________________
વિકાસનો આલેખ | ૧૧ તો જેવુંતેવું વૈવિધ્ય ન કહેવાય. દૈનિકે ન ઝડપી હોય એવી પ્રવૃત્તિ શોધવી મુશ્કેલ છે. જૂનાં દૈનિકોમાં શુષ્ક વિષયસૂચિને પણ અવ્યવસ્થિત અને કદરૂપી રીતે ગોઠવી. દેવામાં આવતી. આજે દૈનિકોનાં પાનાંની સજાવટને કલાત્મક બનાવવામાં સતત ચીવટ રાખવામાં આવે છે. સામગ્રીમાં તથા સજાવટમાં જરાય શુષ્કતા ન આવે એની ખબરદારીમાં તંત્રીઓ અને ઉપ-તંત્રીઓની ઊંઘ હરામ થઈ જાય છે. . .
ગુજરાતની પ્રજાના જીવનમાં આ અખબારોનું મહત્ત્વ કેટલું ? એનું માપ કાઢવા માટે લોકોની સામાન્ય જાગૃતિની તપાસ કરતાં જણાશે કે દુનિયા, દેશ અને ખાસ કરીને ગુજરાતની મોટી મોટી નવાજૂની કચ્છથી વલસાડ સુધીનાં ગામો સુધી પહોંચી જાય છે. નાનકડી હોટેલો, બજારો અને ચૌટામાં બેસતા સામાન્યમાં સામાન્ય લોકો અનેક ઘટનાઓથી ઠીકઠીક વાકેફ હોય છે અને ટીકા-ટિપ્પણ પણ સારું કરી શકે છે. યુદ્ધ અને રેલસંકટ તથા બીજી રાષ્ટ્રીય આપત્તિઓના સમાચાર ગામેગામ ફેલાવવાનો યશ રેડિયો કે અંગ્રેજી છાપાંઓને નહીં પણ ગુજરાતી વર્તમાનપત્રોને જાય છે.
ગુજરાતનાં વર્તમાનપત્રો તથા પત્રકારત્વનું આ જમા પાસું સધ્ધર ગણાય. પરંતુ ઋણ પાસુંય ખાસું ભારે અને દુઃખદ છે. વિકાસ થયો છે પરંતુ ગતિ અને દિશામાં ગરબડ છે. શ્રી યાસીન દલાલે ગુજરાતી દૈનિકો અને સાપ્તાહિકોના વેચાણના આપેલા આંકડા પ્રભાવશાળી છે, પરંતુ સાપેક્ષ ચિત્ર જુદું છે. ગુજરાતની કુલ વસ્તીના માત્ર ત્રણ ટકા જેટલા જ લોકો ગુજરાતી દૈનિકો ખરીદ કરે છે. એક નકલ સરેરાશ પાંચ વ્યક્તિઓ વાંચે એમ માનીએ તો વાચકોની ટકાવારી પંદર ટકાથી વધતી નથી. વસ્તીના ૮૫ ટકાને જેની જરૂર લાગતી નથી અને જેની પડી નથી એ પ્રવૃત્તિ વેપાર હોય કે સેવા હોય પણ તેણે સંતોષ કે અભિમાન લેવા જેવું શું? જે નાનકડો સંસ્કારી વર્ગ છાપાં નિયમિત વાંચે છે એ પણ વર્તમાનપત્રને પોતાનું ગણીને આત્મીયતા, આદર કે પ્રેમથી, જોતો નથી. વર્તમાનપત્રની અનેક ઊણપો જોઈને અસંતોષથી પીડાય છે. સમાચારોમાં પણ ચોકસાઈનો અભાવ, વિગતોની ભેળસેળ વગેરેની શંકા હોવાથી સાવધાનીપૂર્વક વાંચે છે. છાપાં સાથે એમનો સંબંધ સમાચાર અને મુખ્યત્વે મનોરંજન પૂરતો હોય છે. તંત્રીઓના અભિપ્રાયો, શિખામણો અને માર્ગદર્શનની વાચકોને કશી પડી નથી. અખબારને સમાચાર ખાતર રોજિંદી જરૂરી ચીજ તરીકે લે છે, પણ એનાથી વાચકોનો સામાન્ય થર ખુશ કે પ્રભાવિત થતો નથી. ગુજરાતી વર્તમાનપત્રોનો વિકાસ એકદંડિયા કે બહુમાળી ઇમારતના જેવો છે.