________________
૪૦ ગુજરાતી પત્રકારત્વનું સરવૈયું
મહત્ત્વનાં કેન્દ્રોમાં ખાસ સંવાદદાતાઓ નીમવા છતાં સમાચારોના સંકલનની બાબતમાં ગુજરાતી અખબારોમાં ખાસ આયોજન જોવા મળતું નથી. મહત્ત્વની ઘટનાઓના રિપોર્ટિંગની બાબતમાં “ફોલો અપ” અહેવાલો જોવા મળતા નથી. કોઈવાર ઈરાનની ઘટનાઓ અંગે આખું પાનું ભરીને અહેવાલ જોવા મળે, પણ પછી દિવસો સુધી ઈરાન અંગે એક લીટી પણ વાંચવા ન મળે. લેખો સામાન્ય રીતે લીડર પેઈજ ઉપર ગોઠવવાની પરંપરા છે, પણ ઘણાં ગુજરાતી પત્રો મહત્ત્વના લેખોને ગમે એ પાને મૂકી દે છે. વાચકોના પત્રોની બાબતમાં તો લગભગ ઉદાસીનતા જોવા મળે છે. એકાદ-બે ગુજરાતી પત્રોને બાદ કરતાં મહત્ત્વના પ્રશ્નો ઉપર વાચકોના પત્રોના વિભાગમાં ચર્ચા જામી હોય એવું બનતું નથી.
છેલ્લા દોઢ દાયકામાં બનેલી કેટલીક ઘટનાઓ નોંધપાત્ર છે. “ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ની ગુજરાતી આવૃત્તિ ૧૯૮૮માં શરૂ થઈ, પણ ટૂંકા ગાળામાં (૧૯૯૩માં) બંધ થઈ ગઈ. એ જ જૂથનું મહિલા સામયિક “ફેમિના' પણ ગુજરાતીમાં આવ્યું, અને બંધ થયું. પણ, દિલ્હીના એક જૂથનું “ગૃહશોભા' ચાલી રહ્યું છે. જાણીતું હિન્દી સામયિક “મનોહર કહાનિયાં” પણ ગુજરાતીમાં આવી ચૂક્યું છે. “ઇન્ડિયા ટુ ડે'ની ગુજરાતી આવૃત્તિ પાક્ષિક હતી. એ હવે સાપ્તાહિક બની રહી છે. સુરતનું જન્મભૂમિ જૂથનું બપોરનું દૈનિક “પ્રતાપ' '૯૧માં બંધ થયું. તાજેતરમાં ઇન્ડિયન એક્સપ્રેસ જૂથનું પાક્ષિક “રંગતરંગ' પણ બંધ થયું છે. “જન્મભૂમિ'ની ગુજરાતી આવૃત્તિ ગાંધીનગરથી નીકળી પણ ચાલી નહીં. ‘ચિત્રલેખા” અને “અભિયાન' શ્રેણીમાં નીકળતું મુંબઈનું યુવદર્શન બંધ થયું, પણ અમદાવાદથી એ પ્રકારનું સાપ્તાહિક નેટવર્ક શરૂ થયું છે. “અખંડ આનંદ', 'નિરીક્ષક”, “કુમાર” વગેરે બંધ થઈને ફરીથી શરૂ થયાં છે. સાહિત્યિક સામયિકોમાં પ્રત્યક્ષ” અને “ઉદ્દેશ'નો ઉમેરો થયો છે. ૧૯૮૫માં દૈનિક સમભાવ' અમદાવાદથી શરૂ થયું.
સ્વાતંત્ર્ય પછીના પત્રકારત્વમાં એક મોટો ફેરફાર એ થયો કે એ માત્ર સેવાક્ષેત્ર ન બની રહેતાં વ્યવસાય બનતો ગયો, અને વ્યવસાયમાંથી ઉદ્યોગ તરફ એની ગતિ થઈ. ઉદ્યોગોમાં નફો કરવાનું મુખ્ય ધ્યેય હોય છે. આમ અખબારોનું સમગ્ર માળખું બદલાતું ગયું અને દૈનિક અખબારો તો મોટા ઉદ્યોગપતિઓના જ હાથમાં જઈ પડ્યાં. સ્વાતંત્ર્ય પહેલાં અખબારનવેશનું કે પત્રકારનું જે સ્થાન હતું, એ ધીમે ધીમે અખબારના માલિકે લઈ લીધું. સ્વાતંત્ર્ય પછીના પત્રકારત્વ ઉપર આ હકીકતે ઘણી મોટી અસર પાડી છે. આવી બીજી અસરકારક ઘટના દેશના તખ્તા ઉપર રાજકારણીઓના વધેલા પ્રભાવની છે. આ પ્રભાવે પણ પત્રકારત્વ ઉપર મોટી અસર પાડી અને ખૂબ ફેલાવો ધરાવતાં મોટાં દૈનિકોનાં નામો કોઈ ને કોઈ રાજકીય પક્ષ કે નેતાની સાથે જોડાવા