________________
[ પ્રકાશ પ્રવચનો તો તેનું વાચ્ય સાકર વસ્તુ પણ છે ને ! તેમ આત્મા શબ્દ છે તો તેનું વાચ્ય આત્મા એક વસ્તુ છે. એ વસ્તુમાં જ્ઞાન, આનંદ, સ્વચ્છતા, પૂર્ણતા, આદિ અનંત શક્તિ છે પણ ચોરાશીના અવતારમાં જીવે કદી તેનો વિચાર કર્યો નથી. કયારેક વિચાર કરવાનો અવસર મળ્યો તોપણ એ અવસર ખોઈ નાખ્યો.
સવારમાં વિચાર આવ્યો હતો કે અહો ! મુનિઓ-સંતોએ મનુષ્યનું સ્થાન તો છોડી દીધું પણ વનમાં જ્યાં મનુષ્યનો પગરવ હોય ત્યાં પણ અમે ન રહીએ. અમારા આત્માના શોધન માટે એકાંતમાં જ અમે રહીએ.
અરે ! આ અવસર મળ્યો. શરીર, વાણી, મન અને પુણ્ય-પાપના વિકલ્પથી પણ રહિત ભગવાન આત્માની શોધ કરવા માટે આ ભવ છે, તેમાં અજ્ઞાની પરની-કુટુંબની, લક્ષ્મીની, આબરૂની શોધ કરે છે. શરીર અને કુટુંબ આદિના વિકલ્પથી શોધ આડે એક સમયમાં ભગવાન પૂર્ણાનંદ પ્રભુ મારો આત્મા કેવો છે તેની અંતરશોધ ન કરી. અનંતકાળમાં અનંતવાર આવો મનુષ્યભવ મળ્યો પણ કયારેય આ જીવે પોતાના સ્વભાવની શોધ ન કરી. અંતરમંથન ન કર્યું.
વસ્તુ તેને કહેવાય કે જેમાં અનંતગુણ વસતાં હોય. આત્મા એક વસ્તુ છે; તેમાં પણ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ આદિ અનંત ગુણ વસે છે. પણ જીવે અનંતકાળમાં અંતર્મુખ મંથન કર્યું નથી. એકલું બહિર્મુખ ઘોલન છે તેથી પોતાનાં સ્વરૂપનું ભાન નથી. સાધુ થયો તોપણ દ્રવ્યલિંગમુનિ થઈને દયા પાળું, વ્રત પાળું એવા વિકલ્પમાં પડ્યો પણ પોતાની વસ્તુની શોધ ન કરી.
“મેરા...મેરા નહિ હૈ તેરા, ઉસમેં માના મેરા, યે હૈ તેરા દુઃખકા ડેરા” આ દુઃખના તંબુ છે.
આત્મા અરૂપી પણ વસ્તુ છે કે નહિ?છે. તો તેમાં વસવાવાળી કોઈ શક્તિ છે કે નહિ? જ્ઞાન, દર્શન, આનંદ, સુખ આદિ અનંત શક્તિ તેમાં વસે છે. એ તારું નિજાર છે તેમાં વાસ્તુ કરને! તેમાં દષ્ટિ કરીને અનુભવ કરવો તે તારો ધર્મ અને મોક્ષનો માર્ગ છે. લોકો પાંચ-પચાસ લાખના બંગલા બનાવે પછી તેમાં વાસ્તુ કરે છે ને ! ગૃહપ્રવેશ કરે છે ને ! પણ એ તો બધાં બંગલા ધૂળના ઢગલા છે. આત્મગૃહમાં પ્રવેશ કરવો તે ખરું વાસ્તુ છે.
સિદ્ધપરમાત્મા કેમ થાય? કે અનાદિ વિકારી સંસારી અવસ્થાનો નાશ કરી, સ્વભાવમાં દૃષ્ટિ, જ્ઞાન અને એકાગ્રતા કરી–શુદ્ધાત્માની ભાવના વડે વીતરાગ પરમાનંદરૂપે પરિણમ્યાં તેને સિદ્ધ પરમાત્મા થયા કહેવાય. આ જેવા સિદ્ધ છે તેવો જ આ આત્મા છે તેનું ધ્યાન કરવું તે સાર છે.