________________
પત્રકારની સાંસ્કૃતિક સજ્જતા [ ૭૭
ગોકીરો સંભળાય છે. વિચારશીલતાનો હ્રાસ કરપીણ બનતો જાય છે. બંગાળ, મહારાષ્ટ્ર અને દક્ષિણના બીજા પ્રાંતોની પ્રજાની તુલનાએ ગુજરાતી પ્રજા એની સાંસ્કૃતિક પરંપરાઓ તથા અસ્મિતાથી કેટલેક અંશે રિક્ત બનતી જાય છે. આપણી સાંસ્કૃતિક ભોંયમાંથી આપણાં મૂળ ઊખડતાં જાય છે. કૃત્રિમ ચળકાટ અને ગ્લેમરનો પ્રભાવ આપણા પ્રજાજીવન પર વધતો જાય છે. આપણી ભાષા, બોલીઓ, ઉચ્ચારશુદ્ધિ, આપણો ઇતિહાસ, આપણી પુરાતત્ત્વીય તથા લૌકકલાની સમૃદ્ધિ, વગેરેના જતન અંગે આપણે એકંદરે ઉદાસીન છીએ. આ પરિસ્થિતિ પરત્વેની ઊંડી ચિંતા તથા એના નિવારણના ઉપાયો આપણાં પત્રોમાં ભાગ્યે જ વ્યક્ત થાય છે. એ પત્રો જ કેટલેક અંશે પથગ્યુત થયેલાં જણાય છે. માત્ર સમાચાર, માત્ર રાજકારણ, કેવળ લોકપ્રિયતા પર નજર, ધંધાદારી દૃષ્ટિકોણ, સનસનાટીનો અતિરેક, અંધશ્રદ્ધાવર્ધક લેખો છાપવાની હોડ, ઉછીની-વાસી-એંઠી વાચનસામગ્રી – પત્રમાલિકોએ બાંધેલા અને પત્રકારોએ સ્વીકારવી પડેલી આ વાડમાંથી ગુજરાતી પત્રકારત્વે મુક્ત થવું જ રહ્યું. કૂતરો માણસને કરડે એ નહીં પણ માણસ કૂતરાને કરડે એ સમાચાર થયા એવું પત્રકારત્વનું પાયાનું સૂત્ર છે એ સાચું, પરંતુ જો આપણાં પત્રો પ્રજાજીવનની સૂક્ષ્મ સંપત્તિ શા એના સાંસ્કૃતિક આવિર્ભાવોની આ રીતે ઉપેક્ષા કરવાનું ચાલુ રાખશે તોપણ માણસ કૂતરાને કરડે એવા કિસ્સા વધતા જ જશે !
સર્વોદય યુગનું પત્રકારત્વ એ બ્રાહ્મણ' વ્યવસાય હશે, અને બ્રાહ્મણવૃત્તિનો માણસ જ એના સંપાદક-પદ માટે સુયોગ્ય બનશે. સત્તા, સંપત્તિ અને મહત્તાની લાલસાઓથી અને રાજકીય પક્ષવાદથી એ પર હોવો જોઈશે અને એનું માનસ લોકસંગ્રહની ભાવનાથી પ્રેરાયેલા તટસ્થ દ્રષ્ટાનું હોવું જોઈશે. ઉમેરવાની ભાગ્યે જ જરૂર છે કે બહુશ્રુતતા અને વ્યવસાયી કાબેલિયત એ તો એના મૂળભૂત ગુણો હશે જ. એક આદર્શની મેં રજૂઆત કરી છે. એટલે જો એના શબ્દાર્થમાં એને લેશો તો આપને એમ લાગશે કે એવો માણસ અલભ્ય નહીં હોય તોયે અતિ દુર્લભ તો ગણાય જ. પરંતુ આને દિશાસૂચન લેખશો તો એ આદર્શને ઠીક ઠીક પ્રમાણમાં પોતામાં મૂર્તિમંત કરતા હોય એવા માણસો નહીં મળી રહે એમ હું માનતો નથી. ગુજરાતની ભૂમિ નિર્વીર્ય નથી; અને ગાંધીનું તપ આ ભૂમિમાંથી હજી પરવારી ગયું નથી
- - રવિશંકર મહેતા (ગુજરાતી સાહિત્ય પરિષદના વીસમા સંમેલનના પત્રકારત્વ વિભાગના પ્રમુખપદેથી)*