહઠ કરી હોય એવો વહેમ પડે છે. અલબત્ત, આમાં સાંપ્રત યંત્રયુગપ્રેરિત દેશકાળે પ્રજાસમૂહના વલણમાં સર્જેલાં આમૂલ પરિવર્તનોએ ઘણો ભાગ ભજવ્યો છે. આજના “જેટયુગમાં જ્યારે સમસ્ત પ્રજાજીવન જ ઉપરછલ્લું, ઉતાવળિયું, અધીરિયું, સપાટીપ્રિય, સપાટ, સ્વકીય મુદ્રા વિનાનું બન્યું જતું હોય ત્યારે પ્રજાજીવનના જ એક અંશરૂપ પત્રકારત્વ એના પ્રભાવથી અલિપ્ત રહી શકે એવી અપેક્ષા વધારે પડતી છે, પરંતુ પત્રકારત્વ પ્રજાને દોરવણી આપે, ખાસ કરીને લોકહૃદયની ચેતનાને એ દીપ્તિમંત રાખે એવી જો આપણી અભિલાષા હોય તો ઉપર કહ્યા એ વિપરીત પ્રભાવમાંથી પંડને શક્ય એટલું બચાવવા તેણે પ્રયત્નશીલ રહેવું જોઈએ. આપણું પત્રકારત્વ આજે એવો પુરુષાર્થ કરી રહ્યું છે ખરું ? જવાબ એકંદરે નકારમાં આપવો પડે એવી સ્થિતિ છે.
થોડાંક ઉદાહરણોથી મારી વાત સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરું છું :
આજે ગુજરાતમાં સંખ્યાબંધ ગુજરાતી ચલચિત્રો સર્જાય છે. કલાદૃષ્ટિએ એમાંની ઘણીખરી ફિલ્મો સાવ નિકૃષ્ટ કોટિની હોય છે, છતાં એ ફિલ્મોએ એક બહોળો પ્રેક્ષક વર્ગ તૈયાર કર્યો છે. આ ચિત્રો કેટલાં ખરાબ છે અથવા એમાંનું કોઈક