________________
પત્રકારની સાંસ્કૃતિક સજ્જતા
☐ ૭૫
સર્જનાત્મક સાહિત્યલેખન, પુસ્તકસમીક્ષા, સાહિત્યિક કાર્યક્રમો ઇત્યાદિને પણ ગુજરાતનાં વર્તમાનપત્રો પૂરતું અને યોગ્ય સ્થાન આપે છે એમ કહેવું મુશ્કેલ છે. ફાધર વાલેસ જેવા એક વિદેશી વિદ્વાનને આપણી ગુજરાતી ભાષામાં લેખનકાર્ય બદલ ગુજરાતનું શ્રેષ્ઠ સાહિત્યિક બહુમાન ‘રણજિતરામ સુવર્ણચંદ્રક' મળે એ વિરલ ને સુભગ ઘટનાનું સમાચારમૂલ્ય સુધ્ધાં ગુજરાતનાં મોટા ભાગનાં અખબારો માટે એક ફકરા જેટલું જ વર્તાય એ દુઃખદ નહીં તો બીજું શું ? ગુજરાતના કદાચ એક જ અખબારે આ પ્રસંગને તંત્રીલેખ દ્વારા મૂલવવાની ગરિમા દાખવી હતી. મહારાષ્ટ્ર, બંગાળ કે હિન્દીભાષી પ્રદેશમાં આવી ઘટના બની હોત તો ? આ બાબતમાં મુંબઈમાંથી પ્રગટ થતાં ગુજરાતી અખબારો સુખદ અપવાદરૂપ છે. હરીન્દ્ર દવે જેવા એક ઉત્તમ કવિ, નવલકથાકાર અને પત્રકારના નિધનની ઘટનાને જે રીતે ગુજરાતનાં બે મુખ્ય દૈનિકોએ મૂલવી હતી - કવર કરી હતી એ આપણા પત્રકારત્વની સાંસ્કૃતિક દરિદ્રતાનું ઘોતક છે.
વર્ષો પહેલાં ઉર્દૂના આ સદીના એક મહાન કવિ ‘જિગર’ મુરાદાબાદીનું અવસાન થયેલું ત્યારે એને વિષે ગુજરાતના માત્ર એક વર્તમાનપત્રે તંત્રીલેખ લખવા જેટલી સૂઝ દાખવેલી એ જોઈને સ્વ. ચુનીલાલ મડિયા આફરીન થઈ ગયેલા. એ જ મડિયાનું અમદાવાદમાં રેલવે ટ્રેનમાં આકસ્મિક આઘાતજનક અવસાન થયું ત્યારે ગુજરાતનાં અખબારોએ, એક-બે અપવાદોને બાદ કરતાં, એ અખબારને માત્ર એક ફકરામાં સમાવી દીધેલો ! મડિયા ક્યાં કોઈ રાજકારણી કે ઉદ્યોગપતિ કે ફિલ્મસ્ટાર કે ક્રિકેટર હતા ?
અંગ્રેજી વર્તમાનપત્રોની સાપ્તાહિક આવૃત્તિઓમાં એક આખું પાનું ભરીને ખીચોખીચ પુસ્તક-સમીક્ષાઓ અચૂક રીતે પ્રગટ થાય છે, પરંતુ અલ્પ અપવાદો સિવાય, ગુજરાતી અખબારો પુસ્તક-સમીક્ષાને સાવકા સંતાન જેવું સ્થાન આપે છે. ગુજરાતી પત્રો આટઆટલી પૂર્તિઓ પ્રગટ કરે છે, પણ એમાં સર્જાતા સાહિત્યના અંકુરો જોવા મળે છે ખરા ? ભાગ્યે જ કોઈ પત્ર સપ્તાહે એક કવિતા કે એક લલિત નિબંધ પ્રગટ કરવાની હિંમત દાખવે છે. શ્રી ભોળાભાઈ પટેલને એમના સુન્દરતર પ્રવાસ-નિબંધો પ્રગટ કરવાનું કોઈ દૈનિક પત્ર તો ઇજન આપે જ ક્યાંથી ? જોકે પછીથી આમાં સુખદ અપવાદ સર્જાયા છે, આપણાં વર્તમાનપત્રોની પૂર્તિઓમાં ધારાવાહી નવલકથા અનિવાર્ય અંગ બની ચૂકી છે, પણ કોઈ પત્રે પ્રયોગલક્ષી, આરૂઢ નવલકથા છાપવાની હામ બતાવી છે ખરી ? આ વર્તમાનપત્રો જાતજાતના સિસ્ટર પબ્લિકેશન્સ પ્રગટ કરે છે - સિનેમાથી માંડીને ધર્મવિષયક, પરંતુ શુદ્ધ સાહિત્યનું સામયિક પ્રગટ ક૨વાનું કોઈએ સાહસ કર્યું છે ખરું ? એકમાત્ર અપવાદ મુંબઈમાંથી પ્રગટ થતાં ‘કવિતા’ ત્રૈમાસિકનો છે. એક જમાનો હતો જ્યારે ‘પ્રજાબંધુ' સાપ્તાહિક એની